હાલમાં જ બે દિવસ પહેલા વડતાલ સ્વામિનારાયણ મંદિરના જગતપાવન સ્વામી ચર્ચામાં આવ્યા હતા, જેનું કારણ તેમની સામે નોંધાયેલ દુષ્કર્મની ફરિયાદ હતી. એક યુવતિ જ્યારે કિશોર અવસ્થામાં હતી એટલે કે 14 વર્ષની હતી ત્યારે જગતપાવન સ્વામીએ તેને ગિફ્ટ આપવાને બહાને રૂમમાં બોલાવી અને પછી તેની સાથે જબરજસ્તી કરી હતી. આ ઉપરાંત કોઈને વાત કરશે તો માતાપિતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે આ અંગે પીડિતાએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર સ્વામીની શોધખોળ હાથ ધરી છે.
ત્યારે હવે વધુ બે સ્વામી ચર્ચામાં આવ્યા છે. બગસરામા નવુ બનેલુ સ્વામીનારાયણ મંદિર વિવાદમાં આવ્યુ છે. મંદિરે જતા એક 17 વર્ષીય કિશોરનું બ્રેઇનવોશ કરી તેને ભગાડવાનો આરોપ બે સંતો પર લાગ્યો છે. બગસરાના એક 17 વર્ષીય કિશોરના પિતાએ સ્વામીનારાયણ મંદિરના બે સંત ચૈતન્ય સ્વામી અને સદગુણ સ્વામી સામે આ આક્ષેપ કર્યો છે.
તેમણે કહ્યુ કે- તેમના પુત્રને બ્રેઇન વોશ કરી સાધુ બનાવવા માટે ઉશ્કેરવામા આવતો અને માતા-પિતા છે જ નહી, દુનિયામાં સ્વામીનારાયણ સિવાય કોઇ છે જ નહિ તેમજ તારે સંત બનવાનુ છે તેમ કહી બ્રેઇન વોશ કરવામા આવતુ. આ કિશોરને મંદિરમાથી અન્ય સ્થળે ભગાડી દેવાયા બાદ પિતાએ મંદિરે જઇ આજીજી કરતા પરત સોંપાયો હતો.
આ પછી આ સંતો વારંવાર ફોન કરતા અને ભાગી જવા ઉશ્કેરણી કરતા. તેમણે કિશોરને મોબાઇલ પણ આપ્યો હતો. જો કે, કિશોર બીજી વખત નાસી ગયો અને હવે આ બંને સંતોનુ મોબાઇલ રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે. અહીના ગુરૂલક્ષ્મી પ્રસાદે જવાબદારી લીધી હતી કે હવે કોઇ સંતનો ફોન આ કિશોર પર નહી આવે. પરંતુ પરિવારે આ બંને સંતોની મંદિરમાથી હકાલપટ્ટી કરવામા આવે તેવી માંગણી કરી છે.