પતિ નથી, એ ઓફિસ નથી અને હવે ? જીવન વિતાવીને અંતે એકલી પડેલી સ્ત્રીની વેદનાસભર કહાની…..દરેકને આ ઉંમરે શું આવું જ અનુભવાતું હશે ? આપનો અભિપ્રાય કોમેંટમાં આપવાનું ભૂલતા નહી…

0

‘અહીં, બહેન અહીં.. અહીં આંગળી રાખી છે ત્‍યાં જ…‘ એકાઉન્‍ટન્‍ટે ચેકના કાઉન્‍ટરફોલિયા ઉપરથી આંગળી હટાવી લેતા કહ્યું : ‘એક ત્‍યાં અને એક આ રિસીપ્‍ટમાં…‘

‘સાધના વિનોદકુમાર દેસાઇ‘ ની સહી થઇ ગઇ અને તેતાલીસ હજાર બસ્‍સો ને પાંસઠ નો ચેક એકાઉન્‍ટન્‍ટે સાધનાને આપતા કહ્યું : ‘અમારા જોગું ગમે તે કામ હોય તો ગમે ત્‍યારે બેધડક કહેજો બહેન !‘ એકાઉન્‍ટન્‍ટ ચૌધરીની આંખોમાં ભીનાશ છવાઇ વળી અને સ્‍વરમાં ભાવુકતા : દેસાઇભાઇ સાથે તો… સતર સતર વરસનો સંબંધ ! હું અહીં હાજર થયેલો ત્‍યારે મેં પહેલવહેલી કોઇની ચા પીધી હોય તો.. સાચું કહું?… બસ, દેસાઇભાઇની ! એમણે જ મને… મારો હાથ પકડીને, આ જુઓ સામે દેખાયને એ વડલાવાળી અબ્‍બાસની હોટલે ચા પીવા લઇ ગયેલા. એ પછી આ ગામમાં મારા માટે દોડાદોડી કરીને મને ઘર ભાડે અપાવવામાં પણ દેસાઇભાઇ જ. બિલ ક્યારે વાઉચર બને એ પણ મને એમણે જ શિખવાડ્યું. આ અજાણ્યા ગામમાં મને તો કોણ ઓળખે ? પણ મારી પિન્‍કીને ફાલસીપારમ થઇ ગયેલો ને સિરિયસ હતી તો આખીરાત ખડેપગે ઊભા રહ્યા હોય તો એ ખુદ દેસાઇભાઇ જ એટલું જ નહીં મારી ના વચ્‍ચે સવારે ઘરે જવા નીકળ્યા ત્‍યારે મારા ખિસ્‍સામાં પાંચ હજારનું બંડલ નાખતા ગયા અને દર અડધી અડધી કલાકે દવાખાનાના ફોન ઉપર ફોન કરીને પીન્‍કીની તબિયતના સમાચાર પૂછતા રહ્યા. બાકી હું અને મારી પત્‍ની તો ડઘાઇ ગયેલાં કે અમદાવાદ સિવિલ હોસ્પ્‍િટલ ક્યારે પહોંચાશે ? તો પણ દેસાઇભાઇએ દવાખાના નીચે ટક્સી તૈયાર જ રાખેલી. પણ એમની ‘દુઆ ફળી‘ ને બીજે દિવસે સાંજ સુધીમાં તો મારી પિન્‍કી હસતી-રમતી થઇ ગઇ હતી ! અને હા બહેન… આ ચોમાસું આવે ત્‍યારે દેસાઇભાઇ અવશ્‍ય યાદ આવે. એ હોય તો તરત ગોટા મંગાવે… ગરમાગરમ ગોટા-ચટણીની જયાફતો ઊડે. હવે તો વરસાદ આવશે ત્‍યારે આવશે ફ્કત એમની યાદ… આમ દગો દઇ જશે એ અમનેય ખબર નહોત હોં કે બહેન…‘‘

સાધનાની આંખો પણ ભરાઇ આવી. કેમ? મન મગજને પૂછી રહ્યું : વીતી ગયેલા સુખની યાદથી, કે પછી આવનારા ભવિષ્‍યના ડરથી? કે પછી અહીં, આ બધા જ… હા, આ બધા જ એમની સાથે પંદર-પંદર સતર-સતર વર્ષથી નોકરી કરતા આવેલા સહકર્મચારીઓના ચહેરા જોવાથી ? તેમના હૃદયની વાતોની અભિવ્‍યક્તિથી ! કે તેમની લાગણીથી ?
દેસાઇ સાથેના આત્મિયતાભર્યા સબંધોથી ભરીભરી વાતો સાંભળવાથી ?

સાધનાથી અવશપણે સામેની લાઇનની ત્રીજી ખુરશી તરફ જોવાઇ ગયું. અવશપણે જ ?

ના, એ ત્‍યાં બેસતા. એ બેસતા ત્‍યારે આખા રૂમમાં રોનક છવાઇ જાતી. એમની હાજરી માત્ર ઓફીસમાં જીવંતતા લાવી દેતી હતી. પોતે એની રૂબરૂ સાક્ષી હતી. ઘરે બેસવા આવનાર એમના સાથી કર્મચારી કહેતા : ‘દેસાઇભાઇ તો હીરો છે હીરો.‘ માહિતી, પ્રોગ્રેસ રીપોર્ટ, થ્રી મંથલી, બજેટ, પ્રોજેક્ટની સ્‍લીપઓવર જવાબદારી, કોઇ પ્રોબલેમ કે ગુંચવાડો… દેસાઇભાઇ એકલેહાથે આ બધા પ્રશ્નોનું ફીંડલું વાળી દે એવો મરદ ! કન્‍સલ્‍ટ કલાર્ક ક્યાંક મૂંઝાતો હોય, આંકડાનો છેડો ન મળતો હોય, માહિતીના મોહપાશમાં બંધાયો હોય તો દેસાઇ એનું બાવડું પકડીને ઊભો કરે : ‘ચલ દોસ્‍ત, લેટ લીવ ઇટ કરી નાખું. એને તું છોડી દે. મને બધું સોંપી દે. હમણાં જ બધું અચ્‍યુતમ કેશવમ… કરી નાખું. હું પારકો છું? અરે, જરાક મને કહેતો હોય તો. મનમાં ને મનમાં શું કામ મુંઝાઇ મરો છો? આ દેસાઇ બેઠો છે હજી-‘‘

-પણ હવે દેસાઇ બેઠા નથી ! ત્‍યાં કોઇ નવો માણસ હાજર થયો છે. એ ન હોત તો દેસાઇ ત્‍યાં બેઠા હોત. સાધનાએ દ્રષ્ટિને વાળી લીધી : એમની જગ્‍યા ઉપર કોઇ અન્‍ય વ્‍યક્તિ બેઠી છે એ સાધનાથી ન જોઇ શકાયું. ભીતરમાં ઘમસાણ ઊઠ્યું. જોકે એને તો ક્યાં ખુરશી, ટેબલ કે હોદાની મમતા હતી જ? વાતવાતમાં એ કહેતા :ખુરશીનો મોહ કદી ન રાખવો. ખુરશી કોઇની થઇ નથી ને થવાની પણ નથી.‘‘

એમનો જુનિયર કારકુન કે કર્મચારી ક્યારેક એમની ખુરશી પર બેઠો હોય ને દેસાઇ બહારથી આવે, ત્‍યારે પેલો માન જાળવવા ઊભો થઇ જાય તો વિનોદ દેસાઇ એનો કોલર પકડીને પાછો બેસાડી દે : ‘‘ચલ બે છોરા બૈઠ જા કુર્સી પર, અરે બૈઠ ના.‘‘

‘‘અરે પણ તમે… ઊભા રહોને હું બેસું. બેડમેનર્સ.‘‘

‘‘મને માન આપો એની કરતા તમારા માવતરને માન આપજો. તો મને વધારે ખુશી થશે.‘‘ અને દેસાઇની આંખો ભીની બની જતી. આવો ભડભાદર ગમે ત્‍યારે મા-બાપની વાતો થતી હોય ત્‍યારે રડી પડતો. બી ફ્રેન્‍કલી. એમની આંખમાં ધરાઇ ધરાઇને આંસુ આવતા.

લગ્‍ન થયાં અને બાવીસ વર્ષ થવા આવ્‍યા છતાંય સાધના આ રહ‍સ્‍યને પકડી શકી નહોતી.
લગ્‍નના થોડાક દિવસો જ વીતેલા. ‘ને લગ્‍ન પછી તરતજ માઉન્‍ટ આબુ ફરવા ગયેલા. આ સાતમી કે આઠમી રાત હતી, સહજીવનની ! સગાઇતો ખાસ્‍સાં બે વર્ષ સુધી ચાલેલી. પણ એ દરમ્‍યાન એમનો જોશ, જુરસ્‍સો, ખમીર અને જાનફિશાની તો સાધનાએ પહેલી મુલાકાતમાં અનુભવી લીધેલાં. પણ એ રાત્રે – એ કાંઇ બન્‍યું નહોતું અને કાંઇ થયું પણ નહોતું.

એકાએક તેઓ ‘રાજસ્‍થાન પત્રિકા‘ નામનું છાપું વાંચતા-વાંચતા રડી પડેલા.

‘અરે પણ તમે… ‘ સાધના ગભરાઇ ઊઠેલી : ‘વોટ હેપન્‍ડ દેસાઇ ?‘

એ કશું બોલવા તૈયાર થયા નહોતા. હિબકાં શમી ગયેલાં સાધનાને લાગેલું, કોઇ ને કોઇ, ક્યાંય ને ક્યાંય પણ એવી ગેબી રગ હતી જે મા-બાપ વીશેના સંદર્ભે એમને વીવશ કરી દેતી…

-‘ લ્‍યો બહેન ચા પીઓ…‘

દેસાઇના જ હાથ નીચે તૈયાર થયેલો રાજુ આસરાણા, સાધનાને ચાનો કપ લંબાવતો હતો ‘ ચા પીઓ બહેન…..‘
સાધનાએ ઇન્‍કાર કર્યો તો સહુ કોઇ લાગણીથી કહી રહ્યાઃ

‘ ચા તો પીવી જ પડશે બહેન…‘ પણેથી ચૌધરીએ કહ્યુઃ ‘ તમે સાચુ નહી માનો પણ દેસાભાઇનું એક સૂત્ર એ પણ હતુ કે, કામની શરૂઆત ચા-પાણીથી કરો. અરે, તમારી ઓફિસમાં જાણીતાતો આવે પણ કોઇ અજાણ્‍યો માણસ કે અરજદાર આવ્‍યો હોય તોય એને ચા પિવડાવ્‍યા વગર પાછો ન જવા દેતા. તમને ખબર છે બહેન ? એમની ચાની નામાની ડાયરીમાં દર મહિને પાંચસો થી સાતસોનો આંકડો આવતો. ‘

સાધનાને આ બધી વાતો સાંભળતા સાંભળતા અનહદ સુખ ઉપજતુ હતુ. એ મનમાં ને મનમાં વિચારી રહી બસ…. રોજ આમ જ પોતે ઓફિસે આવીને બેસે… બેસી જ રહે… અને પોતાના સ્‍વર્ગસ્‍થ પતિની એમના મોજીલા સ્‍વભાવની, એમની દિલેરીની વાતો સાંભળતી જ રહે. સાંભળતી જ રહે…

આ ઓફિસ સાથેનું એટેચમેન્‍ટ પણ બાવીસ વરસથી હતુ ને ! નવી-નવી પરણીને અહીં આ શહેરમાં આવી. હુતો હુતી બે જણ. નવુનવુ ઘર શણગારવાનુ હતુ. બધુ ગોઠવવાનુ હતુ. પણ એ તો ફકત અઠવાડિયામાં જ ગોઠવાઇ ગયુ.

બસઘળુ. દેસાઇ તો આખો દિવસ ઓફિસે ચાલ્‍યા જાય. પોતે રહે ઘેર એકલી ! આડોશ પાડોશમાં જઇ આવે, કશુક વાંચે, રેડિયો સાંભળે કે ટીવી જુએ. પણ તોય સમય પસાર ન થાય. કંટાળી જાય, ત્‍યારે પોતાની આંખોમાં ગુસ્‍સો છવાઇ જાય. રાત્રે દેસાઇ આવે ત્‍યારે એમના ગાઢ આશ્લેષમાં સમાઇને ફરિયાદ કરતા કહેઃ ‘ વહેલા આવતા હોવ તો, મને એકલા એકલા ગમતુ નથી ! ‘

‘છાપાં, પુસ્‍તકો, સામયિકો…. વાંચતી હોય તો ! ‘

કેટલુક વાંચવુ ? વાંચી વાંચીને તો કંટાળો આવે.‘ ‘ તો પછી એક વાત કહુ ? ‘
‘ કહો ને ‘

‘ તુ જયારે કંટાળે ત્‍યારે ઓફિસે આવી જવાનુ. મારી સામે બેસવાનુ. બેગમસાહીબા સામે બેઠા હોય તો આ નાઝિનેય કાંઇક કામ ઉકલે. પછી આપણે બહાર ફરવા ચાલ્‍યા જઇશુ…! ‘

‘ ના હો, હું તમારી ઓફિસે નહી આવુ. ત્‍યાં તમારા સાહેબો હોય, તમારી સાથે જે લોકો નોકરી કરતા હોય… મને એ બધાની શરમ આવે‘

પણ તારે કયાં વજહેલા આવવાની જરૂર છે ? ઓફિસ અવર્સ બાદ આવવાનુ –

‘ ઓફિસ અવર્સ ‘ નો અર્થ તો નવ પરણેતર સાધના કયાંથી સમજે ? એટલે દેસાઇએ સમજાવ્‍યુઃ ઓફિસ અવર્સ એલે સાંજના છ ને દસ પછી, સમજયા ગોરી ?

એ પછી સાધના ઘણીવાર સાંજે છ-સાડા છએ આખરે કંટાળીને આવીને બેસતી અને વિનોદ દેસાઇ કામ આટોપતો. એ વખતે વિનોદ જુનીયર હતો પણ ટૂંકાગાળામાં એણે પ્રતિબદ્ધતા હાંસલ કરી લીધી. અને પછી તો વિનોદ દેસાઇથી ઓફિસ ચાલવા લાગી હતી. કદાચ-

સાધના ઘણીવાર કહેતીઃ ‘ દેસાઇ બહુ તૂટો નહી. તમને કોઇ સર્ટીફીકેટ નહી આપે કે નહી એવોર્ડ આપે ‘ ત્‍યારે દેસાઇ કહેતાઃ ‘ આખરે ઓફિસનું જ કામ છે ને ? ‘ મારુ હોય કે બીજાનુ. એક કર્મચારી મૂંઝાતો હોય ત્‍યારે એના વતી કામ કરી દઇએ તો એમાં મારુ શું બગડી જવાનું છે એ કહે ‘

…. પણ પછી બનશે એવુ કે બધાના ઢસરડા તમારે જ કરવા પડશે. એ બધા તો છટકી જવશે, જો જો ને…‘

‘ કોઇ નહી છટકે અને છટકે તો શેનાથી છટકે ? ‘ અહીંથી છટકવા જેવુ છે શું ? પેલો સંજુ, ચૌધરી, આસરાણા, અક્ષય પટેલ, ફર્નાન્‍ડીઝ કે પછી… નવો આવેલો નિર. બધા મારા નાના ભાઇઓ જ છે ! એ લોકો અમારા સાહેબ કહે તેમ નહી. હું કહુ એમ કરે છે અખતરો કરવો છે ?

‘ અખતરો આપોઆપ થઇ જશે. અખતરાનું ય અંજળ હોય છે.‘

આજે તેને લાગ્‍યુ કે પતિની વાત સાચી હતી. બધાએ તનતોડ મહેનત કરી હતી છતા પણ… છતાપણ…

તે દિવસે પોતાનાથી કેમ ગુસ્‍સે થઇ જવાયુ ? શું પોતે ભાન ભૂલી બેઠી હતી ?

સાધના અત્‍યારી વિચારી રહીઃ પોતાને એવુ વર્તન કરવુ જોઇતુ નહોતુ, અને આખરે… આખરે એ બધુ શું આ લોકોના હાથમાં જ હતુ ?

તે દિવસે પોતે સાહેબ ઉપર ગુસ્‍સે થઇ ગઇ હતી ‘ શું મારા પતિએ અહીં આટલા ઢસરડા કર્યા એનું ફળ મને આમ જ મળવાનું હતુ ? હું એમને સાચુ કહેતી હતી પણ તેઓ છેક સુધી માન્‍યા જ નહી. આ એક વરસ થવા આવ્‍યુ એમને ગયા ને. છતા… છતા પણ મને હજી કોઇ રકમ મળી નથી. મે એમને હજાર વાર કીધુ તુ કે રહેવા દો. નહી કોઇ તમને ટોકરો બંધાવી દે પણ…. ‘ અને એ ધ્રુસ્‍કે ધ્રુસ્‍કે રડી પડેલી.

અને સાહેબે પોતે આખા સ્‍ટાફને બોલાવીને સહુની આગળ હાથ જોડેલાઃ ‘ હું તમને વિનંતી કરુ છુ કે દેસાઇભાઇના જી.પી.એફ, ઇ.પી.એફ., ઇન્‍સ્‍યુરન્‍સ, રજા પગાર, બાકી પગાર, એરીયર્સ, પુરવણી, પેન્‍શન પેપાર જે કંઇ બાકી હોય તેના બીલો તાત્‍કાલિક મંજુર કરાવી દો. એક પૈસો જ નહી એક પાઇ પણ એમની અહીં બાકી લેણી નીકળતી રહેવી જોઇએ નહી. નહીંતર પછી હું તમારી સામે જ પગલા લઇશ ‘

‘ પણ સાહેબ….‘ ડેપ્‍યુટી એકાઉન્‍ટન્‍ટે કહ્યુઃ ‘ આપણુ બધુ જ સાહિત્‍ય સાધનિક કાગળો સાથે તૈયાર કરીને ઉપલી કચેરીએ મોકલ્‍યુ છે. ત્‍યાંથી મંજુર થઇને આવે ત્‍યારે થાય ને ? ‘

‘ …. તો પછી એ માટે તમે ખુદ જાવ. કદાચ ત્‍યાં આપણે કોઇને રાજીખુશીથી ચા, પાણી કે નાસ્‍તો કરાવવો પડે તો કરાવો. કોઇને બસ્‍સો-પાંચસો આપવા પડે તો આપી દો. એ પૈસા હું તમને આપી દઇશ પણ એની વે, ત્રીસ દિવસની મુદત આપુ છુ. ત્રીસ દિવસમાં મારે બધુ જ કમ્‍પ્‍લેઇટ જોઇએ. મારે બીજુ કશુ સાંભળવુ નથી. હવે હું મિસિસ દેસાઇની આંખના આંસુ જોઇ શકતો નથી. ડુ યુ અન્‍ડરસ્‍ટેન્‍ડ ? ‘ અને સાહેબે ચીસ પાડેલી.
સ્‍ટાફ ધ્રુજી ઉઠેલો.

સૌ સાધનાની આંખમાં તાકી રહેલા. સૌના ચહેરા પાર બસ એક જ ભાવ હતો. ઠપકાનો ભાવ ! મૂકપણે સૌ કહી રહ્યા હતાઃ તમે અમારી ફરીયાદ સાહેબને કરી ? શું તમને અમારામાં વિશ્વાસ નહોતો ? શું માત્ર સાથે નોકરી કરવા પૂરતો જ દેસાઇભાઇ સાથે અમારે સબંધ હતો ? બીજુ કાંઇ નહી ? અરે… અમે તમારા ઘેર બેસવા આવતા તો દેસાઇભાઇ કેવા ગદગદ થઇ જતા ? પણ હા, હવે સમજાય છે. સબંધ તો અમારે માત્ર તેમની સાથે જ હતો ને ?
એ ગયા તો સબંધ પણ જાણે તેમની સાથે જ ગયો.

પણ… ના ! સૌના ચહેરા પર વંચાયુ હતુઃ દેસાઇભાઇને અમે કયારેય ભૂલી શકીશુ નહી. એ રસ્‍તો ભૂલી ગયેલા મુસાફર માટે રસ્‍તો ચીંધનારી આંગળી હતા. થાકયાનો વિસામો હતા. બેઘર માટેનો આશરો હતા.

અરે ! અમારા મિત્ર હતા. હમદર્દ હતા. એ સઘળું ભૂલીને તમે અમારી ફરીયાદ ?
ચેક હાથમાં ફફડતો હતો. અને વિચારોના ચાકડા પર બેઠેલુ પોતાનુ મન કેટલાય રમકડા બનાવતુ હતુ.

‘ ચેક લઇ લીધોને બહેન ? ‘

અચાનક ચેમ્‍બરમાંથી બહાર નીકળેલા ચીફ એકાઉન્‍ટન્‍ટે સાધનાને પૂછ્યુ.

‘ હા… હા…‘ કરતી સાધના ખુરશી ઉપરથી ઉભી થઇ ગઇ.

‘ અરે, બેસો બહેન બેસો. કરતા ચીફ એકાઉન્‍ટન્‍ટે સ્‍વજન જેવુ સ્મિત કર્યુ. બધુ ધીરેધીરે સેટ થતચુ જશે. ચિંતા ન કરશો. મારા જેવુ કોઇ કામકાજ હોય તો વિના સંકોચે કહેવરાવજો. દેસાઇભાઇની હયાતી નથી તો સબંધો પુરા નથી થઇ ગયા, બહેન. અમે તમારા ભાઇઓ જ છીએ. મૂંઝાશો નહી ‘
એ ભાવાદ્ર બની રહી.

દસેક મીનીટ પછી ઉભી થઇ.

‘ તમે…‘ ચૌધરીએ વાકય અધૂરુ છોડ્યુઃ થોડીક વાર અટકી, કશુંક ગોઠવીને, વિચારીને બોલ્‍યોઃ એક કામ કરશો ? તમે… સાહેબને મળતા જજો. એટલે… એટલે બીજુ કાંઇ નહી પણ એમને સારુ લાગે.

‘ હા…‘ કહેતી એ સાહેબની ચેમ્‍બરમાં ગઇ. સાહેબે આવકાર આપ્‍યો આવો બહેન…

‘હા‘

‘ બધુ પુરૂ ને ? ‘

‘હા‘

‘ હવે કશુ બાકી નથી ને ? ‘

‘ ના સાહેબ.‘

‘ તો બસ… ‘ સાહેબ પળ બે પળ સાધનાની આંખોમાં તાકી રહ્યા. પછી કહે, ‘ હું હજી હમણા જ ટ્રાન્‍સફર થઇને આવ્‍યો. ચારપાંચ મહિના થયા. દેસાઇભાઇ સાથે ભલે કામ કરવા નથી મળ્યુ પણ એમના વિશેની વાતો મે સાંભળી છે. એ નાતેય મને તમારા પ્રત્‍યે સહાનુભુતિ છે. તમે અહીં આવ્‍યા મને રજુઆત કર્યા પછી ત્રીસ દિવસની અંદર તમારી બાકીની રકમો પૂરે પૂરી ચુકવી આપવાનો મે નિશ્ચય કરેલો અને એ નિશ્ચય પૂરો કરી શકયો છુ ? એનો મને આનંદ છે. તમને રકમ તો બધી ધીરેધીરે મળી ગઇ ને ? ‘

‘હા‘

‘ … તો બસ, એટલુ જ કહેવુ હતુ. હવે તમારે એ માટે અહીં નહી આવવુ પડે. હું છુટ્ટો તમે પણ મુકત !‘
પોતે કશુ બોલી શકી નહી.

પતિની ત્રરણ માળની બિલ્‍ડીંગવાળી કચેરીની બહાર નીકળતા આંસુભરી આંખે પાછુ વળીને બિલ્‍ડીંગને તાકી રહી. સાહેબ સાચુ કહેતા હતા. કદાચ કે હવે. અહીં આવવુ નહી પડે. પોતે ખરેખર મુકત થઇ ગઇ હતી.

જે કચેરીના કમ્‍પાઉન્‍ડમાં આ જ ઓટલે બેઠાબેઠા પતિની રાહ જોઇ હતી. અને અહીંથી સીધા હોટેલમાં જમવા જવાનું થતુ. ફરવા જવાનુ થતુ.. પિકચર જોવા જવાનુ થતુ એ ઓટલે એકવાર બેસીને…
પણ હવે કોની રાહ હતી ? દેસાઇ થોડા આવવાના હતા ?

એ ઓટલા પાસે આવી ઉભી અટકી અને પછી…

એ દેસાઇને ઘણીવાર કહેતીઃ ‘ આ ઓટલે બેસીને તમારી રાહ જોવાનુ ખૂબ ગમે. આજે એ ઓટલો અર્ધનિમિલિત આંખે તેની સામે તાકી રહ્યો હતો. ‘

તેને થયુઃ બે – પાંચ હજાર પૂરતી રકમેય દેસાઇની બાકી રહી હોત તો એ નિમિત્તે કયારેક તો અહીં, આ ોટલે આવીને … પણ, હવે… તો….

લેખક : યોગેશ પંડ્યા

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here