ગીરગઢડાના 3 ફૂટના યુવકે 2.75 ફૂટની કન્યા સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા, તસવીરો જોઈને તમે પણ કહેશો, “રબને બના દી જોડી”

લગ્ન એક અનોખું બંધન છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે જોડીઓ સ્વર્ગમાંથી બને છે. ઘણીવાર ઘણા લોકો લગ્ન માટે ઘણી લાંબી રાહ જુએ છે, પરંતુ જયારે તેમનું સાથીદાર તેમને મળી જાય છે ત્યારે પછીનું જીવન તેમનું ખુશમય બની જતું હોય છે. હાલ એવી જ એક ખબર ગીરગઢડામાંથી સામે આવી રહી છે, જ્યાં એક 3 ફૂટના વરરાજાના પોણા ત્રણ ફૂટની કન્યા સાથે ધામધૂમથી લગ્ન થયા.

દુનિયાભરમાં ઘણા લોકો એવા હોય છે જે શારીરિક ખોડખાપણ સાથે જન્મે છે, તો ઘણા લોકો વધુ ઊંચાઈ લઈને જન્મતા હોય છે, તો કેટલાક લોકોની ઊંચાઈ બહુ ઓછી હોય છે. ત્યારે ગીરગઢડામાં રહેતા 30 વર્ષીય ભીખાભાઇ કાળુભાઇ બાંભણીયા પણ પોતાના ત્રણ ફૂટની ઊંચાઈના કારણે લગ્નને લઈને પરેશાન હતા.

પરંતુ કહેવાય છે ને કે વિધાતાના લેખમાં કોઈ મેખ નથી મારું શકતું, અને જોડીઓ સ્વર્ગમાં જ બને છે, તેમ ભીખાભાઇને પણ તેમના અનુરૂપ કન્યા મળી ગઈ. ભીખાભાઇએ ડીજેના તાલ ઉપર વાજતે ગાજતે બગીમાં બેસી અને ધૂમધામથી જાન લઈને રસુલપરા પહોંચ્યા અને ત્યાં તેમની જીવનસાથી સાથે લગ્નના સાત ફેરા ફર્યા.

ભીખાભાઈના લગ્ન રસુલપરામાં રહેતી 2.75 ફૂટની 28 વર્ષીય યુવતી હંસાબેન વશરામભાઇ સોલંકી સાથે થયા. ભીખાભાઇની જાન રસુલપરા ગામની અંદર પહોંચતા જ લોકો જોવા માટે એકઠા થયા હતા. વાજતે ગાજતે જાન માંડવે પહોંચી અને ભીખાભાઈએ હંસાબેન સાથે સપ્તપદીના ફેરા ફર્યા. ત્યાં ઉપસ્થિત મહેમાનોએ પણ તેમને સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા.

ભીખાભાઇ જયમુરલીધર રામામંડળ સાથે જોડાયેલા છે. અને જેમાં પ્રધાન અને ગગુડીયાનું કોમેડી પાત્ર ભજવે છે. જ્યારે કન્યા હંસાબેન ઘરકામ કરે છે. ત્યારે આજથી બંને સાથે સંસાર માંડશે. તેમના આ લગ્નનો નોંધ મીડિયા દ્વારા પણ લેવામાં આવી હતી અને જેમાં લોકો તેમને સુખી લગ્ન જીવનની શુભકામનાઓ પણ આપી રહ્યા છે.

Niraj Patel