શ્રદ્ધાએ 2020માં ખબર પડી ગઈ હતી કે ટુકડા-ટુકડા થઇ શકે છે, તેથી મુંબઇ પોલિસને કહ્યું હતું કે….

દિલ્લીના મહરૌલી વિસ્તારમાં થયેલા શ્રદ્ધા હત્યાકાંડમાં રોજ રોજ નવા-નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આ વચ્ચે જાણકારી સામે આવી છે કે, વર્ષ 2020માં શ્રદ્ધાએ મુંબઇ પોલિસને ચિઠ્ઠી લખીને આફતાબની ફરિયાદ કરી હતી. શ્રદ્ધાએ લખ્યુ હતુ કે, આફતાબ મને જાનથી મારી નાખવાની અને મારા ટુકડા કરવાની ધમકી આપે છે. ચિઠ્ઠીમાં શ્રદ્ધાએ લખ્યુ હતુ કે, આફતાબે તેને ખરાબ રીતે મારી હતી, જે બાદ તેને હોસ્પિટલમાં ભરતી થવું પડ્યુ હતુ.

તે બાદ બંનેનું બ્રેકઅપ થઇ ગયુ હતુ. મુંભઇ પોલિસને લખેલી ચિઠ્ઠીમાં શ્રદ્ધાએ એ પણ લખ્યુ હતુ કે, આફતાબ આત્મહત્યા કરવાની ધમકી આપતો હતો, જેનાથી તે ડરી જતી હતી. જો કે, બાદમાં આફતાબે શ્રદ્ધાની માફી માંગી, ત્યારબાદ બંને ફરી સાથે રહેવા લાગ્યા.

શું કહ્યું શ્રદ્ધાએ ફરિયાદમાં :

  • આફતાબ મને માર મારે છે. તેણે મને ગળું દબાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
  • આફતાબ મને બ્લેકમેલ કરે છે અને કહે છે કે તે મારા ટુકડા કરી ફેંકી દેશે.
  • આફતાબ છેલ્લા 6 મહિનાથી મને ટોર્ચર કરી રહ્યો છે.
  • પોલીસ પાસે જવાની મારામાં હિંમત નથી કારણ કે તે મને મારી નાખવાની ધમકી આપે છે.
  • આફતાબના માતા-પિતાને ખબર છે કે તેણે મને મારવાનો પ્રયાસ કર્યો છે.
  • આફતાબના માતા-પિતાને ખબર છે કે અમે સાથે રહીએ છીએ. તે અઠવાડિયાના અંતે અમારી પાસે આવે છે.
  • હું આજ સુધી આફતાબ સાથે રહેતી હતી કારણ કે નજીકના ભવિષ્યમાં અમારે લગ્ન કરવાની યોજના હતી.
  • આફતાબના પરિવારે અમને આશીર્વાદ આપ્યા છે.
  • હવે હું આફતાબ સાથે રહેવા માંગતી નથી કારણ કે મને જીવનું જોખમ છે.

દિલ્હી પોલીસે શ્રદ્ધાના પૂર્વ રિપોર્ટિંગ મેનેજર કરણને પણ દિલ્હી બોલાવ્યો છે. મુંબઈ પોલીસને ફરિયાદ કરવામાં કરણે શ્રદ્ધાને મદદ કરી હતી. શ્રદ્ધા હત્યા કેસમાં દિલ્હી પોલીસે આજે પાલઘર જિલ્લામાં વસઈ ક્રાઈમ બ્રાન્ચમાં આરોપી આફતાબના ત્રણ મિત્રોના નિવેદનો નોંધ્યા હતા. દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં 17 લોકોના નિવેદન નોંધ્યા છે. જણાવી દઈએ કે, મંગળવારે સાંજે આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન તેને 20 જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આજે ફરી આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ થશે.

આ દરમિયાન તેને કેટલાક વધુ સવાલો પૂછવામાં આવી શકે છે. તપાસ ટીમને શ્રદ્ધા અને આફતાબ જે ફ્લેટમાં રહેતા હતા ત્યાંથી લોહીના ડાઘા મળ્યા છે. આ સાથે અન્ય પુરાવા પણ પોલીસના હાથમાં છે. પોલીગ્રાફ ટેસ્ટ બાદ આફતાબનો નાર્કો ટેસ્ટ કરાવવાની શક્યતા છે જેને કોર્ટે ગત સપ્તાહે મંજૂરી આપી હતી. પોલીસને શ્રદ્ધાનું કપાયેલું માથું અને શરીરના અન્ય અંગો મળ્યા નથી. જો કે, પોલીસને હત્યામાં વપરાયેલા હથિયાર સહિતના મહત્વના પુરાવાઓ માટે કડીઓ મળવાની અપેક્ષા છે. મંગળવારે આફતાબને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન આફતાબને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.

Shah Jina