સુરતમાં ગુનાખોરી તો અટકવાનું નામ જ નથી લઇ રહી. હજી તો સુરતના ગ્રીષ્મા હત્યાકાંડના પડઘા શમ્યા નથી ત્યાં વધુ એક ગુનો સામે આવ્યો છે. સુરતમાં વધુ એક બાળકી હવસખોરનો શિકાર બનતાં હાહાકાર મચી ગયો છે. એક નરાધમે પોતાની હવસનો શિકાર 11 વર્ષીય બાળકીને બનાવી હતી,
તેણે બાળકી ઉપર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી. નરાધમ બાળકીને એક રૂમમાં લઇ ગયો હતો અને ત્યાં તેણે તેની પર દુષ્કર્મ આચર્યુ હતુ. જે બાદ તે બાળકીને ગંભીર હાલતમાં છોડી રૂમને બહારથી તાળુ મારી નાસી છૂટ્યો હતો. જો કે, પરિવારે બાળકીની શોધ કરી હતી અને તે બાદ તેઓ સારવાર માટે બાળકીને હોસ્પિટલ લઇ ગયા હતા. જો કે, ત્યાં સુધી ઘણુ મોડુ થઇ ગયુ હતુ અને બાળકીનું મોત થઇ ચૂક્યુ હતુ.
ઘટનાની વિગત તપાસીએ તો, સુરતના પલસાણાના જોળવા વિસ્તારમાં ગઇકાલના રોજ એટલે કે રવિવારે ઔદ્યોગિક એકમોની ધમધમતા જોળવાના પરપ્રાંતીય વિસ્તારમાં સાઈબા મિલની સામે આવેલ એક બિલ્ડિંગમાં ભાડેથી રહેતા પરિવારમાં બે બાળકીઓ પણ રહે છે. 20 ફેબ્રુઆરી રવિવારના રોજ બંને બાળકીઓ ઘરે એકલી હતી
અને તેમના માતાપિતા નોકરી ઉપર ગયા હતા, ત્યારે સાંજના સમયે 7 વર્ષની બાળા બિસ્કિટ લેવા માટે દુકાને ગઇ હતી અને આ દરમિયાન જ જયારે 11 વર્ષની બાળકી એકલી હતી અને ત્યારે અજાણ્યો નરાધમ આવ્યો અને આ બાળકીને ત્યાંથી એક રૂમમાં લઇ ગયો જયાં તેણે આ બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ અને તેને પીંખી નખી.. તે બાદ બાળકી લોહીલુહાણ હાલતમાં કણસતી રહી અને નરાધમ આ માસૂમ બાળકીને ત્યાં જ બેભાન અવસ્થામાં મૂકીને તાળું મારીને ત્યાંથી નાસી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, જયારે સાંજે આ બાળકીના માતા-પિતા આવ્યા ત્યારે તેઓએ બાળકીની શોધ કરી પરંતુ તે નજરે પડી નહિ તો તેમણે તપાસ કરી, જે બાદ એક અવાવરું રૂમને તાળું મારેલુ જોઇ પરિવારે રૂમનું તાળું તોડ્યુ અને તેમણે ત્યાં બાળકીને લોહીલુહાણ હાલતમાં જોઇ જે બાદ તેઓ કડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં બાળકીને લઇને સારવાર માટે પહોંચ્યા
પરંતુ ત્યાં ડોક્ટર ન મળતા બાળકીને ત્યાંથી ચલથાણની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જો કે ત્યાં સુધી મોડું થઈ ગયુ હતુ અને બાળકીનું મોત થઇ ચૂક્યુ હતુ. આ સમગ્ર ઘટનાની જાણ સુરતના ઉચ્ચ અધિકારીઓને થતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને શંકમંદોની પૂછપરથ કરી હતી. આ અરેરાટી ફેલાવતી ઘટનામાં નજીકમાં રહેતા નરાધમો સંડોવણીની શકયતા દેખાઈ રહેલી છે. હાલ તો આ મામલે બે શકમંદોની પોલિસ પૂછપરછ કરી રહી છે અને ઘટનાની તપાસ પણ ચાલી રહી છે.