ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે લોકો પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધને કારણે તો અનેકવાર માનસિક હેરાનગતિને કારણે જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે હાલ નડિયાદના કપડવંજમાંથી એક આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક અઠવાડિયા પહેલા 17 વર્ષની સગીરાએ આપઘાત કર્યો હતો. આ કેસમાં ચાર પાડોશીઓ સામે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. જો કે, આ કિશોરીએ 7 મેના રોજ આપઘાત કર્યો હતો.

આ કેસમાં એવી વિગત સામે આવી છે કે પાડોશીઓ સગીરાને લગ્ન માટે દબાણ કરી રહ્યા હતા અને આ વાતથી કંટાળી સગીરાએ ગળે ફાંસો ખાઇ લીધો ગતો. સગીરાની માતાએ પાડોશમાં રહેતા 4 લોકો સામે ફરિયાદ આપી છે. આ ઘટના જયારે બની ત્યારે કપડવંજ ટાઉન પોલિસે એડી નોંધી કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે હવે 7 દિવસ બાદ આ મામલે ફરિયાદ દાખલ થઇ છે. મૃતકની માતાએ કહ્યુ કે, તેમની દીકરીએ પાડોસીઓના ત્રાસથી આપઘાત કર્યો છે.

આ મામલે પાડોશમાં રહેતા તેમના સમાજના ભરતભાઇ મકવાણા, તેમના પત્ની જયશ્રીબેન અને તેમના દીકરા આકાશ અને હિમાશું વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૃતકની માતાએ જણાવ્યુ કે, તેમની દીકરીએ તો ધોરણ 10 પછી અભ્યાસ પણ છોડી દીધો હતો. વર્ષ 2021માં ભરતભાઇનો દીકરો આકાશ મૃતક સગીરાને ખરાબ નજરે જોતો અને લગ્ન માટે હેરાન કરતો હતો. આ અંગે મૃતકે તેની માતાને જાણ કરી હતી અને તેઓ તેને ઠપકો આપવા પણ ગયા હતા.

ત્યારે ભરતભાઇ અને તેમની પત્નીએ કહ્યુ હતુ કે,તમારી દીકરીને મારા દીકરા સાથે જ પરણાવવી પડશે, ગમે ત્યાં પરણાવશો તો તેને ચેનથી જીવવા નહીં દઈએ… આ અંગે પોલિસમાં અરજી પણ કરવામાં આવી હતી, જો કે અંદરોઅંદર સમાધાન થતા આકાશે કહ્યુ હતુ કે, હવે પછી હેરાન નહિ કરું. પરંતુ થોડા સમય પછી આકાશ અને તેના માતા-પિતાએ પહેલાની જેમ હેરાન કરવાનું શરૂ કરી દીધુ. જેને લઇને મૃતકને તેની માસીના ત્યાં ચાંદખેડા મોકલવામાં આવી.

આ બાબતને લઇને પણ ભરતભાઇ અને તેમની પત્નીએ ઝઘડો કર્યો. એકતરફી પ્રેમમાં પાગલ યુવક અને તેના પરિવાર દ્વારા સગીરા એટલી હદે કંટાળી ગઇ હતી કે તેણે આ દુનિયાને જ છોડી દીધી. પાડોશી પરિવારનો ત્રાસ એટલો હતો કે તેનાથી કંટાળી દીકરી અને તેની માતા બીજી સોસાયટીમાં રહેવા જતા રહ્યા હતા. તેમ છત્તાં પણ આકાશ ત્યાં જ આંટા ફેરા મારતો હતો. 6 મેના રોજ તેણે સોશિયલ મીડિયા ફેક આઇડીથી મેસેજ પણ કર્યા હતા. ત્યારે આ મામલે મૃતકની માતાએ ચાર લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.