વિદેશથી લાખોનું સોનુ લઇ આવવા માટે આ તસ્કરે વાપર્યો એવો જુગાડ કે જોઈને અધિકારીઓએ પણ માથું પકડી લીધું, વીડિયો થયો વાયરલ, જુઓ

સોનાની તસ્કરી કરતા લોકોને ઘણીવાર એરપોર્ટ ઉપર કસ્ટમ અધિકારીઓ દ્વારા ઝડપી લેવામાં આવતા હોય છે, ત્યારે આવા તસ્કરો સોનુ લાવવા માટે એવો એવો જુગાડ કરતા હોય છે જેને જોઈને અધિકારીઓની આંખો પણ પહોળી થઇ જતી હોય છે, આવા જ એક તસ્કરનો વીડિયો હાલ વાયરલ થયો છે જેને પણ સોનુ લાવવા એવો જ જુગાડ વાપર્યો પરંતુ તે જુગાડ કામ ના કર્યો અને એરપોર્ટ ઉપર જ આ વ્યક્તિ ઝડપાઇ ગયો.

આ ઘટના લખનઉ એરપોર્ટ પર બની હતી, જ્યારે કસ્ટમ અધિકારીઓએ સોમવારે એક મુસાફર પાસેથી આશરે રૂ. 15 લાખની કિંમતનું 291 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે તસ્કરે માથાની અંદર વિગમાં સોનું છુપાવ્યું હતું. IANSના અહેવાલ મુજબ, મુસાફર શારજાહથી લખનઉ એરપોર્ટ પહોંચ્યા બાદ પકડાયો હતો.

કસ્ટમ અધિકારીએ જણાવ્યું કે, “મુસાફરની પ્રોફાઇલિંગના આધારે આરોપીને ગ્રીન ચેનલમાંથી બહાર નીકળતી વખતે અટકાવવામાં આવ્યો હતો. તેની અંગત તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેણે વિગ પહેરેલી હતી. તેની વિગ હટાવતા જાણવા મળ્યું કે તેને કાળી ટેપથી ઢાંકીને બનાવેલું પોલિથીન તેના માથા પર ચોંટી ગયું હતું.

તે પોલિથીનમાંથી કુલ 291 ગ્રામ સોનું નીકળ્યું, જેની કિંમત 15,42,300 રૂપિયા છે. જપ્ત કરાયેલું સોનું કસ્ટમ્સ એક્ટની કલમ 110 હેઠળ જપ્ત કરવામાં આવ્યું હતું. કસ્ટમ એક્ટની કલમ 104 હેઠળ મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ મુસાફરને કોર્ટમાં રજૂ કર્યો હતો અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવા કોર્ટને વિનંતી કરતી અરજી દાખલ કરી હતી. આરોપીને વધુ પૂછપરછની જરૂર ન હોવાથી કોર્ટે તેની અરજી સાંભળ્યા બાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

Niraj Patel