અમદાવાદમાં 24 કલાકમાં 3 અકસ્માત, 5ના થયા મોત, ઓવરસ્પીડ કાર ડિવાઇડર સાથે અથડાતાં 3 લોકોના મોત
Ahmedabad Accident News : છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાંથી અનેક અકસ્માતોના કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં જ અમદાવાદના એસજી હાઇવે પર છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ ત્રણ અકસ્માત સર્જાયા અને કુલ પાંચ લોકોના મોત થયા છે. અમદાવાદથી ગાંધીનગર જતી એક કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી અને તે પછી પલટી ખાઇ જતા કારમાં સવાર 5 વ્યક્તિઓમાંથી ત્રણના મોત થયા, જ્યારે બેને ગંભીર ઈજા પહોચી હતી અને કારચાલકને સામાન્ય ઇજા થઇ હતી.
અમદાવાદમાં 24 કલાકમાં 3 અકસ્માત
આ ઉપરાંત અન્ય એક અકસ્માતમાં બસની અડફેટે આવતાં એક વ્યક્તિનું મોત થયું છે. અમદાવાદમાં સોમવારે સવારે 9 વાગ્યા આસપાસ એક લક્ઝરી બસના ચાલક દ્વારા અંકિત પ્રજાપતિને એસજી હાઇવે રામાપીરનાં મંદિર પાસે સાયન્સ સીટી તરફ જવાનાં વળાંક પર કટ મારતા સમયે ટક્કર વાગતા ઘટનાસ્થળે જ તેનું મોત થયુ હતુ.
અલગ અલગ અકસ્માતમાં 5 લોકોના થયા મોત
આ ઉપરાંત અન્ય એક અકસ્માતમાં ગુજરાત હાઇકોર્ટ પાસે આવેલા ક્રોમા સેન્ટર પાસેથી 33 વર્ષીય મહિલા પાયલ કુંવરબા ચાલીને જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધા અને તેને કારણે તે જમીન પર પટકાયા. જો કે, તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પણ ગંભીર ઈજાના કારણે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.

વાડજમાં રહેતા ત્રણ મિત્રોના મોત
ત્યારે બીજા એક અકસ્માતની વાત કરીએ તો, વાડજમાં રહેતા પાંચ મિત્રો નરેશ પ્રજાપતિ, મિતેશ પ્રજાપતિ, કૌશલ પ્રજાપતિ, પ્રવીણ પ્રજાપતિ અને નિમેષ પંચાલ મોડી રાત્રે નાસ્તો કરવા નીકળ્યા હતા અને કારને નિમેષ ચલાવી રહ્યો હતો, જો કે, તેઓ કર્ણાવતી ક્લબથી કાર લઈને નાસ્તો કરવા માટે ગાંધીનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે જ કાર ગ્રાન્ડ ભગવતી પાસે પહેલા ડિવાઇડર પર ચડી ગઇ અને પલટી ખાઈ ગઈ. જો કે, તે દરમિયાનનું જે દ્રશ્ય હતુ તે કોઇ ફિલ્મથી કમ નહોતુ.
કાર પલટી ખાતા સર્જાયા ફિલ્મ જેવા દ્રશ્યો
કાર પલટી ખાધા બાદ ગોળ-ગોળ ફરી રહી હતી. ત્યારે આ અકસ્માતમાં નરેશ, મિતેશ અને કૌશલનું મોત થયું જ્યારે પ્રવીણ અને રાહુલને ગંભીર ઇજા પહોંચી હતી. જો કે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પણ કારચાલક નિમેષ પંચાલને સામાન્ય ઇજા પહોંચી હતી અને તે અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો. હાલ તો પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો છે અને તેની શોધખોળ શરૂ કરી છે.