ભારત-પાક યુદ્ધના અસલી હિરો ભૈરવ સિંહ હવે નથી રહ્યા : 7 કલાક સુધી કર્યુ હતુ ફાયરિંગ, 25 પાકિસ્તાની જવાનોને ઉતાર્યા હતા મોતને ઘાટ

બોર્ડરમાં અભિનેતા સુનીલ શેટ્ટીએ જે ભૈરવ સિંહનું નિભાવ્યુ હતુ પાત્ર, તેમનું નિધન, રાજસ્થાનના યુદ્ધવીર ભૈરવ સિંહ જેમણે 1971 ભારત-પાક વોરમાં ભાગ લીધો, લીધા અંતિમ શ્વાસ

ભાગ્યે જ કોઈ એવું હશે જેણે બોર્ડર ફિલ્મ જોઈ નહિ હોય. એવા પણ ઘણા લોકો હશે જેમણે આ ફિલ્મ એક-બે વાર નહિ પણ ઘણીવાર જોઈ હશે. બોર્ડર ફિલ્મમાં સુનીલ શેટ્ટી દ્વારા ભજવવામાં આવેલ પાત્ર ભૈરવ સિંહ રાઠોડનું રાજસ્થાનમાં નિધન થયું છે. તેમને 14 ડિસેમ્બરના રોજ શ્વાસની બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 3 દિવસ પહેલા તેમની સાથે વાત કરી હતી અને તેમના પરિવારના સભ્યોને તબિયત વિશે પૂછપરછ કરી હતી. પરંતુ હવે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધુ છે.

તેમને જોધપુરના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધન બાદ સમગ્ર રાજસ્થાનમાં શોકની લહેર છે. ભૈરવ સિંહ રાઠોડ જેમણે ભારત-પાકિસ્તાન બોર્ડર પર રાજસ્થાનના જેસલમેરમાં સ્થિત લોંગે વાલા ચોકી પાકિસ્તાન પાસેથી છીનવી લીધી હતી. ભૈરવ સિંહ રાઠોડ જોધપુરના શેરગઢ સ્થિત સોલંકિયાતલા ગામના રહેવાસી હતા. તેઓ 1971ના યુદ્ધ દરમિયાન જેસલમેરમાં લોંગે વાલા પોસ્ટ પર તૈનાત હતા. તે સમયે પાકિસ્તાનના સૈનિકોએ આ ચોકી પર અચાનક હુમલો કર્યો હતો.

આવી સ્થિતિમાં 120 સૈનિકોની આગેવાની કરી રહેલા મેજર કુલદીપ સિંહે લોંગે વાલા ચોકી પરત મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન 120 બહાદુર સૈનિકોમાં ભૈરવ સિંહ રાઠોડનો પણ હતા. તેમણે પોતાની રાઈફલથી લગભગ 15 થી 20 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા. તેમને 1963માં BSFમાં ભરતી કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમણે 1987માં નિવૃત્તિ લીધી હતી. ત્યાર બાદ તે પોતાના ગામમાં જ રહેતા હતા. ભૈરવ સિંહ રાઠોડને સરકારે ઘણા એવોર્ડ પણ આપ્યા હતા. જ્યારે ફિલ્મ બોર્ડર બની રહી હતી

ત્યારે તેમની ખ્યાતિ વધુ વધી હતી અને ફિલ્મમાં ભૈરવ સિંહ રાઠોડનો રોલ કરનાર સુનીલ શેટ્ટી અને અન્ય કલાકારો તેમને મળ્યા પણ હતા અને તેમની સાથે ઘણા દિવસો વિતાવ્યા હતા. ભૈરવ સિંહ રાઠોડના નિધન બાદ જોધપુરની સાથે સાથે સમગ્ર રાજસ્થાનમાં પણ શોકનો માહોલ છે. ભૈરવસિંહ રાઠોડ નિવૃત્તિ બાદ પોતાના ગામમાં ખેડૂતની જેમ જીવી રહ્યા હતા. તેઓ કોઈ સેલિબ્રિટીથી ઓછા નહોતા પરંતુ તેમ છતાં ખૂબ જ સાદું જીવન જીવતા હતા. સેનામાં તેમના વિશેષ યોગદાન બદલ તેમને સેના મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

બીએસએફએ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનાર ભૈરવ સિંહના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે BSF તેમની હિંમત અને ફરજનું સન્માન કરે છે, સમર્પણને સલામ કરે છે. આ મુશ્કેલ સમયમાં પરિવારની પડખે છે. ભૈરવ સિંહ રાઠોડને 1972માં સેના મેડલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અન્ય ઘણા સૈન્ય સન્માન અને નાગરિક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા. ફિલ્મ અભિનેતા સુનિલ શેટ્ટીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 1971 યુદ્ધ દરમિયાન ભૈરવ સિંહે 7 કલાક સુધી સતત ફાયરિંગ ચાલુ રાખ્યું હતુ.

Shah Jina