ખબર

બનાસકાંઠા : યુવકે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા, દુષ્કર્મ કેસમાં જામીન પર આવ્યો હતો બહાર

દુષ્કર્મના કેસમાં 14 મહિના જેલમાં કાઢ્યા, હવે બહાર આવીને આપઘાત કરી લીધો, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે. જેમાં કોઇ પ્રેમ સંબંધમાં તો કોઇ અવૈદ્ય સંબંધમાં તો કોઇ અંગત અદાવતમાં અથવા તો કોઇ માનસિક કે શારીરિક પરેશાનીને કારણે આપઘાત કરી લેતુ હોય છે. ત્યારે હાલમાં ડીસાના ધૂળિયાકોટ વિસ્તારમાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. ઘટનાની જાણ થતા જ ડીસા શહેર ઉત્તર પોલીસ પહોંચી હતી અને યુવકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી.

ડીસાના ધૂળિયાકોટમાં રહેતા એક યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઇ છે. 23 વર્ષીય સાગર ઠાકોર યુવક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હતો. તે છેલ્લા દોઢેક વર્ષથી જેલમાં હતો કારણ કે તેના પર યુવતીને ભગાડી દુષ્કર્મ આચરવાનો મામલો હતો. 14 દિવસ પહેલા જ તે જામીન પર છૂટી બહાર આવ્યો હતો. ત્યારે ગત મોડી રાત્રે કોઇ અગમ્ય કારણોસર તેણે ઘરમાં ગળે ફાંસો ખાઈ લીધો.

ઘટનાની જાણ થતા જ પરિવારજનો દોડી આવ્યા અને આ મામલાની જાણ ડીસા શહેર ઉત્તર પોલીસને કરાતા પોલિસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. તે બાદ લાશને પીએમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. મૃતકના પરિવારજનોનું કહેવું છે કે પહેલા જે યુવતીએ તેના પર ફરિયાદ કરી હતી, તેના પરિવારજનો મૃતક પાસે પૈસાની માગણી કરતા હતા અને ગત રાતે પણ તેઓ રીક્ષા ભરીને આવ્યા હતા અને પૈસાની માગણી કરી હતી.

જેનાથી ડરી જઇ સાગરે આત્મહત્યા કરી લીધી. જો કે પોલીસ ધમકી આપનારા લોકો સામે ફરિયાદ નોંધાતી નથી અને જ્યાં સુધી ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવાર ઇનકાર કરી રહ્યાં છે. આ મામલે હાલ ભરી તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે.