ખબર

રેડિસન બ્લૂ હોટલમાં હજારો માછલીઓથી ભરેલ વિશાળ એક્વેરિયમ ફાટ્યુ, રસ્તા પર વહ્યુ લાખો લિટર પાણી- જુઓ તસવીરો અને વીડિયો

જર્મનીની હોટલમાં ફાટ્યુ દુનિયાનું સૌથી મોટું એક્વેરિયમ : લાખો લીટર પાણી વહી જવાને કારણે સુનામી જેવી હાલત, હજારો માછલીઓ મરી

જર્મનીના બર્લિનમાં પ્રખ્યાત એક્વેરિયમમાં વિસ્ફોટ થયો હોવાની ખબર સામે આવી રહી છે. લાખો લીટર પાણી સાથેના માછલીઘરમાં 1500થી વધુ વિદેશી અને ખાસ પ્રકારની માછલીઓ હતી. બર્લિનની ઈમરજન્સી સર્વિસે જણાવ્યું કે આ ઘટના શુક્રવારે વહેલી સવારે 5.45 કલાકે મિટ્ટે જિલ્લામાં બની હતી. માછલીઘરના વિસ્ફોટથી 1 મિલિયન લિટર (264,172 ગેલન) પાણી અને મલબો રસ્તા પર આવી ગયો. અકસ્માત બાદ રેસ્ક્યુ ટીમના લગભગ 100 લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

માછલીઘર એટલું મોટું હતું કે તે તૂટી જતાં લાખો લિટર પાણી આખી હોટલ અને રસ્તા પર વહી ગયું હતું. ઘટનાની માહિતી મળતાની સાથે જ ઈમરજન્સી સર્વિસના 100 લોકોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રોઇટર્સના અહેવાલ મુજબ, બર્લિનના મિટ્ટે જિલ્લામાં એક્વાડોમ નામના આ માછલીઘરના વિસ્ફોટ પછી 264,172 ગેલન પાણી ચારે તરફ ફેલાઈ ગયું. અધિકારીઓએ જણાવ્યું કે આ માછલીઘરમાં 1500થી વધુ માછલીઓ હતી જે હોટલની લોબીમાં ફેલાઈ ગઈ હતી.

એક્વાડોમ એક્વેરિયમની ઊંચાઈ 15.85 મીટર હતી. તે વિશ્વના સૌથી મોટા નળાકાર માછલીઘર તરીકે જાણીતું હતું. એક્વેરિયમ તૂટવાને કારણે કાચ પડી જવાથી બે લોકો ઘાયલ પણ થયા છે. બર્લિન પોલીસે કહ્યું કે તે એક મોટું નુકસાન છે. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. આ માટે નિષ્ણાતોની સલાહ પણ લેવામાં આવશે. આ ઘટના બાદ મોટાભાગના લોકોને હોટલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

રોયટર્સ સાથે વાત કરતા હોટલમાં હાજર એક મહેમાને જણાવ્યું કે એક્વેરિયમમાં વિસ્ફોટ થતાં જ એવું લાગ્યું કે જાણે ત્યાં ભૂકંપ આવ્યો હોય. હોટલના મેનેજમેન્ટને જોનાર વ્યક્તિએ જણાવ્યું કે 1500 માછલીઓ સ્થળ પર જ મરી ગઈ. જ્યારે માછલીઘરની નાની ટાંકીમાં રાખવામાં આવેલી માછલીઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા. બર્લિનના મેયરે કહ્યું કે સારી વાત એ હતી કે માછલીઘરમાં વહેલી સવારે વિસ્ફોટ થયો જ્યારે ત્યાં કોઈ હાજર નહોતું.

તેમણે કહ્યું કે જો આ ઘટના અન્ય કોઈ સમયે બની હોત તો ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હોત. જ્યારે ઘટના બની ત્યારે હોટલમાં લગભગ 350 મહેમાનો હાજર હતા. વર્ષ 2020માં એક્વેરિયમનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તમામ ટાંકીઓની સફાઈ કરવામાં આવી હતી. ટાંકીના સમારકામ દરમિયાન તમામ માછલીઓને હોટલના ભોંયરામાં સ્થિત એક્વેરિયમમાં રાખવામાં આવી હતી.

માછલીઘરની નજીક ગ્લાસ એલિવેટર લગાવવામાં આવ્યા હતા જેથી લોકો તેને નજીકથી જોઈ શકે. પોલીસે જણાવ્યું હતું કે બર્લિનમાં બહારનું તાપમાન -7 °Cની આસપાસ હોવાથી હોટલ છોડીને જતા લોકોને આશ્રય આપવા માટે બસો રવાના કરવામાં આવી હતી. ઇમરજન્સી સેવાઓએ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલ મુખ્ય માર્ગને બંધ કરી દીધો હતો કારણ કે મોટા પ્રમાણમાં પાણી રસ્તા તરફ ધસી આવ્યું હતું.