ખબર

ગ્રીષ્મા જેવો હત્યાકાંડ માતરમાં, દુકાન ઉપર કોલ્ડ્રીંક લેવા માટે આવેલી 16 વર્ષની સગીરાને 46 વર્ષના આધેડે ઉપરા છાપરી ચપ્પાના ઘા ઝીંકી ઉતારી મોતને ઘાટ

ગુજરાતમાં હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ સુરતમાં ગ્રીષ્માની છડેચોક હત્યા કરી દેવામાં આવી હતી, જેના બાદ પણ હત્યાના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે, ત્યારે હવે વધુ એક હૃદયકંપાવી દેનારો મામલો માતરના ત્રાજ ગામમાંથી સામે આવ્યો છે, જ્યાં એક 16 વર્ષની સગીરા દુકાન ઉપર ઠંડુ પીણું લેવા માટે ગઈ હતી અને ત્યાં રહેલા 46 વર્ષીય આધેડે ચપ્પાના ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતારી દીધી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ખેડા જિલ્લામાં આવેલા માતર પાસેના ત્રાજ ગામની અંદર રહેતી 16 વર્ષીય સગીરા કૃપા પટેલ ગત રોજ સાંજના સમયે મહાદેવના મંદિરે દર્શન કરવા માટે ગઈ હતી અને દર્શન કરીને પરત ફરતા સમયે ગામના જ બસસ્ટેન્ડ પાસે આવેલા ખોડિયાર પાન સેન્ટરમાં કોલ્ડ્રીંક લેવા માટે ગઈ હતી. ત્યારે ત્રાજ ગામના જ રહેવાસી 46 વર્ષીય રાજુ પટેલે તેની પાસે રહેલા ધારદાર હથિયારના એક પછી એક ઘા ઝીંકી દીધા હતા.

રાજુ પટેલે કૃપાને એટલા ઘા માર્યા કે સ્થળ ઉપર જ લોહીના ફુવારા પણ ઉડ્યા હતા, કૃપા સાથે આવેલી તેની બહેનપણીઓ બૂમો પાડતા સ્થાનિક લોકો મારફતે કૃપાને 108 મારફતે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાઇ હતી, જ્યાં તબીબ ના હોવાના કારણે તેને ખેડા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

પરંતુ કૃપાને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થઇ ગયું હતું. સ્થાનિક લોકોએ આરોપી રાજુ પટેલને પકડીને માતર પોલીસના હવાલે કરી દીધો હતો, પોલીસે કૃપાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને તપાસ હાથ ધરી છે, સાથે જ રાજુ પટેલે ક્યાં કારણો સર કૃપાની હત્યા કરી તે અંગે પણ જાણવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

આ ઘટનાની જાણ થતા જ જિલ્લા એસપી સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કૃપાના પરિવાજનો સાથે પણ મુલાકાત કરીને પુછપરછ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, તો સાથે જ કૃપાના પરિવારજનોની પણ માંગ છે કે કૃપાના હત્યારાને પણ ગ્રીષ્માની હત્યાના આરોપી ફેનિલ જેવી જ સજા મળે.