ખબર

બે ખાસ ભાઇબંધોએ નાની અમથી વાતને લઇને ટ્રેન નીચે પડતુ મૂકી કર્યો આપઘાત

બે પાક્કા મિત્રો કરી આત્મહત્યા…રાણપુરમાં પિતાને આવું કહી મિત્રોએ ટ્રેન નીચે પડતું મુક્યું

ગુજરાતમાંથી છેલ્લા કેટલાક સમયથી હત્યા અને આત્મહત્યાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે. ઘણા યુવકો અને યુવતિઓ પ્રેમમાં નાસીપાસ થઇ જવાને કારણે આવું આપઘાત જેવું પગલુ ભરતા હોય છે તો ઘણા નાના નાના યુવકો વાલીઓની કોઇ વાતે લાગી આવતા જીવનનું અંતિમ પગલુ ભરતા હોય છે. ત્યારે હાલમાં જ બે યુવકોએ આપઘાત કર્યાનો કિસ્સો સામે આવ્યો છે, જે રાણપુરના અળવ ગામનો છે. જે બે યુવકોએ આપઘાત કર્યો છે તે બંને ખાસ મિત્રો હતા.

આ બંને યુવકોએ ટ્રેન નીચે પડતુ મૂકી મોતને વહાલુ કરી લીધુ હતુ, બંનેના આપઘાતને પગલે સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. ઘટનાની વિગત જોઇએ તો, રાણપુરના આળવ ગામના ભરતભાઈ બાવળીયાનો દીકરો જયેશ અને તેનો મિત્ર રાહુલ સલીયા બંને 20 વર્ષના છે. તે બંને ખાસ મિત્રો હતા અને કાયમ સાથે જ રહેતા હતા. ત્યારે 25 ફેબ્રુઆરીના રોજ રાત્રે 9 વાગ્યા આસપાસ જયેશ અને રાહુલ બંને જયેશના ઘરે ગયા ત્યારે જયેશના પિતાએ બંનેને ક્યા હતા અને ક્યાંથી આવો છો, તેવું પૂછ્યુ હતુ.

ત્યારે બંને મિત્રોએ જણાવ્યું કે તેઓ ગામમાં જ હતા. જે બાદ જયેશના પિતાએ કહ્યું હતું કે તમે બંને આખો દિવસ આટા મારો છો ગમે ત્યાં ફરો છો કઈ કામ ધંધો કરતા નથી અને મારો દીકરો પણ તારી સાથે ફરે છે અને મને ખેતી કામમાં મદદ કરાવતો નથી. જેથી તમે બંને કામ ધંધો કરવા લાગજો તેવું કહ્યુ અને તે બાદ બંને મિત્રો જયેશ અને રાહુલ ઘરેથી નીકળી ગયા હતા.

26 ફેબ્રુઆરીએ વહેલી સવારે 4 વાગ્યા આસપાસ કુંડલી ગેટ ફાટક પાસે રાણપુરથી બોટાદ જતી ટ્રેન નીચે બંનેએ પડતું મૂકી મોતને વ્હાલું કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાને પગલે શોક પણ છવાઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ રાણપુર પોલીસને ઘટના સ્થળે દોડી ગઇ હતી અને તપાસ શરૂ કરી હતી.