ભાવનગરમાં ઠંડક માટે ગટગટાવેલી છાશ પિતા જ હાલત કફોડી થઇ ગઈ, ઝાડા-ઊલટી થતાં હોસ્પિટલમા દોડધામ મચી ગઈ

ગુજરાત સહિત દેશભરમાં હાલ એકબાજુ લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યાં બીજી બાજુ જોવા જઇએ તો કાળઝાળ ગરમી પણ પડી રહી છે. ત્યારે ગરમીને કારણે ફૂડ પોઇઝનિંગના કેસો પણ વધી રહ્યા છે. ભાવનગરના સિહોરમાંથી હાલ ફૂડ પોઇઝનિંગનો મામલો સામે આવ્યો છે, જેમાં 200થી વધુ લોકોની તબિયત બગડી હોવાના અહેવાલ છે.

ભાવનગરના ફેમસ મુનિ પેંડાવાળાની છાશ પીવાને કારણે એકસાથે 200થી વધુ લોકોની તબિયત બગડી હતી. રવિવારના રોજથી સોમવાર દરમિયાન સિહોરની હોસ્પિટલો દર્દીથી ભરાતા આરોગ્ય તંત્ર પણ દોડતુ થઇ ગયુ હતુ. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે એટલે કે રવિવારના રોજ ત્રણ અલગ અલગ પ્રસંગો હતા અને આ પ્રસંગોમાં જમણવાર બાદ છાશ રાખવામાં આવી હતી.

ત્યારે લીલીપીર સહિતના વિસ્તારમાં છાશ પીધા બાદ લગભગ 200થી વધુ લોકોની તબિયત બગડી હતી. આ લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ હતી. ત્યારે તમામ લોકોને સારવાર માટે દવાખાનામાં લઇ જવામાં આવ્યા હતા, પરંતુ દર્દીઓની ભીડ જામતા પોલિસ પણ દોડતી થઇ ગઇ હતી. રાત થતા થતા તો સિહોરની લગભગ તમામ હોસ્પિટલ ભરાઇ ગઇ હતી. જેના કારણે આરોગ્ય તંત્ર પણ દોડતુ થઇ ગયુ હતુ.

આ અસર નાના બાળકોમાં વધારે જોવા મળી હતી. ફૂડ પોઇઝનિંગને પગલે આરોગ્ય કેન્દ્રમાં લોકોની ભીડ જામી હતી, પરંતુ આરોગ્ય કેન્દ્રમાં કોઇ કર્મચારી ન હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે આ બાબતને લઇને આગળ શું કાર્યવાહી થાય છે તે તો હવે જોવાનું રહ્યુ. આ પહેલા પણ મુનિ પેંડાવાળાની છાશ વિવાદમાં આવી ચૂકી છે. જે દરમિયાન 50થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ થયાની ઘટના બની હતી.

Shah Jina