ઢોલીવુડ મનોરંજન

“ચાલ જીવી લઈએ” શું કામ બીજીવાર જોવી જોઈએ? વાંચીને તમને પણ એકવાર નહિ અનેકવાર જોવાનું મન થઈ જશે

બહુ ઓછી એવી ગુજરાતી ફિલ્મો આવે છે જેને વારંવાર જોવાનું મન થાય, પરંતુ સેંકડોમાં કોઈ એક ફિલ્મ એવી આવી જાય જે આંખોને જ નહિ હૃદયને પણ સ્પર્શી જાય. એવી જ એક ફિલ્મ ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનાની પહેલી તારીખે આવી. એનું નામ છે “ચાલ જીવી લઈએ. 31 જાન્યુઆરીએ આ ફિલ્મ નવેસરથી રિલીઝ થવા જઈ રહી છે ત્યારે આ ફિલ્મ વિશેની કેટલીક વાતો જાણવી જરૂરી છે, ફિલ્મ બીજીવાર શું કામ જોવી જોઈએ? તે પ્રશ્નનો જવાબ નીચે આપેલા કારણોમાં તમને મળી જશે.

Image Source

ફિલ્મના નામને સાર્થક કરે છે: ફિલ્મના નામ જેવી જ આ ફિલ્મ, ફિલ્મને જોવાની જ નહિ પરંતુ ફિલ્મને જોઈને જીવી લેવાની પણ ઈચ્છા થઇ જાય, જીવનના દુઃખો, તકલીફો, બીમારીઓ ભૂલીને પોતાની આગવી રીતે જ જીવી લેવાનું મન થાય. ફિલ્મને જોઈને જયારે થિયેટરની બહાર નીકળીએ ત્યારે તમારા હૃદયમાંથી એક આવાજ આવશે કે “ચાલ બીજીવાર જોઈ લઈએ…”

આંખોના પોપચાં ભીના કરશે: ફિલ્મ એટલી હદ સુધી તમારા હૈયાને સ્પર્શી જશે કે ઘણીવાર તમારી આંખો પણ આ વાતનો જવાબ આપશે આંસુઓના રૂપમાં. ઘણા દૃશ્યો આ ફિલ્મમાં તમને એવા જોવા મળશે કે એ વાતો પણ તમારા જીવન સાથે જોડાયેલી હશે અને એ વાતોને આ ફિલ્મમાં જોતા જ તમારી આંખોના પોપચાં પણ ભીના થઇ જશે.

પેટ પકડીને હસાવે એવા સંવાદો: ફિલ્મના હૃદયસ્પર્શી સંવાદો સાથે પેટ પકડીને હસાવે એવા ડાયલોગ પણ આપવામાં આવ્યા છે. ગુજરાતી નાટકોમાં 40 વર્ષનો સફળ અભિનય કરનાર અને ગુજરાતના દરેક ઘરમાં જેના સંવાદોથી હાસ્યના ફુવારા ઉડે છે એવા સિદ્ધાર્થ રાંદેરિયા આ ફિલ્મમાં જ્યારે હોય ત્યારે કહેવું જ શું? સિદ્ધાર્થ રાંદેરીયાના ઘણા ચાહકો તો એવા છે જેને ફિલ્મ એક બે વાર નહીં પરંતુ અનેકવાર જોઈ છે. અમદાવાદમાં રહેતા એક ચાહક ફિલ્મને દર અઠવાડિયે એકવાર જોવા માટે જતા હતા. તેને એમ પણ જણાવ્યું કે આ ફિલ્મ ખરેખર જીવન બદલાનારી ફિલ્મ છે.

Image Source

જીવવાની એક નવી ઈચ્છા જગાવે છે: આ ફિલ્મ જોવા પાછળનું ખાસ કારણ એ છે કે મૃત્યુની પથારીએ પહોંચી ગયેલી વ્યક્તિ પણ જો આ ફિલ્મ જોઈ લે તો તેના જીવનમાં એક નવો ઉજાસ ભરાઈ જાય, જીવન જીવવા માટેની તેનામાં પણ ઈચ્છા જીવંત થઇ જાય. એટલી હદ સુધી આ ફિલ્મ હૃદયને સ્પર્શે છે. આ વાત અમે નથી જણાવતા પરંતુ પ્રેક્ષકોનો જાત અનુભવ છે, એક કેન્સરગ્રસ્ત છોકરીએ સિદ્ધાર્થ રાંદેરિયાને ફોન કરીને આ વાત જણાવી હતી, તેને જણાવ્યું હતું કે કેન્સરના દર્દથી તે ખુબ પીડાઈ રહી હતી, હસવું તો તેના માટે એક સ્વપ્ન સમાન બની ગયું હતું. પરંતુ જ્યારે તેને આ ફિલ્મ જોઈ ત્યારે તે દિલ ખોલીને હસી શકી અને તેનામાં પણ જીવવાનો એક નવો ઉત્સાહ આવી ગયો. એને આ ફિલ્મ માટે આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ છે “ચાલ જીવી લઈએ” ફિલ્મની તાકાત.

ઇતિહાસ સર્જનારી ફિલ્મ: ફિલ્મ વિશે વાત કરીએ તો “ચાલ જીવી લઈએ” કોકોનેટ મોશન પિક્ચર્સ દ્વારા રશ્મિન મજીઠિયાએ પ્રોડ્યુસ કરી છે. વિપુલ મહેતાએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ વર્ષ દરમિયાન લાગલગાટ 52 અઠવાડિયા સુધી સિનેમાઘરોમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સક્ષમ બની અને ગોલ્ડન જ્યુબિલી સુધી પહોંચી છે, ત્યારે આ ફિલ્મને એકવર્ષ પૂર્ણ થવાના એક મહિના પહેલા જ ફિલ્મને બીજીવાર રી-રિલીઝ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ ફિલ્મ દ્વારા ઘણા જ કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યા છે.

Image Source

ગુજરાતની બહાર પણ સફળ ફિલ્મ: બીજી એક ખાસ વાત એ છે કે આ ફિલ્મ માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ મુંબઈ જેવા શહેરમાં પણ લોકો જોવા માટે ગયા છે અને આપણા દેશ ઉપરાંત વિદેશોમાં પણ આ ફિલ્મને ખુબ ચાહના મળી છે. દરેક ઉંમરના લોકો માટે “ચાલ જીવી લઈએ” એક પ્રેરણાદાયક ફિલ્મ પુરવાર થઇ છે એમ કહેવામાં પણ કોઈ નવાઈ નથી.

સહપરિવાર માણવા લાયક ફિલ્મ: આ ફિલ્મ ખાસ એક પિતા પુત્રએ સાથે બેસીને જોવા જેવી ફિલ્મ છે. આ ફિલ્મ ખાસ તમારા માતાપિતાને અને માતાપિતાએ તેમના બાળકોને પણ બતાવવી જોઈએ, કારણ કે ફિલ્મ એ વાતોને તમારી સામે સ્પષ્ટ રીતે ઉજાગર કરી આપે છે જે વાતો તમે તમારા દિલના કોઈ ખૂણામાં દબાવીને બેઠા હોય. પરંતુ જયારે આ ફિલ્મ તમે જોઈને આવશો ત્યારે તમે એક નવી જ દુનિયામાં પહોંચી જશો, તમને પણ જીવવાનો એક નવો જ ઉમળકો જાગશે. સહપરિવાર સાથે ઘણા લોકોએ આ ફિલ્મને એકવાર નહિ પણ અનેકવાર માણી છે, એક જ દિવસમાં એક પરિવાર બીજી વખત પણ ફિલ્મ જોવા ગયા હોવાનું સામે આવ્યું છે.

Image Source

હૃદયસ્પર્શી સંગીત: આ ફિલ્મનું સંગીત સચિન-જીગર દ્વારા આપવામાં આવ્યું છે, ફિલ્મના ગીતો પણ હૈયામાં રોમાન્ચ જગાવે તેવા છે. એક બાપ-દીકરાની વાતને અભિવ્યક્ત કરતુ ગીત “પાપા પગલી” આંખોંની ભીનાશને પણ નોતરે છે તો “ચાંદને કહો” ગીત જુવાન હૈયાઓના તારને પણ ઝંઝણાવી દે છે. “તમે ઘણું જીવો” ગીત દરેક ઉંમરના વ્યક્તિમાં એક નવો ઉત્સાહ ભરી દે છે. સંગીતની દૃષ્ટિએ પણ આ ફિલ્મ ફરીવાર માણવા જેવી છે.

મનમોહક દૃશ્યો: આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ઉત્તરાખંડમાં થયેલું છે. ઉત્તરાખંડ એટલે ધરતીના સ્વર્ગ સમાન, અને આ સ્વર્ગને જો તમારે આંખો સામે જીવંત કરવું હોય તો “ચાલ જીવી લઈએ” શ્રેષ્ઠ રસ્તો છે. ફિલ્મમાં એવા એવા દૃશ્યો બતાવવામાં આવ્યા છે કે ઉત્તરાખંડમાં જઈને આવેલ વ્યક્તિએ પણ એ જગ્યાઓ નહિ જોઈ હોય, પરંતુ ફિલ્મમાં આ બધી જ જગ્યાઓને આહલાદક રીતે બતાવવામાં આવી છે. તમારી આંખોને આ દૃશ્યો ઠંડક આપે છે, આ ફિલ્મને તમે જેટલીવાર નિહાળશો એટલીવાર તમને તેમાંથી કંઈક નવું તમારી સામે બહાર આવશે.

વર્કોહોલિક વ્યક્તિઓ ખાસ જોવા જેવી: જે લોકો કામના ભારણમાં આખો દિવસ ડૂબેલા રહે છે, જેમના માટે પરિવાર તો દૂર પરંતુ પોતાના માટે પણ સમય નથી મળતો એવા લોકોએ ખાસ સમય કાઢી અને એકવાર તો આ ફિલ્મ જોવી જ જોઈએ. આ ફિલ્મમાં અભિનય કરનાર યશ સોની વર્કોહોલિક જ બતાવવામાં આવ્યો છે, પરંતુ તેના પિતા દ્વારા તેને કામના ભારણમાંથી મુક્ત કરી ઉત્તરાખંડના પ્રાકૃતિક વાતાવરણમાં લઈ જવામાં આવે છે અને ત્યાં અભિનેત્રી આરોહી સાથેની મુલાકાત અને આરોહીની અલ્લડતા તેમજ સિદ્ધાર્થ રાંદેરિયા સાથેની જુગલબંધી આ ફિલ્મમાં ઘણી જ મઝા આપી જાય છે. કામના ભારને જો તમે હળવું કરવા માંગતા હોય તો એકવાર સમય કાઢી અને આ ફિલ્મ જોઈ લેજો, ખરેખર તમારો દિવસ જ નહીં પરંતુ તમારું જીવન બની જશે.

Image Source

“ચાલ જીવી લઈએ” જોવા માટેના આ 10 કારણો પણ હજુ ઘણા ઓછા લાગે પરંતુ જયારે તમે આ ફિલ્મ જોવા જશો ત્યારે તમે પોતે જ જાણી શકશો કે કેટલી હદ સુધી આ ફિલ્મ શ્રેષ્ઠ છે, જે લોકોએ આ ફિલ્મને નિહાળી છે એ લોકોને પણ એકવાર જોવાનો તો સંતોષ નહિ જ થયો હોય એની પણ ગેરેન્ટી છે. જો તમે પણ બીજીવાર આ ફિલ્મને માણવા માંગતા હોય તો 31 જાન્યુઆરીથી આ ફિલ્મ તમારા નજીકના સિનેમાઘરોમાં નવેસરથી રિલીઝ થઈને આવી રહી છે, સાથે એમાં સિદ્ધાર્થ રાંદેરીયાના કેટલાક નવા ડાયલોગ પણ આવવાના છે, તો ચુકી ના જવાય…!!!

“ચાલ જીવી લઈએ…ફરી એકવાર જોઈ લઈએ…”

તમને આ પણ વાંચવું ગમશે “ચાલ જીવી લઈએ” એક અદભુત સફર, એક રોમાંચક અનુભવ, વાંચો કેવી રીતે સ્ફૂર્યા બીજ આ ફિલ્મના….