સુરતના ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં સામે આવી મોટી અપડેટ, 18 સાક્ષીઓની કોર્ટમાં….અને જેણે ઉભા ઉભા ગ્રીષ્માનો વીડિયો ઉતાર્યો હતો તે વ્યક્તિની

સુરતના સૌથી ચકચારી ભરેલા ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે ત્યારે આ કેસમાં ખૂબ જ ઝડપથી કાર્યવાહી પણ થઇ રહી છે. ત્યારે ગઇકાલના રોજ આ કેસની સુનાવણી સેશન્સ કોર્ટમાં થઇ હતી અને ઘટનાનો વીડિયો જે સાક્ષીઓએ રેકોર્ડ કર્યો હતો તે 18 સાક્ષીઓની કોર્ટમાં જુબાની લેવામાં આવી હતી. આ ઉપરાંત પોલિસને આ મામલે જે ડીવીડી મળી તેની પણ જુબાની થઇ હતી. આ પહેલા આ કેસમાં ગ્રીષ્માનું પીએમ કરનારા અને ઇજાગ્રસ્તોની સારવાર કરનાર ડોક્ટરોની જુબાની થઇ હતી.

ગ્રીષ્માની હત્યા બાદ આરોપી ફેનિલે જે આકાશને ફોન કર્યો હતો તેની પણ જુબાની કોર્ટમાં નોંધવામાં આવી છે. આજે પણ આ કેસની સુનાવણી હાથ ધરાવાની છે. જણાવવામાં આવી રહ્યુ છે કે કોર્ટમાં 9 પંચનામા અને 18 સાક્ષીઓની જુબાની થઇ હતી. આ પહેલા આ કેસમાં ઘણા ખુલાસાઓ થયા છે. ગ્રીષ્માની હત્યા માટે ફેનિલે પહેલા એકે 47 ખરીદવાનો પ્રયાસ કર્યો હતો અને આ વાતનો ઘટસ્ફોટ થતા ચકચાર પણ મચી ગઇ હતી.

પોલિસને જાણવા મળ્યુ હતુ કે તેણે વેબસાઇટ પરથી એકે 47 રાઇફલ ખરીદવા સર્ચ કર્યુ હતુ. આ કેસમાં ફેનિલ પકડાયાના 6 દિવસ બાદ ચાર્જશીટ દાખલ કરવામાંં આવી હતી. આ ઉપરાંત એ પણ સામે આવ્યુ હતુ કે હત્યા માટે ફેનિલે 30થી વધુ વેબસાઇટ પણ સર્ચ કરી હતી. ગ્રીષ્માની હત્યા પહેલા તે પ્લાનિંગ કરી રહ્યો હતો. તેણે ક્રાઇમ પેટ્રોલ સહિત અલગ અલગ સીરિયલ પણ જોઇ હતી. તેણે હત્યા માટે એક ચાકુનો ઓર્ડર કર્યો હતો પરંતુ તે આવવામાં મોડુ થતુ હોવાને કારણે તેણે તે રિજેક્ટ કર્યો અને એક મોલમાંથી ચપ્પુ ખરીદ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, સુરતના કામરેજના પાસોદરામાં 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગળું કાપી હત્યા કરી હતી. જે બાદ તેણે હાથની નસ કાપી અને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો ત્યાં હાજર લોકોમાંથી કેટલાકે પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો, જે બાદ સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો. ત્યારે આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.

Shah Jina