લગ્ન કરતા પહેલા સાવધાન! સુરતમાં લૂંટેરી દુલ્હનની ગેંગે એકસાથે બે ને ફસાવ્યા, ભેજુ એવું વાપર્યુ કે માનવામાં નહીં આવે

સુરતમાં બે લૂંટેરી દુલ્હને જોડી બનાવી વરાછાના બે લગ્ન ઈચ્છુક યુવાનોને લૂંટી લેવાનો મામલો સામે આવ્યો છે. અત્યારસુધી એક લૂંટેરી દુલ્હન સાગરીતો સાથે લોકોને છેતરતી હતી, ત્યારે હવે લૂંટેરી દુલ્હન પણ જોડી બનાવી યુવાનોને ખંખેરતી હોવાનો મામલો બહાર આવ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં લૂંટેરી દુલ્હનના એક નહી પરંતુ 2 ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. જેમા એકજ દલાલ દ્વારા 2 પરિવારના યુવકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. દલાલે એક યુવકના લગ્ન કરાવ્યા અને બીજા યુવકની સગાઈ કરાવી હતી. જોકે બાદમાં યુવતીના પરિવારજનો અને દલાલ રૂપિયા લઈને ફરાર થઈ ગયા. જેથી ભોગ બનનાર બંન્ને પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

લગ્નના નામે છેતરપિંડીના અનેક કિસ્સા અવારનવાર સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સામે આવી છે. જ્યાં લગ્નના નામે બે લોકો સાથે છેતરપિંડી થઈ છે અને આ ઘટનાને લઈને બંને ભોગ બનનારાઓએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના વરાછામાં રવજીભાઈ રૂપારેલીયાના દીકરા અતુલના લગ્ન કરવા માટે રવજીભાઈ સારી કન્યાની શોધખોળ કરી રહ્યા હતા. ત્યારે રવજીભાઈનો સંપર્ક કાપોદ્રા વિસ્તારમાં આવેલ બજરંગ નગર સોસાયટીમાં રહેતા વિપુલ કાનજી મહેતા સાથે થયો હતો. વિપુલે રવજીભાઈને જણાવ્યું હતું કે, “તમારા પુત્ર અતુલના લગ્ન કરવા હોય તો મારી પાસે કેટલીક યુવતીઓના ફોટા આવ્યા છે અને જો તમારા દીકરાની યુવતી પસંદ પડે તો લગ્ન ગોઠવી દઈશું.”

ત્યારબાદ અતુલના લગ્ન કુંતા નામની યુવતી સાથે નક્કી થયા હતા. ત્યારબાદ વિપુલે રવજીભાઈની મુલાકાત સંજય ગાભાણી નામના દલાલ સાથે કરાવી હતી અને 10 ઓગસ્ટના રોજ અતુલ અને કુંતાની સગાઈ નક્કી થઈ હતી. સગાઈ સમયે દલાલ સંજય દ્વારા રવજીભાઈ અને તેના પરિવારના સભ્યો પાસેથી 60 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. તો કુંતાના પરિવારજનોએ કુંતા અને અતુલના લગ્ન ધૂમધામના બદલે ફૂલહારથી કરાવી દીધા હતા. અને લગ્ન સમયે પણ રવજીભાઈએ કુંતાના પરિવારના સભ્યોને 60000 રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત કુંતાને કપડાં અને દાગીના પણ આપવામાં આવ્યા હતા.

બીજી તરફ હિંમતભાઈએ પણ દલાલ વિપુલને સારી કન્યા હોય તો જણાવવા માટે કહ્યું હતું. કારણ કે, હિંમતભાઈ પણ પોતાના દીકરા માટે સારી કન્યાની શોધખોળ કરી રહ્યા હતા. ત્યારે પદ્મા નામની કન્યા હિંમતભાઈના દીકરાને પસંદ પડી હતી અને આ કન્યા સાથે હિંમતભાઈએ પોતાના દીકરાની સગાઈ કરાવી દીધી હતી અને સગાઈ સમયે 1 લાખ રૂપિયા હિંમતભાઈ દલાલ મારફતે પદ્માના પરિવારના સભ્યોને આપ્યા હતા.

કુંતા લગ્ન કરીને પોતાના પિયર જતી રહી હતી. ત્યારબાદ કુંતા પરત આવવા માટે અલગ અલગ બહાના કાઢતી હતી અને અંતે કુંતા પરત ન આવતા રવજીભાઈ અને તેના પરિવારના સભ્યો દ્વારા જે જગ્યા પર લગ્ન થયા હતા અને જ્યાં સૌપ્રથમ છોકરી જોઈ હતી તે ગામમાં તપાસ કરવામાં આવી અને તપાસ કરતાં સામે આવ્યું હતું કે, કુંતા અને દલાલ વિપુલ તેમજ સંજય ગાભાણી ફ્રોડ હતા અને ખોટી રીતે સગાઈ કરાવીને તેમને પૈસા પડાવ્યા છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Twinkle