મમ્મીએ 16 વર્ષના દીકરાને ગેમ રમવાની ના પાડતા ઉઠાવ્યું એવું ભયાનક પગલું કે જાણીને ફફડી ઉઠશો
આજના બાળકો અને યુવાનોમાં ઓનલાઇન ગેમ રમવાને લઈને ખાસો ક્રેઝ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ આર્મીમાં ફરજ બજાવી રહેલા પિતાના દીકરાને તેની મમ્મીએ PUBG ગેમ રમવાની ના પાડતા તેને રિવોલ્વરથી તેની માતાના માથામાં ગોળી મારી અને હત્યા કરી નાખી. હજુ આ મામલો તાજો જ છે ત્યાં વધુ એક ચોંકવાનારી ઘટના સામે આવી છે.
આ મામલો સામે આવ્યો છે મુંબઈમાંથી. જ્યાં એક 16 વર્ષના બાળકે ટ્રેનની સામે કૂદીને આપઘાત કરી લીધો છે. દીકરાના આપઘાતના કારણે પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા છે.. પોલીસના જણાવ્યા અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે માતાએ મોબાઇલ પર ગેમ રમવાની ના પાડી તો બાળકે આપઘાત કરી લીધો. આ મામલે બોરીવલી જીઆરપીએ એડીઆર નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
સ્થાનિક પોલીસ સ્ટેશન, દિંડોશી પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સાંજે લગભગ 7 વાગે ઓમ ભરત તેના ઘરે બેઠો હતો ત્યારે તેના મોબાઇલ પર ગેમ રમી રહ્યો હતો, ત્યારે તેની માતાએ તેના હાથમાંથી મોબાઇલ ફોન છીનવી લીધો અને કહ્યું કે આખો દિવસ ગેમ જ રમીશ તો અભ્યાસ ક્યારે કરીશ. જેના બાદ ગુસ્સામાં ઓમ ભરતે સુસાઈડ નોટ લખી અને ઘર છોડી દીધું.

થોડા સમય પછી જ્યારે ઓમની માતા ઘરે પહોંચી તો તેણે ત્યાં એક પત્ર પડેલો જોયો. જેમાં લખ્યું હતું કે ‘હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું, ફરી ક્યારેય નહીં આવું’. સુસાઈડ નોટ મળતાં જ પરિવારજનોએ નજીકના ડીંડોશી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી, માહિતી મળતાની સાથે જ પોલીસે બાળકની શોધખોળ શરૂ કરી હતી.
જેના બાદ દિંડોશી પોલીસને માહિતી મળી કે મલાડ અને કાંદિવલી સ્ટેશન વચ્ચે કોઈએ આત્મહત્યા કરી લીધી છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને ઓમ ભરતનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકે લખેલી સુસાઈડ નોટ મુજબ, તે કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે કે તે દિવસમાં ઘણા કલાકો અભ્યાસ કરે છે અને તેની બહેન પાસે ઈન્ટરનેટ છે, તો મને કેમ નહીં. આ યુવક અગાઉ પણ બે વખત આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂક્યો છે.