તમારું વેલેન્ટાઇન રાશિ ભવિષ્ય વાંચ્યુ કે નહીં..? – કોણે- કોને પ્રપોઝ કરવું? પ્રેમીને કેવી ગિફ્ટ આપવી? પ્રેમ એટલે મનને ગમતી વ્યક્તિ પ્રત્યે વહેતી નિ:સ્વાર્થ લાગણી

– કોણે- કોને પ્રપોઝ કરવું? પ્રેમીને કેવી ગિફ્ટ આપવી?

પ્રેમ એટલે મનને ગમતી વ્યક્તિ પ્રત્યે વહેતી નિ:સ્વાર્થ લાગણી. પ્રિય વ્યક્તિનું કાયમી હિત સમજીને તેને હરદમ સુખી-ખુશી રાખવાની દિલી તમન્ના. પ્રેમ એ અનભૂતિનો મામલો છે, તેમ એ અભિવ્યક્તિનો પણ ભાવ છે. ૧૪મી ફેબ્રુઆરી(બુધવાર)નો વેલેન્ટાઇન દિવસ હવે તો દેશ-પ્રદેશ-વિસ્તારના તમામ ભેદ ઓળંગીને મનના માણિગર પાસે હૈયાના ધબકારને સંભળાવવાનો અને એના પ્રત્યેની લાગણીને વ્યક્ત કરવાનો સોનેરી દિવસ બની ગયો છે. પ્રેમ તો વિજાતીય જ હોય એવી માન્યતા પ્રબળ બનેલી છે, પણ જેને માટે આપણા મનમાં સ્વાર્થરહિત લાગણીઓ હોય એ તમામ માટે લાગણીઓ વ્યક્ત કરવાનો, લાગણી સામે લાગણીનો પ્રતિ-અહેસાસ આપવાનો આ દિવસ છે. સ્વાભાવિક રીતે આજકાલના સમયમાં યુવા વર્ગ એને મોજથી મનાવે છે. હવે તો એ તહેવારનું રૂપ લઇ ચૂક્યો છે. પોતાના પ્રિયજનને ગિફ્ટ આપીને તેના માધ્યમે લાગણી વ્યક્ત કરવાની પ્રથા પણ માર્કેટના જમાનાએ ધૂમ પ્રચલિત કરી દીધેલી છે. એટલે પ્રેમીને કઇ ગિફ્ટ આપવી તેની વિમાસણ પ્રેમી હૈયાને રહેતી હોય છે. પ્રેમસંબંધ વધુ ગાઢ બને ને લાંબા ટકે એ માટે જ્યોતિષશાસ્ત્રની કેટલીક ટિપ્સ આજે અહીં આપી છે, જેમાં કઇ રાશિવાળાને તમારે વેલેન્ટાઇન બનાવવા જોઇએ? પ્રપોઝ કરવામાં વેલેન્ટાઇન-ડે એ શું કરવું? શું ન કરવું?કેવી ગિફ્ટ આપવી? પાર્ટનરનો વ્યવહાર, તેની પસંદગી વગેરેનું રસપ્રદ ગાઇડન્સ મળી રહેશે.

મેષ (અ.લ.ઇ.) આ રાશિના પ્રેમી કે પ્રેમિકા ને રોમાન્સ ખૂબ ગમે છે.રોમાંચક વાતાવરણમાં રહેવું, એવી વસ્તુઓ જોવી, નવી નવી જગ્યાએ જવું, મોલમાં ફરવું, ફિલ્મ જોવી, તેમાં એમને ખૂબ આનંદ આવે છે એટલે એની સાથે વેલેન્ટાઇન-ડેનો પ્રોગ્રામ કરતાં પહેલાં તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું , નહીં તો મામલો બગડવાના પૂરા ચાન્સ છે. વેલેન્ટાઈન ગિફ્ટ સ્વરૂપે તમે એને કોઈ રોમાંચક જગ્યાએ ફરવા પણ લઈ જઈ શકો છો એ સિવાય ગેઝેટ સ્ટાઇલિશ કપડાં સ્ટાઇલિશ ઘડિયાળ તમારા પાર્ટનરને જરૂર ગમશે. મેષ રાશિના પ્રેમી માટે પૂરા પ્લાનિંગ સાથે રહેવું. આ રાશિના લોકો જેને પ્રેમ કરતાં હોય છે તેની આગળ પોતાને એનાથી વધારે વિશેષ હોવાનું સાબિત કરવાનો પ્રયાસ તેઓ સતત કરે છે . હું તારા સિવાય બીજા કોઇને પ્રેમ કરતો-કરતી નથી કે બીજાને માટે વિચારતો-વિચારતી નથી એવી વાતોની એમના પર ખૂબ અસર થતી હોય છે.

વૃષભ (બ.વ.ઉ.) જેમનું નામ આ અક્ષરથી શરૂ થતું હોય તેવા લોકોને મોંઘી વસ્તુઓ અને ફેશનની સેન્સ દેખાડતી હોય એવી વસ્તુઓ ખૂબ ગમતી હોય છે. વૃષભ રાશિનો તમારો પાર્ટનર હોય તો તેને માટે મોંઘી ગિફ્ટ લેવા તૈયાર રહેજો જ્વેલરી બ્રાન્ડેડ કપડાં તેમને ખૂબ ગમશે.વૃષભ રાશિવાળાને તમે નેકલેસ, પેન્ડન્ટ, ડાયમંડની જ્વેલરીજેવી એમની મનગમતી ગિફ્ટ આપો પછી એ કાયમ ખુશખુશાલ રહેશે. આ રાશિવાળાને ખુશ ન રાખવામાં આવે તો ગરબડ ઊભી થાય છે.

મિથુન (ક.છ.ઘ.) આ રાશિના લોકો પોતાના બેવડા વ્યક્તિત્વ માટે જાણીતા હોય છે. પરંતુ આ અક્ષરથી જેમનાં નામ શરૂ થતાં હોય એવી મહિલાઓ ઘણી રોમેન્ટિક હોય છે. એટલે તમારી ફિમેલ પાર્ટનર જો આ રાશિની હોય તો ખાસ ધ્યાન રાખજો. તેને માટે તમે ગમે તે કરો, એ તેને ગમશે. સરસ ઓર્નામેન્ટ્સ પણ તેને પસંદ આવશે. ભલેને એ બહુ મોઘું હોય ! મેઇલ પાર્ટનર માટે શર્ટ, વગેરે જેવી ગિફ્ટ લઈ શકાય.મિથુન રાશિના પ્રેમી ઘડીકમાં તમને ખૂબ જ પ્રેમ કરતા લાગે, તો ઘડીમાં એકાએક ક્યારે રિસાય જાય તેનું કોઈ નક્કી હોતું નથી. મૂડ સ્વિંગ એમને બહુ આવતા હોય છે. તેમને ગિફ્ટ રૂપે સારું પુસ્તક પણ આપી શકો છો કે કોઈ સરસ મજેદાર ફિલ્મ જોવા પણ લઈ શકો છો. મુવી જોતી વખતે તમે પ્રપોઝ કરો તો કદાચ એને મનગમતું મૂવી હોય તો એ હા પાડી દે ને ન ગમે તો ના પણ પાડી દે હોં !

કર્ક (ડ.હ.) તમારી પ્રેમિકા કે પ્રેમીનું નામ કર્ક રાશિ પરથી હોય તો તેને માટે વેલેન્ટાઈન-ડે ખૂબ રોમેન્ટિક બનાવજો. તમારી ભાવનાઓ વ્યક્ત કરવામાં કોઇ કમી રાખતા નહીં, કારણ કે એને માટે કોઈ ગિફ્ટ કરતાં તમારો પ્રેમ અનેકગણું મહત્વ ધરાવે છે. છતાં જો તમારે તેને ગિફ્ટ આપવી હોય તો ટી શર્ટ કે હેન્ડબેગ જેવી વસ્તુઓ એમને ખૂબ ગમતી હોય છે. ગર્લફ્રેન્ડને beauty અને સજાવટ ને લગતી ગિફ્ટ આપવી.કર્ક રાશિના લોકોને પોતાના અંગત માણસો ખૂબ ગમતાં હોય છે. એનાથી આગળ વધારે વિચારતા નથી. એમના મૂડ પણ બદલાતા હોય છે. તેમને એમની જૂની યાદો તાજી કરે એવી વસ્તુઓની ગિફ્ટ આપવી ફાયદાકારક છે. તેમણે તમારે બસ ભાવુક બનાવી દેવાનાં, બાકી પછી તમે કહેશો એ રીતે પછી વર્તશે.

સિંહ (મ.ટ.) આ રાશિના લોકો થોડા વધારે ગુસ્સાવાળા હોય છે, પણ પ્રેમ અને સાથીદારને ખુશ કરવામાં તેઓ ખૂબ રોમેન્ટિક રહે છે. એટલે જો તમારી પ્રેમિકા કે પ્રેમી સિંહ રાશિના હોય તો તમારા કરતાં એ જ પોતે આ વેલેન્ટાઇન-ડેને ખાસ-સ્પેશિયલ વેલેન્ટાઈન-ડે બનાવશે એ નક્કી છે. તેમને વિશેષ વસ્તુ જ ગમતી હોય છે. મોંઘી વસ્તુઓ, મોંઘા કપડાં એમને ખૂબ ગમતાં હોય છે. સિંહ રાશિવાળાને પ્રપોઝ કરવામાં સાચું નિશાન ન લાગ્યું, તો પછી તમારે આખી જિંદગીને ભુલ સમજીને જ પસ્તાવું પડશે. તેમને માટે એક આલીશાન ડીનર પાર્ટી રાખો તો તેઓ ખુશ રહેતા હોય છે.

કન્યા (પ.ઠ.ણ.) જેમનાં નામ આ અક્ષરોથી શરૂ થતા હોય તે લોકો વ્યવહાર વર્તનમાં ઘણા સમજદાર હોય છે. ગણતરીબાજ પણ હોય છે. પાછા પોતે આવા છે તે દેખાવા દેતા નથી. તમે ગમે તે ગિફ્ટ આપો, તેઓ તેમના ગમા-અણગમા કદી વ્યકિત નહીં કરે. છતાં બોયફ્રેન્ડને માટે રોજિંદી વપરાશની વસ્તુ આપી શકો છો. જ્યારે ગર્લફ્રેન્ડને રોમાન્ટિક વસ્તુની ગિફ્ટ આપવી જોઈએ. કન્યા રાશિના લોકો ઘણા ક્રિયેટીવ અને સાથે કેલક્યુલેટિવ હોય છે. તમે કઈ રીતે પ્રપોઝ કરો છો અને ગિફ્ટ આપો છો એના પર એ તમારો પૂરો માપદંડ કાઢી લે છે. એટલે તેઓ જે રીતે ખુશ થાય એમ રાખવા એ તમારા માટે ફાયદાકારક હોય છે. આ રાશિના લોકોને કોઈ સારી પાર્ટી કરતાં કોઈ કિમતી ગિફ્ટ આપો એમાં વધારે રસ હોય છે.

તુલા (ર.ત.) આ રાશિના લોકો દરેક વસ્તુને ત્રાજવાની જેમ બેલેન્સ કરીને વિચારે છે. ગમે તે બાબતે ફાયદા-નુકસાનનો વિચાર કરીને જ નિર્ણય લે છે. એટલે આ રાશિવાળી ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડને તમે પૂરતો વિચાર કરીને ગિફ્ટ આપજો. કોઈ સ્ટાઇલિસ્ટ વસ્તુ તેમને ગમે છે.ટ્રેન્ડી પર્સ, પરફ્યુમ, કોઈ ગેઝેટની ગિફ્ટ આપી શકો.આ રાશિના લોકો ફ્લર્ટ નથી હોતા, પણ તેમને એવા સાથીની હંમેશા શોધ રહે છે કે જે એમને કદી એકલા ના છોડે. તેઓ ઓછા લાકડે બળતા નથી હોતા. તેમને તમારે સતત એવો અહેસાસ કરાવવો પડે છે કે તમારે માટે એ જ શ્રેષ્ઠ છે. તેમનું દિલ જીતવા માટે તમારે સતત તેમના પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરતા રહેવું પડે.

વૃશ્ચિક (ન.ય.) આ રાશિના, વૃશ્ચિક રાશિના તમારા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને વેલેન્ટાઇન-ડેની ગિફ્ટ આપવામાં તમારે કંઈ વધારે વિચાર નહીં કરવો પડે. એનો અર્થ એવો નથી કે બધું ચાલે. પ્રેમથી આપેલી કોઈપણ વસ્તુ આ રાશિના લોકોને ખૂબ ગમતી હોય છે. આમ છતાં તમે કંઈક વિશેષ ગિફ્ટ આપવા માગતા હો તો પુરુષ મિત્ર માટે પરફ્યુમ આપી શકો છો અને ગર્લફ્રેન્ડને સરસ જ્વેલરી, નેક-પીસ, વીંટી કે બ્રેસલેટ આપી શકો છો.વૃશ્ચિક રાશિના તમારા પ્રેમી પર તમારા પ્રત્યેક વર્તનની ઘણી ઊંડી અસર થતી હોય છે. તમારા વ્યક્તિત્વની સાથે તમારી બૌદ્ધિક ક્ષમતા પણ તેમના પર અસરકારક રહેતી હોય છે. તમારે એટલે એમને કોઈપણ રીતે સતત ઈમ્પ્રેસ કરતા જ રહેવું પડે.

ધન (ભ.ધ.ફ.ઢ.) આ રાશિના લોકો કાયમ હસતા ખીલતા હોય છે. વેલેન્ટાઈન-ડે માટે પણ તેઓ સરસ પ્લાનિંગ કરવાના આગ્રહી હોય છે. પ્રેમી કે પ્રેમિકા પોતાને ખુશ રાખે એવી એમની ઇચ્છા હોય છે. એટલે આ રાશિના પાર્ટનર માટે તમારે સારું પ્લાનિંગ કરવું જરૂરી છે. ફૂલની ગિફ્ટ તેમને ખૂબ ગમે છે. સરસ મજાનું લંચ કે ડિનર અને પછી આકર્ષક ગિફ્ટ એમને ખૂબ જ ખુશ કરે છે. ગિફ્ટમાં એમને કઈ વસ્તુની વધારે જરૂર છે એ વસ્તુ આપવામાં આવે તો એ વધારે ખુશ થતા હોય છે.ધન રાશિના લોકો ઘણા વિચારશીલ હોય છે. રોમાંસ પ્રિય પણ હોય છે. ડેટ કે ટ્રીપ પર જવાનું એમને ખૂબ ગમે છે, પરંતુ તમે એમની સ્વતંત્રતાને અવરોધો તો તેઓ તમારી સાથે રહેતા નથી. એમને સતત ખુશ રાખવા હોય તો એમને એમની રીતે વર્તવા દેવા.

મકર(ખ.જ.) આ રાશિના પ્રેમી કે પ્રેમિકા માટે કોઇ ચિંતા કરવાની જરૂર હોતી નથી કે પ્રેમી કે પ્રેમિકાનું સાંનિધ્ય ઓએમને જોઇતું હોય છે. તેઓ બહુ મટિરિયાલિસ્ટ હોતા નથી. તેમને જે કંઈ ગિફ્ટ મળે, તેનો એમને વિશેષ આનંદ હોય છે. હાથની બનાવેલી કોઈ વસ્તુ તેમને ખૂબ ગમે છે. ગર્લફ્રેન્ડને જ્વેલરી ગમતી હોય છે. મકર રાશિના પ્રેમી કે પ્રેમિકાને જલદી પટાવી શકતાં નથી. તેમને શું જોઇએ છે અને શું નથી જોઈતું એનો ખાસ ખ્યાલ રાખવો પડે. એમને જે ગમતું નથી તેઓ તે ફટ દઈને તેઓ વ્યક્ત કરી દેતા હોય છે.

કુંભ (ગ.સ.શ.ષ.) આ રાશિનાં પ્રેમી-પ્રેમિકા પોતાના પાર્ટનર પાસેથી એવી અપેક્ષા રાખે છે કે કોઈ વિશેષ વસ્તુની મને ગિફ્ટ મળે અથવા વેલેન્ટાઈન-ડે મારી સાથે કંઈક અલગ રીતે જ વિતાવે. વેલેન્ટાઇન-ડેનું રોમાન્ટિક પ્લાનિંગ તેમને ગમે છે. ફેશનેબલ વસ્તુની ગિફ્ટ તેઓ ઇચ્છે છે. તેમણે કોઈ વસ્તુ લેવી હોય તે ની ગિફ્ટ તેમને વિશેષ ગમે છે. ।કુંભ રાશિના લોકોને એવા લોકો વધારે ગમે છે, જેઓ સામાજિક બાબતોમાં બહુ રસ દાખવતા હોય. તેઓ ગ્રુપમાં, મિત્રોના ટોળામાં રહેવાનું તેમને ગમે છે આમ છતાં તેઓ પોતાના મનની વાત જલદી કહેતા નથી. તમારે પોતાના દિલની વાત એમને સમજાવી કે એમના મનમાં ઉતારવી પણ અઘરી બનતી હોય છે.

મીન (દ.ચ.ઝ.થ.) આ રાશિનાં ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ માટે તમારે ગિફ્ટ આપતાં પહેલા ઘણું વિચારવું પડે એમ હોય છે. ભલે મોંઘી નહીં પણ એવી ગિફ્ટ આપવી કે જેમને કામ લાગે. જેથી આ ગિફ્ટ યાદગાર રહે અને એ વસ્તુને વાપરીને એ તમને સતત યાદ કરે એવી ગિફ્ટ તેમને આપવી જોઈએ. તેઓ પ્રેમના ભૂખ્યા હોય છે. મીન રાશિના લોકો ભાવનાત્મક રીતે ઘણા નબળા હોય છે. તેમને કોઈપણ માણસ મૂર્ખ બનાવી જાય છે. કોઈની વાતમાં જલદી આવીને ભરમાઇ પણ જાય છે. રોમેન્ટિક મ્યુઝિક કેન્ડલ લાઇટ ડિનર વગેરેથી તેઓ જલદી આકર્ષાય છે.

Source: navgujaratsamay

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!