ગુજરાતમાં ઘણીબધી ગ્રામપંચાયતોની ચૂંટણીઓ હાલ જ પૂર્ણ થઇ. જેમાં ઘણા બધા લોકોએ સરપંચ માટેની ઉમેદવારી નોંધાવી હતી. ઘણા લોકોએ પોતાના વર્ષોના અનુભવ સાથે ચૂંટણીમાં આવેદન કર્યું હતું તો ઘણા યુવાનો પણ આ ચૂંટણીમાં ઝંપલાવતા જોવા મળ્યા હતા. ત્યારે ચૂંટણીના રિઝલ્ટ આવ્યા બાદ ઘણા ગામની અંદર યુવાનોને ગામ લોકોનો સાથ મળ્યો અને વિજેતા બન્યા હતા.
આ સાથે જ મેઘરજ તાલુકામાં આવેલા છીટાદરા ગ્રામ પંચાયતની ચુટંણીમાં એક 21 વર્ષના નવ યુવાને પણ આવેદન કર્યું હતું અને ગામ લોકોએ આ નવ યુવાન ઉપર વિશ્વાસ મૂકીને તેને ગામનો સરપંચ બનાવ્યો. સૌથી નાની વયના 21 વર્ષીય યુવાન જીગરભાઈ નારણભાઇ ખરાડીએ 673 મત મેળવ્યા હતા અને જેના કારણે તેઓ સરપંચની ચૂંટણીના વિજેતા બન્યા.
છીટાદરા ગામની આ ચુટંણીની અંદર જીગરભાઈ સામે બીજા 4 ઉમેદવરો પણ હતા. એમ કુલ 5 ઉમેદવારોએ દમદાર ચૂંટણીનો પ્રચાર કર્યો હતો, પરંતુ 21 વર્ષીય જીગરભાઈ ઉપર ગામ લોકોનો વિશ્વાસ રંગ લાવ્યો અને તે સરપંચ બન્યા. જીગરભાઈની જીત સાથે જ ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.
તો દિવ્ય ભાસ્કર મીડિયા પ્રમાણે આ જીતને લઈને યુવા સરપંચ જીગર ખરાડીએ જણાવ્યું કે હું જ્યારે 18 વર્ષ નો હતો ત્યારે મને સરપંચ બનવાનું સ્વપ્ન હતું. પરંતુ આ ચૂંટણી 21 વર્ષ ની ઉંમરે લડી શકાય છે ત્યારે મેં બે વર્ષ રાહ જોઈ અને ફરીથી મારી પંચાયતમાં સમાવેશ ગામોના વિકાસના કામો અને અવનવી યોજનાઓ લાવી એક આદર્શ ગામ બનાવાની એક નવી છાપ મેળવવા આ ચૂંટણીમાં ઝંપલાવ્યું અને મતદારો એ મારા પર વિશ્વાસ મૂકી મને વિજય બનાવી એક નવી તક આપી છે અને આ યુવા વર્ગમાં બધા યુવાનો એ મને આ ચૂંટણીમાં સાથ અને સહકાર આપી મને વિજય બનાવ્યો છે.”
જીગરભાઈ નર્સીંગનો અભ્યાસ કરે છે. જીગરભાઈએ તેમની જીત માટે ગામ લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો છે. ગામમાં પણ તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જીગરભાઈને ફુલહાર પહેરાવીને તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ગ્રામપંચાયતની આ પંચવર્ષીય ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતના ઘણા ગામોની કમાન હવે યુવાઓના હાથમાં છે.