ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મ અને હત્યાના મામલા સામે આવતા રહે છે, ત્યારે હાલમાં વલસાડના પારડીના મોતીયાળા ગામમાંથી આવો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો. ઉદવાડાથી ટ્યૂશનથી પરત ફરતી બીકોમની સેકન્ડ યરની વિદ્યાર્થિનીની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. વિદ્યાર્થિની ઉદવાડા ટ્યૂશન જવા નીકળી હતી અને સાંજ સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી.
શોધખોળ બાદ વિદ્યાર્થિનીની લાશ મળી આવતા પોલીસે સુરત ખાતે વિદ્યાર્થિનીનું ફોરેન્સિક PM કરાવ્યું, જેમાં FSL PMનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. રીપોર્ટમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવતા પારડી પોલીસે હત્યા અને દુષ્કર્મની ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. પરિવારે કંઈક અઘટિત થયું હોવાના ડરે મૃતક વિદ્યાર્થિનીની શોધખોળ હાથ ધરી હતી.
આ દરમિયાન વિદ્યાર્થિનીની બહેનને નજીકમાં એક ચપ્પલ મળતાં તેણે મૃતકના મિત્રની મદદ લઈ શોધખોળ કરી અને આંબાવાડીમાં ચેક કરવા કહેતા ત્યાં શંકાસ્પદ હાલતમાં યુવતીની લાશ મળી આવી. યુવકની બાઇક પર યુવતીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી પણ ડોક્ટરે મૃત જાહેર કરી હતી. આ ઘટના મામલે વલસાડ LCB, SOG સહિત 10થી વધુ ટીમો હત્યાનો ભેદ ઉકેલવામાં લાગી છે.
આ ગંભીર ઘટનાને લઈને પોલીસે વ્યાપક તપાસ અભિયાન શરૂ કર્યું છે. પોલીસની વિશેષ ટીમે આસપાસની 22થી વધુ ચાલીઓમાં રહેવાસીઓની હાજરી-ગેરહાજરીની ઝીણવટભરી તપાસ આદરી છે. વિશ્વસનીય બાતમીદારો મારફતે 10થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી છે. સાથે જ પોલીસની અન્ય ટીમે પારડી GIDCની કંપનીઓમાં કાર્યરત કર્મચારીઓની ગેરહાજરી અને તેમના વર્તનમાં આવેલા નોંધપાત્ર ફેરફારો અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.