દર્શન કરી જૂનાગઢ આવતા આખલાએ યુવકને ઉલાળ્યો, એકનો એક પુત્ર ગુમાવતા પરિવાર વિખેરાયો

જૂનાગઢમાં 19 વર્ષીય યુવકનું રખડતા ઢોરને લીધે થયું મૃત્યુ, પતિના મૃત્યુ પછી હવે દીકરાનું પણ મૃત્યુ થયું…

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોનો ત્રાસ સતત વધતો જઇ રહ્યો છે. થોડા દિવસ પહેલા કડીમાં તિરંગા રેલી દરમિયાન પૂર્વ ડેપ્યુટી સીએમ નિતીન પટેલને ગાયે અડફેટે લીધા બાદ તેમને ઢીંચણમાં ઈજા પહોંચી હતી અને તે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રેલી અને કોન્વેમાં પણ રખડતા આખલા ઘૂસી આવ્યા હતા. તો પણ હજી તો તંત્રની આંખો ઉઘડી નથી. હાલમાં રખડતા આખલાને કારણે એક માતાએ એકનો એક દીકરો ગુમાવ્યો છે.

જૂનાગઢના વંથલી બાયપાસ પાસે આખલાની અડફેટે 19 વર્ષના યુવાનનું મોત નિપજ્યુ હોવાની ખબર સામે આવી રહી છે. યુવક મઢડાથી દર્શન કરી જૂનાગઢ તરફ વંથલી રોડ સ્વામી ગુરુકુળ પાસે એક્ટિવા લઈને આવી રહ્યો હતો અને આ દરમિયાન જ આખલાએ તેને અડફેટે લીધો. આ ઘટનામાં તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તેને પગલે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેેડવામાં આવ્યો હતો. જો કે, સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ હતું.એકના એક પુત્રનું મોત થતા માતા પર તો દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો.

ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર,19 વર્ષિય હિરેન પરમાર જૂનાગઢના મધુરમમાં રહે છે. તે સમી સાંજના છ વાગ્યા આસપાસ મઢડાથી દર્શન કરી જૂનાગઢ તરફ આવી રહ્યો હતો ત્યારે જ વંથલી રોડ સ્વામી ગુરુકુળ પાસે યુવાનની એક્ટિવાને આખલાએ હડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. આને લઇને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો જો કે, તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, યુવકના પિતાનું થોડા વર્ષો પહેલાં મોત થયું હતુ અને હવે પુત્રનું મોત થતા માતા તો શોકમાં ગરકાર થઇ ગઇ છે.

યુવકના પરિવાર અનુસાર, મૃતક તેની માતા સાથે એકલો રહેતો હતો. જણાવી દઇએ કે, આ પહેલીવાર નથી જ્યારે રખડતા ઢોરને કારણે કોઇ વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હોય. આ પહેલા પણ ઘણા કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર તો વૃદ્ધ પણ આવા રખડતા ઢોરના શકંજામાં આવી જાય છે અને તેમને ગંભીર ઇજાઓ પણ પહોંચતી હોય છે. હાઇવે પર કોઇ વાહનને આખલા અડફેટે લે તેવા બનાવો ઘણીવાર બને છે અને આને લઇને તંત્ર દ્વારા કોઈપણ કામગીરી ન કરાતા લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે.

Shah Jina