આઘાતજનક! રાજકોટમાં 11 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત, મિત્રો સાથે વાત કરતાં અચાનક ઢળી પડ્યો

હાર્ટ એટેકથી મૃત્યુનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાર્ટ એટેકમાં કેટલાય પરિવારજનોએ પોતાનાં સ્વજનો ગુમાવ્યા છે. રાજકોટમાં 11 વર્ષનાં બાળકનું હ્યદયરોગનાં હુમલાથી મૃત્યું થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યુ હતું. મિત્રો સાથે વાત કરતાં બાળક અચાનક ઢળી પડતા પરિવારજનો દ્વારા બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરનાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.

અચાનક જ દેવરાજ ઢળી પડ્યો

રાજકોટ શહેરનાં ગોંડલ રોડ પાસે વિજય પ્લોટમાં રહેતા દેવરાજ કનકભાઈ કારેલિયા ઉ.વર્ષ.11 સવારે પોતાનાં ઘર બહાર અન્ય બાળકો સાથે બેઠો હતો. તે દરમ્યાન અચાનક જ દેવરાજ જમીન પર ઢળી પડ્યો હતો. ત્યારબાદ દેવરાજનાં પિતાએ હાર્ટ પમ્પિંગ પણ કર્યું હતું. અને દેવરાજને તાત્કાલીક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરે દેવરાજને મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

ડોક્ટરો દ્વારા બચાવવાના અથાગ પ્રયત્ન કરાયા

મળતી માહિતી મુજબ, કનકભાઈ કારેલિયાને સંતાનમાં બે પુત્ર છે. જેમાં દેવરાજ મોટો હતો. તેમજ ધો. 6 માં ઈગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતો હતો. ત્યારે પિતા દ્વારા પુત્રને બચાવવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જે બાદ દેવરાજને બેભાન અવસ્થામાં જ વધુ સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તેને બચાવવા માટે ડોક્ટર દ્વારા અથાગ પ્રયત્ન કરવામાં આવ્યા હતા. પરંતુ, હોસ્પિટલનાં તબીબ દ્વારા દેવરાજનું હાર્ટ એટેકથી મૃત્યું થયું હોવાનું જણાવ્યું હતું.

Twinkle