સુપર કોમ્પ્યુટર એટલે શું?તેની કિંમત કેટલી હોય છે?જાણો એકદમ રોચક વાત

0

સુપર કોમ્પ્યુટરની વાતો અથવા આવો શબ્દ તો લગભગ બધાંએ સાંભળ્યો જ હશે. પણ સુપર કોમ્પ્યુટર એટલે શું? એ કઈ રીતે કાર્ય કરે છે? કેવડુંક હોય છે અને એની કિંમત કેટલી હોય છે? – આવા બધાં સવાલો જાણવાની ઇચ્છા કદી થઈ છે ખરી? ચોક્કસ! આવી વાતો જાણવાની ઇચ્છા કોને ન થાય? ચાલો આજે એકદમ સરળતાથી સુપર કોમ્પ્યુટર વિશે એ માહિતી જણાવી દઈએ જે તમારે જાણવી ખરેખર જરૂરી છે. હાં, આ વાતો રોચક પણ એટલી જ છે. ચાલો જાણીએ ત્યારે__ સુપર કોમ્પ્યુટર એટલે શું? –
આપણી પાસે જે કોમ્પ્યુટર હોય છે એને સામાન્ય કોમ્પ્યુટર કહેવાય છે. તમારું પ્રાઇવેટ કોમ્પ્યુટર કે તમારી ઓફિસોમાં વપરાતાં કોમ્પ્યુટર ભલે ગમે તેટલી વધારે ઇન્ટરનલ મેમરી ધરાવતા હોય, જબરદસ્ત ઓપરેટીંગ સિસ્ટમથી સજ્જ હોય, કોઈ પણ સોફ્ટવેર કે પ્રોગામને કોઈ પણ વિઘ્ન વગર ફટાફટ રન કરવાને સક્ષમ હોય પણ એ કદી સુપર કોમ્પ્યુટર ના કહેવાય!

સુપર કોમ્પ્યુટર તો ત્યારે બને કે જ્યારે તમે તમારા બત્રીસ લક્ષણા કોમ્પ્યુટર જેવાં બે-ત્રણ કે દસ લાખ કોમ્પ્યુટર ભેગાં કરો! સુપર કોમ્પ્યુટરની શક્તિઓ વિશે વાંચીને આપણી અક્કલ કામ કરતી બંધ થઈ જાય એવું પણ બને. એક સુપર કોમ્પ્યુટર એટલે પંદર-વીસ વીઘામાં ફેલાયેલો  પાવર પ્લાન્ટ! એમાં હજારો પ્રોસેસર હોય, જે દરેક કાર્યને સમાંતર પ્રોસેસિંગના સિધ્ધાંત પર દરેક કાર્યને ભાગપડતું વહેંચી લે છે. એક સુપર કોમ્પ્યુટરના સંચાલન માટે એક મોટો સ્ટાફ જોઈએ. એને ઠંડું રાખવા માટે કંઈક તરકીબો અજમાવવી પડે છે.

કેવી રીતે કાર્ય કરે છે ? –
આગળ કહ્યું તેમ સુપર કોમ્પ્યુટર અનેક માઇક્રો પ્રોસેર ધરાવે છે અને Parallel Processing અર્થાત્ સમાંતર પ્રસંસ્કરણના સિધ્ધાંત પર કાર્ય કરે છે. બધાં પ્રોસેસર કોઈ એક કાર્યને વહેંચી અને ઝડપી ગતિથી કાર્યપ્રગતિ કરે છે. આ કોમ્પ્યુટરનો ઉપયોગ કોઈ વિશાળ ગણતરીઓને ઝપટથી અને ચોક્કસાઈથી પતાવવા માટે થાય છે. જ્યારે ઓછાં સમયમાં હજારોની અટપટી ગણતરીઓ કરવાની હોય ત્યારે આનો ઉપયોગ થાય છે.

સામાન્ય કોમ્પ્યુટરની કાર્ય કરવાની ઝડપ MIPS(Million Intruductipns per Second)માં મપાય છે, જ્યારે સુપર કોમ્પ્યુટરની ઝડપ FLOPS(Floating Points Operation per Second)માં માપવામાં આવે છે. ત્યારે વિશ્વના સૌથી શક્તિશાળી સુપર કોમ્પ્યુટરની ઝડપ ૯૩.૮૧ Peta FLOPS/S જેટલી છે.આપણા કોમ્પ્યુટરમાં વપરાતી વિન્ડોઝની ઓપરેટીંગ સિસ્ટમો અહીં ચાલતી નથી. સુપર કોમ્પ્યુટરમાં Linuxની હેવીલી કસ્ટમાઇઝ્ડ ઓપરેટીંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે. જો કે, અમુક બીજી પણ ઓપરેટીંગ સિસ્ટમ વપરાય છે પણ Linux મુખ્ય છે.

૧૫ મેગાવોટ જેટલો પાવર સપ્લાય સુપર કોમ્પ્યુટરને જોઈએ છે. એટલે કે, એક નાનકડા નગરના બલ્બ, પંખા, લાઇટચુલા, ફ્રિજ, ટીવી ને ઘરઘંટીઓ ચાલી જાય એટલી વિજળી એક સુપર કોમ્પ્યુટર ઓહીંયા કરી જાય છે! જો કે, એ પ્રમાણે એ કામ પણ આપે છે.

અત્યારે વિશ્વનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર –
અહીં દબદબો ચીનનો છે. Sunway Taihulight-2 નામનું સુપર કોમ્પ્યુટર વિશ્વનું સૌથી ઝડપી કોમ્પ્યુટર છે. ઉપર પાવર અને ઝડપના આંકડા આપ્યા તે આના જ છે. બીજા નંબર પર પણ ચીનનું જ Tianhe-2 નામનું સુપર કોમ્પ્યુટર આવે છે. એક વાત જાણો : ૨૦૦૧માં દુનિયાભરના સુપર કોમ્પ્યુટરની લીસ્ટ તૈયાર થઈ એ વખતે ચીન ક્યાંય પણ આ યાદીમાં નહોતું. આજે જ્યારે યાદી તૈયાર થાય છે તો વિશ્વના ૫૦૦ સુપર કોમ્પ્યુટરમાંથી એકલાં ચીનના જ પોણા બસો જેટલાં છે! આ દેશની ટેક્નોલોજી કેટલી હદે વિરાટ બની રહી છે તેનો સામાન્ય અંદાજ આવી શકે છે ઉપરની બાબત પરથી.

ને ભારતમાં –
ભારત પણ ટેક્નોલોજી ક્ષેત્રે પોતાનો માર્ગ મજબૂત કરી રહ્યું છે. હાલના ભારતના સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટરનું નામ આપવું હોય તો એ છે – પ્રત્યૂષ (Cray XC40); પુણેના ભારતીય ઉષ્ણ કટિબંધીય મોસમ વિજ્ઞાન સંસ્થાન(IITM) ખાતે આવેલું છે. ૮ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી ડો.હર્ષવર્ધનના હાથે તેમનું ઉદ્ઘાટન થયેલું. બહુ પ્રખ્યાત એવી પરમ સિરીઝના સુપર કોમ્પ્યુટરમાં હાલ સૌથી લેટેસ્ટ ‘પરમ ઇશાન’ છે. આ ઉપરાંત ભારતના ખ્યાતનામ સુપર કોમ્પ્યુટરના નામ પણ જાણી લો : મિહીર, InC1, SERC, iDataplex અને પરમ શ્રૃંખલાના કોમ્પ્યુટર.

શું કામ આવે છે? –
સ્વાભાવિક છે કે, ગેમો રમવા માટે તો આ કોમ્પ્યુટર નહી વપરાતા હોય! આ કોમ્પ્યુટરનો ઉપયોગ મુખ્યત્વે મોસમ વિજ્ઞાન વિભાગ, ક્વોન્ટમ મિકેનિક્સ, અણુવિજ્ઞાન સંસ્થાન, કુદરતી ખનીજસ્ત્રોતોની શોધ, અવકાશ સંશોધન, જીનેટીક્સ રિસર્ચ જેવાં ક્ષેત્રોમાં થાય છે.
સુપર કોમ્પ્યુટરથી માનવજાતને ઘણાં ફાયદા થયાં છે. શરીર ચિકીત્સાથી લઈને બ્રહ્માંડના રહસ્યોનો તાગ મેળવવા માટે તેમનો વપરાશ થાય છે.

કેટલાંમાં પડે? –
સુપર કોમ્પ્યુટરની અંદાજીત કિંમત ચૌદ લાખ રૂપિયા જેટલી છે (૨૦,૦૦૦ અમેરીકન ડોલર)! પણ એ એમ બધાંને મળે નહી. એની શક્તિઓ જોતા એમ કહી શકાય કે, એ રાખવું એટલે ખતરનાક શસ્ત્ર સંઘરવું! અર્થાત્ સુપર કોમ્પ્યુટર સરળતાથી ખરીદી શકાય નહી કે આપવામાં આવે પણ નહી. શક્તિશાળી સુપર કોમ્પ્યુટરની કિંમત તો ૩૦૦ મિલિયન ડોલર જેટલી પણ હોય છે!

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here