ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, કોઈ પરીક્ષામાં નાપાસ થવાના કારણે આપઘાત કરી લેતું હોય છે, તો કોઈ આર્થિક તંગીના કારણે આપઘાત કરી લેતા હોય છે. તો ઘણીવાર પરણિતાઓ સાસરિયાના ત્રાસથી પણ આપઘાત કરી લેતી હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. હાલ આવી જ એક ઘટના ગાંધીનગરમાં આવેલા રાંધેજામાંથી સામે આવી છે, જ્યાં એક 23 વર્ષની પરણીતાએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
આ બાબતે પ્તાપ્ત માહિતી અનુસાર ગામ ગોઝારીયા ખાતે રહેતા શૈલેષભાઇ પટેલ જે સાઇકલ રિપેરિંગનો વ્યવસાય કરે છે તેમની દીકરી હેતલના લગ્ન સાત મહિના પહેલા રાંધેજામાં રહેતા બળદેવભાઇના પુત્ર ધ્રુમિલ સાથે સમાજના રીતિ રિવાજ અનુસાર થયા હતા. લગ્ન પછી એક મહિના સુધી તો તેમનું જીવન ખુબ જ સારી રીતે ચાલી રહ્યું હતું, પરંતુ પછી એવું બનવા લાગ્યું જેના કારણે સાત મહિનામાં જ હેતલને ત્રણ ત્રણ વાર તેના પિયર જવાનું થયું.

તો પિયરમાં હેતલે તેના પિતાને ફરિયાદ કરી હતી કે તેના સાસુ તેનું લફરું તેના સસરા સાથે છે એવા મ્હેણા ટોણા મારી રહ્યા હતા.આ ઉપરાંત કામમાં પણ વહેલું મોડું થાય તો તેના સાસુ સસરા માથાકૂટ કરતા હતા. આ ઉપરાંત તેનો પતિ અને સાસુ તેને માનસિક ત્રાસ પણ આપી રહ્યા હતા. ત્યારે હેતલના પરિવારજનો પછીથી બધું સારું થઇ જશે એવી હૈયાધારણા આપતા હતા.

પરંતુ આખરે આ ત્રાસ હેતલ સહન ના કરી શકી અને ગત રોજ તેને ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લીધો. હેતલના પિતાને સમાચાર મળ્યા હતા કે તે બીમાર છે અને તેની ખબર જોવા માટે રાંધેજા જવાનું છે. જેના બાદ તે રાંધેજા જવા નીકળ્યા ત્યારે રસ્તામાં જ તેમને ખબર મળી કે હેતલે ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લીધો છે, જેના કારણે તે તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં હેતલ મૃત અવસ્થામાં હતી.

આ ઘટના અંગે પેથાપુર પોલીસને પણ જાણ કરવામાં આવતા તે ગનહીનગર સિવિલ ખાતે દોડી ગઈ હતી. જેના બાદ હેતલના મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમાર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. હેતલનો પતિ દાંતીવાળા કૃષિ યુનિવર્સીટીમાં અભ્યાસ કરતો હતો અને ત્યાં જ રહેતો હતો. ત્યારે આ બાબતે હેતલના પિતાએ પતિ, સાસુ, સસરા અને નંણદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેના કારણે પોલીસે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.