સુરેન્દ્રનગરમાં ટ્રક પાછળ ઘૂસી બાઇક, 3 યુવાનોને તડપી તડપીને મળ્યું હીચકારું મોત

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર અકસ્માતનું કારણ રોન્ગ સાઇડમાંથી આવતુ વાહન તો ઘણીવાર તેજ રફતાર વાહન હોય છે. ઘણીવાર એવું પણ બને છે કે રોડ સાઇડમાં કોઇ વાહન ઊભુ હોય અને પાછળથી ટુ વ્હીલર કે ફોર વ્હીલર વાહન આવતુ હોય તો તેની ટક્કર સાઇડમાં ઊભેલા વાહન સાથે થઇ જતી હોય છે. આવા અકસ્માતોમાં ઘણીવાર લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હાલમાં સુરેન્દ્રનગરમાંથી ગમખ્વાર અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે.

ગત રાત્રે અકસ્માતને કારણે ત્રણ યુવકો મોતને ભેટ્યા હતા. લખતર-વિરમગામ હાઇવે પર આઇસર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 3 વ્યક્તિઓના મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. ત્રણ યુવકો સવારે બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે જ તે બધા બંધ પડેલી ટ્રકની પાછળ ઘૂસી ગયા હતા અને તેે પગલે ગંભીર અકસ્માત થયો હતો અને ત્રણેયના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

લખતર પંથકના કડું ગામના ત્રણ યુવકો ખરીદી કરવા માટે જઈ રહ્યા હતા અને આ દરમિયાન અચાનક રોડ ઉપર બંધ થયેલી હાલતમાં ઊભેલી ટ્રક પાછળ તેમનું બાઇક ઘૂસી ગયું અને તેને કારણે તે ત્રણેયના કરુણ મોત નિપજ્યા હતા. મળતી માહિતી અનુસાર, ત્રણેય યુવાન ખાનગી કંપનીમાં મજૂરીકામ કરતા હતા. અકસ્માતની જાણ થતા જ પોલિસ પણ તાત્કાલિક દોડી આવી હતી અને મૃતકોની લાશને પીએમ માટે ખસેડી કાર્યવાહી શરૂ કરી હતી.

જણાવી દઇએ કે, સુરેન્દ્રનગર ઉપરાંત અકસ્માતનો બીજો બનાવ સુરતમાંથી સામે આવ્યો છે. આ અકસ્માત ઓલપાડથી વડોલી રોડ પર થયો હતો અને આ અકસ્માતનું કારણ રખડતા ઢોર હતા. એક સ્વિફ્ટ કારની ટક્કર રોડ પર રખડી રહેલા આખલા સાથે થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર રોડ પર પલટી મારી ગઈ હતી. જો કે, સદનસિબે આ અકસ્માતમાં કોઈ જ જાનહાની થઈ નથી.

આ ઉપરાંત બીજો એક બનાવ વડોદરામાંથી સામે આવ્યો હતો, જેમાં વાઘોડિયાના અનખોલ બસ સ્ટેન્ડ પાસે રિક્ષામાં બેસી એક મહિલા જઈ રહ્યા હતા અને આ દરમિયાન ગાય વચ્ચે આવતા રિક્ષા પલટી ગઈ હતી. આ ઘટનાને પગલે મહિલાને ઈજા પણ પહોંચી હતી અને તેને નાક અને કાનમાંથી લોહી નીકળવા લાગતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

Shah Jina