વડોદરામાં કાળઝાળ ગરમી અને હાર્ટ એટેકે માત્ર 72 કલાકની અંદર જ લઇ લીધા 13 લોકોના જીવ..

વડોદરામાં હિટવેવનો કહેર, 500થી વધુથી લોકોને અસર, બે દિવસમાં ગરમીના કારણે 6 લોકોના હાર્ટ એટેકથી મોત

13 People Died In 72 hours in vadodara : હાલ ગુજરાતની અંદર કાળઝાળ ગરમી પડી રહી છે અને ઘણી જગ્યાએ તો ગરમીનો પારો 45 ડિગ્રીને પણ પાર પહોંચી ગયો છે, ત્યારે આવી કાળઝાળ ગરમી વચ્ચે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળતા હોય છે, તો સાથે જ આ અસહ્ય ગરમીના કારણે લોકો બીમાર પણ પડી જતા હોય છે તો ગરમીના કારણે હૃદયરોગના મામલાઓ પણ સતત વધતા જોવા મળે છે, જેનું મોટું ઉદાહરણ વડોદરામાં જોવા મળ્યું જ્યાં ગરમી અને હાર્ટ એટેકના કારણે 72 કલાકમાં જ 13 લોકોએ જીવ ગુમાવ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે વડોદરા શહેરમાં ગરમીને લગતી બિમારીને લીધે ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે. આ ઉપરાંત હાર્ટ એટેકથી બેના મોત થયા છે, જ્યારે ડિહાઈડ્રેશનની તકલીફ અને બેભાન થતા બે વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વિશાલનગરમાં રહેતા સંજયભાઈ નરસિંહભાઈ સોલંકી (ઉંમર વર્ષ 32)ને ગભરામણ થતા તેઓને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હાજર તબીબે વ્યક્તિની સ્થિતિ જોઈ મૃત જાહેર કર્યા હતા.

કિશનવાડી વિસ્તારમાં મેડિકલ રિપ્રેસનટેટિવ તરીકે ફરજ બજાવતા 35 વર્ષીય કલ્પેશ સોનીને તાવ, ચક્કર, ઉલ્ટી અને ખેંચ આવતા હોસ્પિટલ લઈ જવાયા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ મોડી રાત્રે બેભાન થતા કલ્પેશ સોનીનું મોત નિપજ્યું હતું.  તો વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલી કુંજપ્લાઝા પોલોક્લબની બાજુમાં રહેતા આણંદભાઈ વિક્રમસિંહ ગાયકવાડ (ઉંમર વર્ષ 49)ને ઘર બહાર રિક્ષામાં બેસતા અચાનક બેભાન થઈ જતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા.

આ ઉપરાંત પ્રતાપ નગર વુડાનાં મકાનમાં રહેતા 40 વર્ષીય રાજુભાઈ ચંદુભાઈ પરમાર બેભાન થતા સયાજી હોસ્પિટલ ખસેડાયા જ્યાં તબીબો એ મૃત જાહેર કર્યા હતા. છેલ્લા 72 કલાકમાં શંકાસ્પદ હૃદય રોગના હુમલાને કારણે વડોદરા શહેરમાં 12 વ્યક્તિઓ જ્યારે મોગર ગામના એક વ્યક્તિ મળી કુલ 13 વ્યક્તિઓના મોત નિપજ્યા છે.

Niraj Patel