માં-બાપ ચેતજો, 11 વર્ષની રાધિકાનું તાવ અને ઉલટીથી નિપજ્યું મોત, જાણો સમગ્ર મામલો

હાલમાં રાજ્યમાં બેવડી ઋતુ ચાલે છે અને તેને કારણે રોગચાળો પણ વકરી રહ્યો છે. ઘણા લોકો શરદી-તાવની ચપેટમાં આવી રહ્યા છે અને ખાસ કરીને બાળકો પર વધુ અસર જોવા મળી રહી છે. ત્યારે હાલમાં રાજકોટમાં તાવ અને ઉલટીના કારણે 11 વર્ષની બાળકીનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે.

ધોરણ 4માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને તાવ આવ્યો હતો અને તે બાદ તેને ઉલટી થઇ હતી પણ તેનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. ગાંધીગ્રામના ગૌતમનગરમાં રહેતી રાધિકા રાયનું તાવ અને શરદીના લીધે મોત થતા તેના મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના ગાંધીગ્રામમાં આવેલ ગૌતમનગર શેરી નં.2માં રહેતા શ્રમિક પરિવારની 11 વર્ષિય દીકરી રાધિકા રાય આજે વહેલી સવારના રોજ જાગ્યા બાદ તરત બેભાન હાલતમાં ઢળી પડી અને તે બાદ તેને તરત સારવાર માટે સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવી, જ્યાં હાજર ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરાઇ હતી.

રાધિકાને ચારેક દીવસથી તાવ આવતો હતો અને તેની દવા પણ ચાલુ હતી. જો કે, ગઈકાલના રોજ રાત્રે તેને ઉલટી થયા બાદ તાવ ચડ્યો અને તે સવારે જાગ્યા બાદ તરત ઢળી પડી હતી. પરિવારમાં પણ દીકરીના મોતને કારણે કલ્પાંત સર્જાયો છે. જણાવી દઇએ કે, એક બાજુ બેવડી ઋતુને કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે તો બીજી બાજુ ફરી એકવાર રાજયમાં કોરોનાના કેસમાં વધારો થવો એ લોકોની સાથે સાથે સરકારને પણ ચિંતામાં મૂકી રહ્યો છે.

રાજકોટમાં હાલ 140થી વધારે કોરોનાના એક્ટિવ કેસ છે, જેમાંના ચાર સારવાર હેઠળ દાખલ છે. એક દર્દી તો ખાનગી હોસપિટલમાં વેન્ટિલેટર પર છે, જ્યારે અન્ય દર્દીઓ તબિયત પ્રમાણમાં સારી છે. માર્ચ મહિનાની શરૂઆતમાં તો કોરોનાના કેસ શહેરમાં નહિવત જોવા મળ્યા પણ છેલ્લા વીસેક દિવસથી વધારો જોવા મળ્યો હતો.

Shah Jina