“ખરી જાય વાળ એ પહેલાં બાંધો સલામતીની પાળ” – અત્યાર સુધીમાં આવા સચોટ વાળાને સફેદ થતાં ઘરેલુ નુસખા ક્યાંય તમે વાંચ્યા નહી હોય !!!

0

સંસ્કૃતમાં એક ઉક્તિ છે स्थान भर्ष्ट न शोभन्ते दन्त केशा नख नारा: આ ઉક્તિમાં આ ચારેય વસ્તુ યોગ્ય જગ્યાએ હોય એ જરૂરી છે . એનાથી આગળ વધીને કહેવું હોય તો માણસનો ચહેરો જો સારો દેખાતો હોય ને તો એમાં વાળની સુંદરતાનો ઘણો ફાળો રહેલો છે. વાળની માવજત નાનપણથી કરવામાં આવે તો વાળ ટકાઉ અને મજબુત, લીસ્સા અને તંદુરસ્ત રહે છે. વાળ અને બાળ એક વખત બગડ્યા પછી સુધારવા મુશ્કેલ છે . આજની નવી પેઢી દેખાદેખીથી અલગ અલગ પ્રકારની જાહેરાતો જોઇને નત નવા શેમ્પુ , જેલ , હેર સ્પ્રે છાંટી છાંટી ને વાળની એવી તો પથારી ફેરવી નાંખે છેકે પાનખર ઋતુની જેમ એના માથામાંથી વાળ સતત ખર્યા જ કરતાં હોય છે . અમુક તો હજુ ઉગીને માંડ ઉભા થયાં હોય , અઢાર કે વીસની આજુબાજુએ પણ ના પહોંચ્યાં હોય ત્યાં જ માથાનું છાપરું ધોળું થવા માંડે છે. કેમિકલ ધરાવતા હેર ઓઈલ, સાબુ , અને શેમ્પુની આ સાઈડ ઇફેકટ છે!! પછી તો કાળા વાળ કરવા માટે લગાડે ડાઈ પણ કુદરતી રીતે જે કાળા વાળ હોય એની સાથે બનાવટી ડાઈ વાળા વાળ થોડાં આવે!! આતો ઉપર શોભા અને નીચે ઘોબા જેવો ઘાટ થયો કહેવાય!! આજનાં મોટાભાગના યુવાનો વાળમાં ડાઈ અને બોલીમાં વાયડાઈ ધરાવતાં હોય છે. આપણી આજુબાજુ ઘણી એવી વનસ્પતિઓ, ઔષધિઓ છે જેનાથી વાળને સારા બનાવી શકીએ છીએ.આંબળા એ વાળ માટે ખુબજ ઉપયોગી છે. વૃદ્ધ માણસોની સલાહ અને આમળાંના ગુણો મોડા મોડા પણ એના રંગ દેખાડે જ છૂટકો!! આમળાનું રસ લીંબુ અને લીમડાના રસ સાથે વાળમાં લગાવવાથી વાળની મજબુતાઈ વધે છે.
ખોડો જેનું ગુજરાતી નામ છે અને અંગ્રેજીમાં જેને ડેન્ડ્રફ કહેવાય એ વાળમાં જો વધી જતો હોય તો એક દેશી ઉપાય છે.

ઘેટાનું દૂધ ક્યાંકથી લાવીને સવારમાં નહાતી વખતે વાળમાં લગાડવું. હળવે હાથે પાથીએ પાથીએ લગાવવું. પેલાના જમાનામાં પાથીયે પાથીયે તેલ નાંખતા એમ જ!! નવી પેઢીને કદાચ આ પાથીની ખબર ના હોય તો દાદીમાને પૂછી લેવું એટલે એ સમજાવી દેશે. બસ એક જ અઠવાડિયા સુધી આ ઘેટાના દુધથી માથામાં ખોડો દૂર થઇ જાય છે.આ ઉપરાંત અઠવાડિયામાં એક વાર દૂધમાં ખાંડેલી મેથી નાંખીને એમાં થોડો લીંબુનો રસ નાંખવો. અને આ ઘરેલું મિશ્રણ માથામાં લગાવવું.

સરસિયાના તેલમાં એકદમ ખાટું બડાહ ( અત્યંત ખાટું ) દહીં નાંખીને પણ વાળની માલીશ કરી શકાય.

ચણાના લોટમાં , યાદ રહે ચણાનો શુદ્ધ લોટ!! બેસન આવે છે એમાં બીજાં લોટનું મિશ્રણ હોઈ શકે. એટલે ચણાનો શુદ્ધ લોટ લઇ ને થોડું મધ નાંખીને પછી દુધમાં એનું મિશ્રણ બનાવીને વાળ ઉપર બે કલાક લગાડવું અને પછી વાળ ધોઈ નાંખવા.

આ ઉપરાંત ખોડો મટાડવા માટે તમે મુલતાની માટીમાં તુલસીનો રસ , લીમડાની છાલનો રસ મેળવીને માથામાં લગાવી શકો છો. શિકાકાઈ ફળ બધેજ ઉપલબ્ધ ના હોય તો એના તૈયાર પાવડરમાં લીંબુનો રસ ઉમેરીને માથા પર એ પેસ્ટ લગાડો. ઉપરની તરકીબોમાંથી કોઈ પણ એક તરકીબનો ઉપયોગ કરો અને ખોડાની ખંજવાળમાંથી છુટકારો મેળવી શકાય છે.હવે નાનપણથી જ વાળ ધોળા થવા માંડે તો શું કરવું?? એના માટેના રામ બાણ ઈલાજો આપણા આયુર્વેદમાં પડેલા છે. ભાંગરાનો પાઉડર આવે છે એમાં ગાયનું ઘી ઉમેરીને વાળ પર પખવાડીયામાં ચાર વાર માલીશ કરવાનું છે. ભાંગરો એ દેશી નામ છે એનું સાચું નામ ભૃંગરાજ છે. કોઈ પણ ઓસડીયા વેચતી દુકાન વાળા પાસે આ વસ્તુ મળી જશે. આમળાને નાળીયેરના તેલમાં કાળા થઇ જાય ત્યાં સુધી તળવા અને પછી એનો ભુક્કો કરીને વાળ પર લગાવવાથી ધોળાં વાળાની સમસ્યાથી છુટકારો મળે છે. આ ઉપરાંત બીજો એક સાવ દેશી અને સસ્તો ઉપાય પણ છે.

મીઠા લીમડાના પાનને પીસીને પછી એમાં ત્રિફલા ચૂર્ણ નાંખીને ચાની પત્તી ઉમેરીને આ મિશ્રણને પણ માથા ઉપર લગાવવાથી વાળ ઝડપથી કાળા થવા માંડે છે. આ સિવાય કાશ્મીર બાજુ પણ એક નુસખો ચાલી રહ્યો છે . એ લોકો નાની ઉમરમાં વાળને સફેદ થતાં રોકવા માટે સફરજનને છાલ સાથે બાફી નાંખે છે અને અઠવાડિયામાં એક વાર વાળમાં લગાવી દે છે!

એક ચમચી કોફીનો પાઉડર , અડધી ચમચી કાથો , ( કાથો પાનવાળાની દુકાને મળી જશે , પાન પર ચૂનો ચોપડીને બજરિયા કલરનો જે પાઉડર છાંટે ને એને કાથો કહેવાય) અને પછી એને પાણીમાં ઉકાળીને માથા પર લગાવવાથી વાળ સફેદ થતાં અટકે છે.

આમ તો વાળ માપમાં જ સારા લાગે પણ બહેનોને ખુબ લાંબા વાળ જોઈએ તો એના પણ દેશી ઉપાયો છે. તલના તેલમાં થોડાં તીખા નાંખવાના ( તીખા એટલે કાળા મરી ગુજરાત બહાર એને કાલી મિર્ચ કહે છે) પછી એમાં લીંબુ અને કપૂર ઉમેરીને માથામાં મહીને એક વાર લગાડવાથી વાળની લંબાઈ વધે છે. અખરોટની છાલ ને ઉકાળીને એના પાણીથી વાળ ધોવાથી પણ વાળની લંબાઈ વધે છે. આ સિવાય વાળની કાયમી સુંદરતા ટકાવી રાખવી હોય તો નિયમિતપણે

નીચેના નુસખામાંથી કોઈ પણ એક નુસખો કાયમ માટે અપનાવવો.

વાળ ધોવા માટે આંબળા , અરીઠા , અને શિકાકાઈનો જ ઉપયોગ કરવો.શિકાકાઈના પાવડરમાં તુલસીનો રસ ઉમેરીને દસ મિનીટ સુધી વાળમાં લગાડીને પછી સ્નાન વિધિ પતાવવી.

બગીચાની માટી લઇ એ માટીને લીમડાના પાનથી ઉકાળેલા પાણીમાં ઉમેરીને એનાથી માથું ધોવાનું છે. માટી એકદમ બારીક લેવાની છે અને થોડી માત્રામાં લેવાની છે. આ બગીચાની માટીમાં અદ્ભુત ઠંડકનો ગુણ રહેલો છે. એનાથી જેને તજા ગરમી થી વાળ નબળાં હોય એને માટે ખુબજ ફાયદાકારક છે!!

સારા હોય બાળ અને વાળ, તો ભાંગે ઘણી ઝંઝાળ!!

લેખન અને સંકલન :- મુકેશ સોજીત્રા

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here