વસુંધરા – એક અવનવી પ્રેમકથા.. તમારા હૃદય સુધી પહોંચી જાય એવી સ્ટોરી.. જરૂર વાંચજો

0

સડસડાટ પોતાનું એકટીવા લઈને વસુંધરા રીંગરોડ ઉપર ચાલી નીકળી, માથે હેલ્મેટ પહેરેલું હતું, કાનમાં ઈયર ફોન અને એના રેશમી વાળ ખભા ઉપર લહેરાઈ રહ્યા હતાં, આવતા મહીને સુમિત લંડનથી આવી રહ્યો હતો, સુમિત સાથે થોડા જ સમયમાં લગ્ન જીવનની શરૂઆત કરવાની હતી. આજે સવારે જ સુમિતના પપ્પા એ લગ્નનું મૂહુર્ત જોવડાવ્યું અને સુમિત સાથે ફોનમાં વાત થઇ હતી. એજ ખુશીમાં આજે એકટીવાની સ્પીડ પણ થોડી વધી ગઈ હતી, વસુંધરા તો આકાશમાં ઉડવા માંગતી હતી પણ એકટીવાને પાંખો નહોતી.

મીઠાઈ લેવા માટે એક દુકાને એકટીવા ઉભું કર્યું, ખુશીના સમાચાર હતાં તો પોતાની ઓફિસમાં મીઠાઈ તો વહેચવી જ પડે ! મીઠાઈ લઇ એસ.જી. હાઇવે પર આવેલી પોતાની ઓફીસ જવા માટે રવાના થઇ. ઘરેથી ઓફીસ ૧૫ કી.મી. ના અંતરે હતી અને એકટીવાની ડેકીમાં પડેલી મીઠાઈ પણ જાણે વસુંધરાના હાથનો સ્પર્શ અને ગ્રહણ કરનારા વ્યક્તિના મોઢા સુધી પહોંચવા કુદકા મારી રહી હતી માટે વસુંધરા એકટીવાની સ્પીડ વધારવા લાગી. પાછળથી એક કાર હોર્ન મારી રહી હતી પણ વસુંધરા કાનમાં વાગતા રોમાન્ટિક સંગીતમાં એવી ખોવાઈ ગઈ કે એને એ હોર્ન સંભળાયા જ નહિ. કાર ચાલકે હળવેકથી બાજુમાં રહીને કાર કાઢી લીધી અને વસુંધરા ના એકટીવા પાસે પહોંચતા ગ્લાસ ખોલી બે શબ્દો કહેવા લાગ્યો, વસુંધરાની નજર એ કાર ચાલક ઉપર ગઈ, અને હાથ હલાવી કંઈક ઈશારામાં કહેવાનો પ્રયત્ન પણ કર્યો, પણ એ તરફ ધ્યાન કેન્દ્રિત કરવા જતાં જ રસ્તામાં એક કુતરું એકટીવાની આગળ આવી ગયું અને વસુંધરા ઉછળીને રોડ પર પટકાઈ, એકટીવા પણ રોડ ઉપર ઘસડાઈ અને દૂર ફંગોળાયું.. પાછળથી આવતી એક કાર નીચે વસુંધરાના બંને પગ કચડાઈ ગયા…

હોસ્પીટલમાં આંખ ખુલી, સામે એના મમ્મી પપ્પા ઉભા હતાં, જાણે કોઈ સ્વપ્ન જોઇને ઉઠી હોય એમ વસુંધરાની આંખો
બધાને તાકી રહી હતી, એ એક્સીડેન્ટ બાદ એને તો એવું જ હતું કે લાઈફ અહીંયા ફૂલ સ્ટોપ મૂકી દેશે. પણ જીવન હજુ બાકી હતું, એની મમ્મી પાસે આવી, માથે હાથ ફેરવ્યો, અને રડવા લાગી. પિતાની આંખોમાં પણ ઝળઝળિયાં આવી ગયા હતાં, વસુંધરાએ મમ્મી ને પૂછ્યું : “કેમ તમે બધા રડો છો, હું સાજી સમી છું. તમારે તો ખુશ થવું જોઈએ કે હું બચી ગઈ, નહિ તો આજે હું હોત જ નહિ” વસુંધરાની આ વાત સાંભળી એની મમ્મીના આંખોના આંસુ વધારે તીવ્ર બન્યા અને એના પપ્પા રૂમ છોડી બહાર જ ચાલ્યા ગયા. એમનાથી વસુંધરા સામે રડી શકાયું નહિ. ડોક્ટર પણ એજ સમયે રૂમમાં પ્રવેશ્યા અને વસુંધરાને જોતા કહ્યું કે : “હવે એ ભાનમાં આવી ગઈ છે તમે ઈચ્છો તો એને ઘરે લઇ જઈ શકો છો. હા પણ એની સાથે એક જણ ને ચોવીસ કલાક રહેવું પડશે, અને વ્હીલચેર લેવા માટે હું તમને એક એડ્રેસ આપું ત્યાં તમને સારી મળી રહેશે.” આટલું કહી ડોક્ટર બહાર નીકળી ગયા. પણ ડોક્ટરની આટલી વાત વસુંધરાને પ્રશ્ન પૂછવા મજબુર કરી ગઈ. “મમ્મી આ ડોકટરે વ્હીલચેર કેમ કહ્યું ?” એની મમ્મી જવાબ આપવાને બદલે વધારે રડવા
લાગી. જવાબ આપવા એની પાસે શબ્દો તો હતાં પણ એવું કાળજું નહોતું કે હોઠ સુધી એ વાતને લાવી શકે. પાંચ દિવસ સુધી જે દીકરીને એક જીવતી લાશની જેમ પથારીએ પડેલી જોઈ હતી અને આજે એજ દીકરી એવું માની રહી છે કે કંઈ થયું જ નથી.. જવાબ આપવો મુશ્કેલ હતો પણ જવાબ તો આપવો જ પડશે ને….! એની મમ્મી એ હૈયું મક્કમ કરતાં કહ્યું કે, “બેટા હવે તું પહેલાંની જેમ ચાલી નહિ શકે. તારું એકટીવા તું ક્યારેય નહિ ફેરવી શકે.” આટલું બોલતાની સાથે તો એની મમ્મીની આંખો ચોધાર આંસુ એ વહેવા લાગી. વસુંધરા કંઈ વિચારી શકતી નહોતી, એણે તરત પોતાના પગ ઉપર રહેલી ચાદર હટાવી અને જોયું તો પોતાના બંને પગ દેખાયા જ નહિ અને એક ચીસ પાડી, પાસે બેસેલી પોતાની મમ્મીને વળગી ધ્રુસકે ધ્રુસકે રડી ઉઠી. એની મમ્મીએ એને શાંત કરી અને માથે હાથ ફેરવ્યો.

વસુંધરા થોડી હળવી બની અને તરત મમ્મી ને પૂછ્યું : “સુમિતને આ વાતની ખબર છે?” એની મમ્મી એ કહ્યું : “ના
કોઈને હજુ જાણ નથી કરી, પણ, તારા એક્સીડેન્ટની ખબર સુમિતના પપ્પા સુધી પહોંચી ગઈ છે, પણ હજુ એમનો કોઈ ફોન આવ્યો નથી?” વસુંધરા : “તો સુમિત પણ જાણતો જ હશે આ વાત, એણે મને ફોન કર્યા હશે ? પણ મારો ફોન………?????? એની મમ્મી એ જવાબ આપતા કહ્યું : “તારો ફોન તો એક્સીડેન્ટ થયો ત્યાં જ ડેમેજ થઇ ગયો હતો. અને સુમિતને જાણ થઇ હોય તો પણ શું, હવે એ તારી સાથે લગ્ન નહિ કરી શકે ને!!” વસુંધરા એક નિસાસા સાથે પોતાના પગ તરફ જોઈ અને કહેવા લાગી “હા, હવે મારે જ સમજવું જોઈએ. હવે હું પહેલા જેવી નથી રહી. હવે હું કોઈની લાઈફ ખરાબ ના કરી શકું.” વસુંધરા એ મનોમન હવે સુમિતને કહ્યા વગર સુમિતથી દૂર રહેવાનું વિચારી લીધું.

હોસ્પીટલનું બીલ ભરી વસુંધરાના પપ્પા પણ આવી ગયા અને એને ઘરે લઇ ગયા. વસુંધરા એ પપ્પા પાસે નવો ફોન
માંગ્યો અને નવો નંબર પણ, કારણ કે જૂનો નંબર સુમિત પાસે હતો અને હવે સુમિતથી એ દૂર રહેવા માંગતી હતી. રાત્રે વસુંધરા એ ફેસબુકમાં નવું આઈડી બનાવ્યું અને એ પણ એક અલગ નામ થી અને સુમિતની પ્રોફાઈલને ફોલો કરવા લાગી. થોડા દિવસમાં સુમિતે અપડેટ કર્યું “Going to India” થોડા મિત્રોની કોમેન્ટ પણ હતી એમાં “કેમ” જવાબમાં સુમિતે રીપ્લાય આપ્યો, “For wedding” વસુંધરા સમજી ગઈ કે “એના પપ્પાએ બીજી છોકરી શોધી લીધી હશે. અને એ મેરેજ કરવા માટે તો આવવાનો હતો. સારું થયું એને કોઈ છોકરી તો મળી ગઈ.” એ દિવસ પછી વસુંધરા એ સુમિતને ફોલો કરવાનું બધ કરી દીધું.

સુમિત ઇન્ડિયા આવી ગયો અને પોતાના ઘરે જવાના બદલે સીધો કાર લઇ વસુંધરાના ઘરે પહોંચી ગયો. ડોર બેલનો અવાજ સાંભળતા વસુંધરાની મમ્મી દરવાજો ખોલવા ગઈ. વસુંધરા એના રૂમમાં જ હતી. સુમિત એના મમ્મીને પગે લાગી અને પૂછવા લાગ્યો કે વસુંધરા ક્યાં છે ? વસુંધરાની મમ્મી આશ્ચર્યમાં પડી : “શું સુમિતને વસુંધરાના અકસ્માત વિષે ખબર નહિ હોય ??” અને પૂછી પણ લીધું .. “બેટા, તને કઈ ખબર નથી.”સુમિત : “મમ્મી, હું બધું જાણું છું, પણ પહેલા મારે વસુંધરાને જોવી છે.. ક્યાં છે એ ???” વસુંધરાની મમ્મી એ રૂમનો ઈશારો કરતા સુમિત દોડીને રૂમ પાસે જઈ અને ઊભો રહ્યો, વસુંધરા એ સમયે સુમિત સાથેના પોતાના ફોટા જોઈ રહી હતી, એની આંખમાં આંસુ હતાં. અચાનક દરવાજા પાસે ઊભેલા સુમિતને જોઈ વસુંધરા એકદમ ચોંકી પડી !! અને બોલી ઉઠી : “સુમિત તું ??” સુમિત એકપણ શબ્દ બોલ્યા વગર વસુંધરાના બેડ પાસે જઈ, એને પોતાની બાહોમાં ભરી લઈ અને રડવા લાગ્યો, વસુંધરાની મમ્મી પણ દરવાજા પાસે ઉભી રહી આ દૃશ્ય જોઈ રડવા લાગી. સુમિત થોડો હળવો બની અને એની મમ્મી ને કહેવા લાગ્યો “ મમ્મી, તમે હજુ સુધી લગ્નની કોઈ તૈયારી નથી કરી ? હવે માત્ર ૧૫ દિવસ બાકી છે લગ્નના. અમે જાન
લઈને આવી જઈશું, અમને તકલીફ તો નહિ પડે ને ??” સુમિતની આ વાત સાંભળી વસુંધરા અને એની મમ્મી બંને વિચારમાં પડી ગયા કે “સુમિત વસુંધરાને આ હાલતમાં જોઇને પણ લગ્ન કરવા માટે તૈયાર છે ??” સુમિતે બંને સામું જોતા જ જવાબ આપી દીધો કે “તમે આમ ના જોઈ રહો, શું થયું જો વસુંધરાના પગ નથી રહ્યા ??? લગ્ન પછી પણ જો કોઈ અકસ્માત થયો હોત તો ?? અને મને જયારે વસુંધરા મળી ત્યારે જ મેં એની સાથે જિંદગી વિતાવવાનું નક્કી કર્યું હતું.” વસુંધરાની મમ્મી એ વચ્ચે રોકતા પૂછી લીધું :
“શું તારા મમ્મી પપ્પા તારી સાથે સંમત થશે ?” સુમિત : “એ મારી જવાબદારી છે, અને હું મારા પગ પર ઊભો છું. જો આ સમયે હું વસુંધરાને સાથ નહી આપું તો કોણ આપશે ? અને મારે ક્યાં આખી લાઈફ એમની સાથે રહેવાનું છે ? મેરેજ પછી હું અને વસુંધરા લંડન ચલ્યા જઈશું જ્યાં અમારા બંને ની એક અલગ જ દુનિયા હશે.” સુમિતની વાતો સાંભળી જાણે વસુંધરામાં એક નવો જીવ નિર્માણ થવા લાગ્યો અને એની આંખોની ચમક વધી ગઈ. સુમિત વિદાય લેતા લેતા પણ કહેતો ગયો કે “ પંદર દિવસ પછી હું આવું છું વસુંધરાને લેવા માટે”

સુમિતના ગયા બાદ ઘરમાં એક ખુશીનું વાતાવરણ છલકી ઉઠ્યું, સાંજે ઓફીસથી પાછા આવેલા એના પપ્પા ને પણ
સમાચાર સાંભળી ઘણો આનંદ થયો. બરાબર પંદર દિવસ પછી જાન માંડવે આવી પહોંચી અને સુમિત અને વસુંધરા ખુશીના રંગે રંગાવવા લાગ્યા. આજનો દિવસ વસુંધરા માટે ખુબ જ ખુશીનો હતો. સુમિત વસુંધરાને ઊંચકી અને ચોરી ના ફેરા ફર્યો. ચોરીમાં જાણે સાક્ષાત બ્રહ્માંડમાંથી પુષ્પવર્ષા થઇ રહી હોય એમ લાગી રહ્યું હતું…

લે. નીરવ પટેલ “શ્યામ”
દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here