ગુજરાતમાંથી ઘણીવાર અપહરણ, દુષ્કર્મ સહિત ભાગવાના કિસ્સાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર વિદ્યાર્થીઓ અથવા સગીર વયના બાળકોને કોઇ વાતે લાગી આવતા તેઓ ઘર છોડી ભાગી દેતા હોય છે અથવા તો ઘણીવાર આપઘાત જેવું મોટુ પગલુ ભરતા હોય છે. ત્યારે ગાંધીનગરના કુડાસણમાં એક એવો કિસ્સો સામે આવ્યો જેમાં એક સગીરાનો મોબાઇલ તેની માતાએ લઇ લેતા તે ઘરનો દરવાજો બહારથી બંધ કરી પરિવારને અંદર પૂરી પલાયન થઇ ગઇ હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
શ્યામા પ્રસાદ મુખર્જીનગરમાં રહેતી માતાએ 17 વર્ષની સગીરામો મોબાઇલ લઈ લીધો હતો અને તેને કારણે સગીરા ઘરનો દરવાજો બહારથી બંધ કરી પરિવારને અંદર પૂરી ફરાર થઈ ગઈ હતી. જેને કારણે અમદાવાદનો યુવક દીકરીને ભગાડીને લઈ ગયો હોવાની શંકા રાખી માતાએ ઈન્ફોસિટી પોલીસને ફરિયાદ આપી હતી અનો પોલિસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

30 નવેમ્બરના રોજ સાંજે સાતેક વાગ્યા આસપાસ દીકરીને ફોન પર વાત કરતાં જોઈ માતા ચોંકી ઉઠી અને તેના હાથમાં જે ફોન હતો એ ઘરના કોઈ સદસ્યનો ન હોવાથી દીકરી આ ફોન ક્યાંથી લાવી તેની માતાએ પૂછપરછ કરી હતી. જો કે, સગીરાએ એવું કહ્યુ કે, તેને રસ્તામાંથી ફોન મળી આવ્યો છે. આ વાત ગળે નહીં ઉતરતા માતાએ મોબાઇલ ફોન લઈ લીધો હતો. જે બાદ સગીરા ઘરની બહાર બેસી રહી અને માતા ઘરમાં કામ કરવા લાગી.

આ દરમિયાન સગીરાએ ઘરનો દરવાજો બહારથી બંધ કરી દીધો અને ફરાર થઇ ગઇ. જો કે, અડધો કલાક સુધી દીકરી ઘરમાં નહીં આવતાં માતા ઘરની બહાર જ્યારે જોવા ગઇ ત્યારે દરવાજો બહારથી બંધ હતો. માતાએ પાડોશીને બૂમ પાડીને દરવાજો ખોલાવ્યો અને પછી સોસાયટી સહિતના સ્થળોએ દીકરીની શોધખોળ હાથ ધરી. તેનો ક્યાંય પત્તો ન લાગતા દીકરી પાસેથી મળી આવેલ મોબાઇલ ફોન માતાએ ચેક કર્યો.

ત્યારે અમદાવાદના વાસણા ભવાનીનગરમાં રહેતાં યુવકનો ફોટો જોવા મળ્યો. જે બાદ માતાએ આ અંગેની જાણ સગીરાના પિતાને કરી તો તેઓ ઘરે દોડી આવ્યા અને તે બાદ તેઓ વાસણા સગીરાની શોધખોળ કરવા ગયાં. જો કે, ત્યાં પણ સગીરા ન મળી આવતા આ યુવક સગીર વયની દીકરીને ભગાડીને લઈ ગયો હોવાની શંકાને આધારે માતાએ ઈન્ફોસિટી પોલીસમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી ફરિયાદ દાખલ કરાવી હતી.