ખબર

જેના પર 26 જાન્યુઆરીની પરેડ યોજાય છે એ રાજપથ શું છે? પરેડમાં શું-શું હોય છે? વાંચો દેશના ગૌરવની વાત.. જય હિન્દ જય જવાન

૨૬મી જાન્યુઆરી અર્થાત્ ગણતંત્ર દિવસ દરેક ભારતીય માટે ગૌરવનો દિવસ બની રહે છે. આ એ જ દિવસ છે જે જણાવે છે કે, ભારત કદી ગુલામીની ઝંઝીરોમાં જકડાયેલું રહ્યું નથી. ના તો એને કોઈ વિદેશી શક્તિઓ બાંધી શકી છે!

સ્વાત્રંત્ત્ય દિવસની મુખ્ય ઉજવણી ધામધૂમથી દિલ્હીમાં રાજપથ પર કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત અનેક દેશવિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહે છે. સૈન્ય શક્તિનું અદ્ભુત પ્રદર્શન થાય છે. રાજપથ ઉપર સૈન્યની, રાજ્યોની વિરાસતની અને અનેક સન્માનિત વ્યક્તિઓની પરેડ નીકળે છે. રાજપથ પરથી પસાર થતી પરેડ જોવી એક લ્હાવો હોય છે. સવાલ એ થાય કે, રાજપથ છે શું? કેટલો લાંબો છે? દિલ્હીમાં ક્યાં માર્ગને રાજપથ કહેવાય છે અને પરેડ ક્યાં સુધી ચાલે છે? આજે આ બધી જ વાતો એકદમ રોચક રીતે આપણે જાણીશું. દેશના સૌથી મોટા ગૌરવનું જ્યાં પ્રદર્શન યોજાય છે તે રાજપથ અને તેની પરેડ વિશે આટલું તો ભારતવાસી તરીકે જાણવું જ રહ્યું. ચાલો ત્યારે,

રાજપથ –
આઝાદી પહેલા King’s Way તરીકે ઓળખાતો આ માર્ગ પશ્વિમમાં રાષ્ટ્રપતિ ભવન પાસેથી શરૂ થઈને પૂર્વમાં ઇન્ડીયા ગેટ સુધી જાય છે. માર્ગમાં વિજય ચોક પણ આવી જાય છે. સુંદરતા તો આ માર્ગની જ હો! હજારો વર્ષો પૂર્વે મગધ સામ્રાજ્યના પાટનગર પાટલીપુત્રના રાજમાર્ગ વિશે ચર્ચાઓ થતી એની સુંદરતા અહીં દ્રષ્ઠિગોચર થતી જોવા મળે છે. ચારેબાજુ અનેક જાતના ફૂલોની હરિયાળી અને એક ખેલતું-કુદતું ઝરણું તો સાથેને સાથે જ ચાલે! આ માર્ગ પર કેન્દ્રીય સચિવાલયો પણ આવેલા છે. રાજપથની શરૂઆત પશ્વિમમાં રાયસીના હિલ પરથી થાય છે.

વિજય ચોક, જનપથ ચોક, માનસિંહ માર્ગને કાપતો ચોક વગેરે ચોક રાજપથ પર આવેલા છે. ઇન્ડીયા ગેટ સૌથી મોટો ચોક છે. અહીંથી જ પ્રતિવર્ષ વડાપ્રધાન અમર જવાન જ્યોતિ પર શહીદોને શ્રધ્ધાંજલી આપે છે અને પરેડની શરૂઆત થાય છે.

ક્યાં સુધી ચાલે છે પરેડ? 
ભવ્ય પરેડનો આરંભ રાષ્ટ્રપતિ ભવન પાસે રાયસીના ટેકરીથી થાય છે અને ઇન્ડિયા ગેટ પર પુરી થાય છે. પરેડનો માર્ગ પાંચ કિલોમીટર જેટલો લાંબો છે. ઉપર કહ્યું તેમ શરૂઆતમાં વડાપ્રધાન અમર જવાન જ્યોતિ પર અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પે છે. બાદમાં તરત રાષ્ટ્રપતિ દ્વારા ભારતની સંપૂર્ણતાના પ્રતિક તિરંગાને ફરકાવવામાં આવે છે અને જન ગણ મન… ના નાદ ગુંજે છે. એ પછી ધડાધડ… ધડાધડ 21 તોપોની સલામી ઠોકવામાં આવે છે. અને પરેડનો આરંભ થાય છે!

કેવી અદ્ભુત હોય છે પરેડ?
રાજપથ પરની પરેડ દરેક દેશવાસીએ જોવી જોઈએ, રૂબરૂમાં અથવા ટીવી પર. અહીં દેખાય છે ભવ્ય ભારત… અહીં હોય છે ભારતની વિરાટ ત્રિપાંખી સેનાની ગંજાવર શક્તિઓની ઝાંખીઓ… અહીં જ તો છે ભારતની વિવિધતામાં એકતાનો મંત્ર સિધ્ધ કરતી દર્શનીય લોકકલાઓ…! અનેક દિવસોના રિહર્સલ બાદ પરેડ યોજાય છે. લગભગ ત્રણ કલાક ચાલતી આ પરેડ દેશવાસીઓ માટે અદ્ભુત નજારો છે.
બીજું તો શું? એ તો તમે થોડો સમય કાઢીને જુઓ તો જ ખબર પડે! આર્ટીકલ સારો લાગ્યો હોય તો જરૂરથી આ માહિતી આપના મિત્રો સાથે પણ શેર કરજો. ધન્યવાદ! જય હિંદ!