વાંચો એ વ્યક્તિ વિશે જેને આજના દિવસે ચીર વિદાય લીધી હતી..સરદાર વલ્લભભાઈ પટેલ – ક્લિક કરી વાંચો

0

આજે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 67મી પુણ્યતિથિ છે. 15મી ડિસેમ્બર 1950ના દિવસે સરદાર પટેલે આ જગતમાંથી વિદાય લીધી ત્યારે આખું ભારત હિબકે ચડેલું અને રાષ્ટપતિ સહિતના તમામ નેતાઓ પ્રોટોકોલને એકબાજુ મૂકીને સરદારને અંજલિ આપવા મુંબઇ પહોંચી ગયેલા. સરદાર પ્રત્યે સૌને અનહદ સ્નેહ હતો કારણકે સરદાર ત્યાગ અને સમપર્ણની મૂર્તિ હતા. સરદારની રાષ્ટ્રભક્તિ વિશે જેટલી વાતો કરીએ એટલી ઓછી પડે પણ આજે એક બીજી મહત્વની વાત કરવી છે.

આજે સવારે જુદા જુદા છાપાઓ જોયા અને એક આંચકો લાગ્યો. એકપણ છાપામાં કોઈ નેતા, સંસ્થા કે વ્યક્તિએ સરદાર સાહેબને એની પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ નથી પાઠવી. સોશ્યલ મીડિયામાં પણ જોયું તો એકાદ અપવાદને બાદ કરતા કોઈ નેતા કે સાહિત્યકારે સરદાર સાહેબને યાદ કર્યા નથી. જે માણસે પોતાનું તન, મન, ધન દેશને અર્પણ કરી દીધું એ માણસને આપણે યાદ કરવાનું ભૂલી ગયા.

કદાચ બાકીના લોકો સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપવાનું ભૂલી જાય એ સમજ્યા પણ જેમણે ચૂંટણીમાં સરદારના નામને ખૂબ વટાવ્યું એવા કોઈ નેતા કે સંસ્થાને પણ સરદાર યાદ ના આવ્યા. બસ સરદાર ખાલી ચૂંટણી પૂરતા જ હતા ? એટલું પાક્કું કે આ નપાવટોના શબ્દોમાં જ સરદાર હતા જો શબ્દોની સાથે હૃદયમાં પણ સરદાર હોત તો આજે અવશ્ય યાદ આવ્યા હોત. “જય સરદાર”ના બુલંદ નારાઓ આજના દિવસે શાંત થઇ ગયા એની પીડા થાય છે.

બીજું તો ઠીક જે સરદારનું નામ લઈને પાટીદારો રાડો પાડતા એનો અવાજ પણ આજે રાડો પાડવાના દિવસે શાંત થઇ ગયો. એકપણ પાટીદાર સંસ્થાએ કે પાટીદાર નેતાએ આજે સરદારને છાપામાં શ્રદ્ધાંજલિ આપવાની તસદી નથી લીધી. જ્યાં જરૂર નથી હોતી ત્યાં પાનાઓ ભરી ભરીને જાહેરાતો આપી છાપાઓને લાખોની કમાણી કરાવતા પાટીદારો સરદાર માટે એક પૈસો પણ ના ખર્ચી શક્યા ! છે ને ગજબનું આશ્વર્ય ?

કોઈને એની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપવી કે કેમ એ દરેકનો અંગત વિચાર છે પણ સરદાર જેવું વિરાટ વ્યક્તિત્વ સાવ વિસરાઈ જાય એનો વસવસો તો ખૂબ રહે ! જે માણસ ભારતના નાયબ વડાપ્રધાન તરીકે અને ગૃહપ્રધાન તરીકે કામ કરી ચૂક્યો હોય છતાં જેના નામે જમીનનો નાનો ટુકડો પણ. ના હોય એવો ઓલિયો આજના દિવસે યાદ ના આવે તો બળતરા તો થાય જ એ સ્વાભાવિક છે. જો કે સરદારને તો પોતાના નામનું ભજન કરાવવાની બિલકુલ ઈચ્છા નહોતી અને એટલે જ એમણે પહેલેથી કહી રાખેલું કે મારા અવસાન પછી મારા સામાન્ય સ્મશાનમાં જ કરજો જેથી પાછળથી કોઈ મારી સમાધિ બનાવીને પૂજા ના કરે.

મારે તો એટલું જ કહેવું છે કે યોગ્ય સમયે સરદારને યાદ કરવાનું સૌજન્ય ના દાખવી શકતા હોય તો સરદારના નામનો ઉપયોગ કરવાનો કોઈ અધિકાર નથી.

કોણ ભલાને પૂછે છે અહીં કોણ બૂરાને પૂછે છે ?, મતલબની છે દુનિયા અહીં કોણ ખરાને પૂછે છે ? અત્તર નીચોવી પછી કોણ ફૂલોની દશાને પૂછે છે ? સંજોગ ઝુકાવે છે સૌને નહિ તો કોણ ખુદાને પૂછે છે ?

Story by: Sailesh Sagpariya

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here