અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 35 દીક્ષા ! 11 વર્ષના બાળકથી લઇને 500 કરોડની સંપત્તિના વેપારી સુધી 35 મુમુક્ષુ લેશે દીક્ષા

અમદાવાદમાં સૌપ્રથમવાર 18થી 22 એપ્રિલ વચ્ચે સામુહિક 35 દીક્ષા મહોત્સવ યોજાશે. જૈન ધર્મના અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના નિર્વાણના 2,550 વર્ષની ઉજવણીના ભાગરૂપે 35 મુમુક્ષો 22મીએ સંસારનો ત્યાગ કરશે અને પ્રભુ મહાવીરના પંથે વિજય પ્રસ્થાન કરશે. આ દીક્ષા મહોત્સવ રિવરફ્રન્ટ ખાતે થવાનો છે અને દીક્ષાના મહાનાયક આચાર્યદેવ વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે 11 વર્ષની ઉંમરના બાળકથી લઇને 56 વર્ષના પ્રૌઢ સુધી 35 મુમુક્ષો સંસારનો પરિત્યાગ કરી પ્રભુ વીરના પંથે પ્રયાણ કરશે.

જણાવી દઇએ કે, રિવરફ્રન્ટ ખાતે ત્રણ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં રાજસ્થાનના ભવ્ય મહેલોની ઝાંખી કરાવતી અધ્યાત્મ નગરીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. બે લાખ મીટર કાપડનો અને 2.5 લાખ ચોરસ ફુટ લાકડાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મુખ્ય મંડપમાં 20 હજારથી વધુ લોકો બેસી શકે તે માટેની વ્યવસ્થા કરાઈ છે જ્યારે રાત્રિના સમયે 2 હજાર દીવાઓ દ્વારા રોશની કરાશે. અધ્યાત્મ નગરી રાજસ્થાનના રાજમહેલની થીમ પર ભવ્ય મંદિરનુ નિર્માણ કરાયું છે.

18 તારીખે ભવ્ય શોભાયાત્રા અને ઉદ્ઘાટનની સાથે સાંજે સંધ્યા ભક્તિ, 19 તારીખે વિશિષ્ટ પુસ્તકોના વિમોચન કાર્યક્રમની સાથે દીક્ષાર્થીઓ પોતાનુ મંતવ્ય રજુ કરશે. 20 તારીખે મહેંદી મહોત્સવ અને સંધ્યા ભક્તિ તેમજ 21 તારીખે 7 કિમી લાંબી રથયાત્રા કાઢવામાં આવશે અને 22 તારીખે દીક્ષા વિધિનો પ્રારંભ કરાશે અને 35 મુમુક્ષોના સંસારી નામોને કાયમી રદ કરી સાધુ-સાધ્વી તરીકેના નામ પ્રદાન કરાશે. જૈન ધર્મના અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના નિર્વાણનાં 2550 વર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં ભવ્યાતીભવ્ય દીક્ષા સમારોહ યોજાવા જઈ રહ્યો છે.

એકસાથે 35 મુમુક્ષુ સંયમનો માર્ગ અપનાવશે. આ 35 મુમુક્ષુઓમાંથી કેટલાક વેપારી તો કેટલાક વિદ્યાર્થી અને કેટલીક ગૃહિણીઓ પણ છે. 35 મુમુક્ષુમાંથી અમદાવાદમાં રહેતા 9 મુમુક્ષુઓ છે જેમાં એક આખો પરિવાર તો એક પતિ-પત્નીની જોડી, એક સગા ભાઈ-બહેન સહિત એક મુમુક્ષુ દીક્ષા લેવા જઈ રહ્યા છે. આ ઉપરાંત 12 મુમુક્ષુ સુરતના જેમાં 25 વર્ષનો યુવક કે જે CA ઇન્ટરમીડિયેટ અને ગાયક-સંગીતકાર છે. અમદાવાદમાં રિયલ એસ્ટેટનો મોટાપાયે વેપાર કરતા ભાવેશ ગીરીશભાઈ ભંડારી અને તેમની પત્ની જિનલ ભંડારી પણ આ ભવ્ય દીક્ષા સમારોહમાં દીક્ષા લેવા જઈ રહ્યા છે.

ભાવેશ ભંડારી રિયલ એસ્ટેટ ડેવલપર છે અને તેમની હાલમાં નેટ વર્થ 500 કરોડ રૂપિયા જેટલી છે. છેલ્લા 10 વર્ષથી તેઓ આચાર્ય યોગતિલકસૂરી મહારાજ સાથે જોડાયેલા છે અને તેમને પોતાના ગુરૂ માને છે. દર વર્ષે તેમના ગુરુ ભગવંતના જન્મદિવસ પર તેમની ઉંમરના વર્ષ જેટલું ચાંદી આપે છે. જણાવી દઇએ કે, ભાવેશભાઇ અને જિનલબેનના બાળકોએ પહેલા દીક્ષા લઇ ચૂક્યા છે ત્યારે હવે આ દંપતિ પણ સંયમના માર્ગે છે.

ભાવેશભાઇની મોટાભાગની સંપત્તિ સેવાના કાર્ય માટે દાન આપવામાં આવશે અને બાકીની કેટલીક રકમ નજીકના પરિવારજનોને કદાચ આપી શકે છે. અમદાવાદના સાબરમતીમાં રહેતા 21 વર્ષીય સંવેગ કુમાર સમીરભાઈ શાહ અને તેમના 15 વર્ષીય નાના બહેન ખ્યાતિબેન સમીરભાઈ શાહ બંને એકસાથે સંસારનો ત્યાગ કરી સંયમના માર્ગે ચાલવાના છે. તેમના પરિવારમાંથી 19-20 વર્ષ પહેલાં દાદીએ દીક્ષા લીધી હતી. ત્યારબાદ સંવેગ કુમારના અન્ય એક મિત્રએ પણ દીક્ષા લીધી હતી. બંને ભાઈ-બહેનના કૌટુંબિક મામાએ પણ દીક્ષા લીધેલી છે.

ત્યારે હવે આ ભાઇ-બહેન પણ સંયમના માર્ગે છે. ભવ્યાતિભવ્ય દીક્ષા મહોત્સવની તૈયારીની વાત કરીએ તો, 35 દીક્ષાના મહોત્સવના સાક્ષી બનવા માટે 18થી22 એપ્રિલ દરમિયાન અધ્યાત્મ નગરીમાં પધારનારા તમામ ભાવિકો માટે ત્રણેય ટંકના ભાવતાં ભોજનની સાધર્મિક ભક્તિનું આયોજન કરવામાં આવ્યું છે. 65 હજાર ચોરસ ફૂટનું ક્ષેત્રફળ ધરાવતા વિશાળ ભોજન મંડપનું નિર્માણ કરવામાં આવ્યું છે. એક જ પંગતમાં 3200 ભાવિકો ભોજન કરી શકશે.

આ ઉપરાંત દીક્ષાના દિવસે કુલ 50 હજાર ભાવિકોની સાધર્મિક ભક્તિ કરવામાં આવશે. રસોઈ માટે 200 માણસોનો અને પીરસવા માટે 500 માણસોનો સ્ટાફ પણ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ભોજન માટે 7 હજાર કાંસાના થાળી-વાટકાના સેટનો ઉપયોગ કરવામાં આવશે. પીવાનાં ઠંડાં પાણી માટે બરફનો નહીં પણ સેંકડો માટલાંનો ઉપયોગ કરવામાં આવશે.

Shah Jina