કેદારનાથમાં થયેલ હેલીકૉપ્ટર દુર્ઘટનામાં મોતને ભેટેલા 7 લોકોમાં 3 ભાવનગરની દીકરીઓ પણ સામેલ, સમગ્ર ભાવનગરમાં શોકનો માહોલ

આજે બપોરે 12 વાગે એક ખુબ જ દુઃખદ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા, જેમાં ફાટાથી કેદારનાથ યાત્રીઓને લઈ જતું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. મંગળવારે કેદારનાથથી 2 કિ.મી. દુર આવેલ ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ખરાબ હવામાનના કારણે અકસ્માતનો ભોગ બન્યું હતું. આ દુર્ઘટનામાં પાયલોટ સહિત 7 લોકોના મોત થયા છે. હેલિકોપ્ટરે પાથાથી ઉડાન ભરી હતી અને તે ગરુડચટ્ટી પાસે ક્રેશ થયું હતું. તેમાં ભક્તો હતા. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર ખાનગી કંપની આર્યન હેલીનું હતું.

હેલિકોપ્ટર ક્રેશ થતાની સાથે જ તેના પાંખીયા ક્યાંક દૂર હાઇને પડ્યા અને લોકોના મૃતદેહ વેરવિખેર થઈ ગયા. સર્વત્ર ધુમાડો હતો. ડરામણી તસવીરો જોઈને લોકો ચોંકી ઉઠ્યા હતા. હેલિકોપ્ટર દુર્ઘટનાનું મુખ્ય કારણ ગાઢ ધુમ્મસ હોવાનું કહેવાય છે. જ્યારે હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારે ગાઢ ધુમ્મસ હતું અને દૃશ્યતા ખૂબ જ નબળી હતી. આમ છતાં હેલિકોપ્ટર શ્રદ્ધાળુઓને લઈ જઈ રહ્યું હતું.

ઉત્તરાખંડના મુખ્યમંત્રીના વિશેષ મુખ્ય સચિવ અભિનવ કુમારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાયલોટ સહિત 7 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ હેલિકોપ્ટર આર્યન કંપનીનું હતું. હેલિકોપ્ટર ગુપ્તકાશીથી કેદારનાથ માટે ટેકઓફ થયું હતું. ત્યારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં 3 યુવતીઓ ભાવનગરની પણ હોવાનું સામે આવી રહ્યું છે. આ માહિતી કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે.

તેમને હેલીકૉપ્ટરની ટિકિટ બુકીંગની તસવીર ટ્વીટમાં શેર કરતા જણાવ્યું કે, “કેદારનાથ ખાતે હેલીકોપ્ટર તુટી પડેલ છે જેમાં ભાવનગરની દીકરીઓ હતી તે ખબરથી ચિંતિત છું . વડા પ્રધાનશ્રી @narendramodi તથા મુખ્ય મંત્રીશ્રી @CMOGujને વિનંતી છે કે સત્વરે યોગ્ય બચાવ અને જરૂરી તમામ વ્યવસ્થા કરે.” આ ખબરને લઈને સમગ્ર ભાવનગરમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો છે.

શક્તિસિંહ ગોહિલ દ્વારા ટ્વીટ કરવામાં આવેલી તસ્વીરોમાં ભાવનગરની ત્રણયે દીકરીઓના નામ જોવા મળી રહી છે. આ દીકરીઓના નામ ઉર્વી બરાડ, કૃતિ બરાડ અને પૂર્વા રામાનુજ છે. શક્તિસિંહ ગોહિલે ટ્વીટના રિપ્લાયમાં વધુ માહિતી આપતા જણાવ્યું છે કે, “કેદારનાથ ખાતે હેલીકોપ્ટર તુટી પડેલ છે જેમાં ભાવનગરની બે દીકરીઓ હતી અને ત્રીજી દીકરી પુર્વા રામાનુજ ભાવનગર જિલ્લાના સિહોરની છે તે ખબરથી ચિંતિત છું.”

Niraj Patel