ગામ આખું બહાર ઉભું હોહા કરતું રહ્યું ને એક યુવાન જીવ ઓશિકે મૂકીને અંદર દોડી ગયો! જાણો શું થયું સુરતમાં –

0

૨૪ મે, ૨૦૧૯ની સાંજ સુરતીઓ કે ગુજરાતીઓના દિલોદિમાગમાંથી ક્યારેય ભૂલાવાની છે નહી. જે થયું એનો ઉલ્લેખ શક્ય નથી, જે બન્યું એનું બયાન બને તેમ નથી. લગભગ ચારેક વાગ્યાના સુમારે, રોંઢા ટાણે સુરતના સરથાણા-જકાતનાકા વિસ્તારમાં આવેલ તક્ષશિલા બિલ્ડીંગમાં આગ લાગી. આ આગ ગોઝારી બનવાની હતી.

ઉપરના ટેરેસ પર કોચિંગ ક્લાસીસ ચાલુ હતો. સત્તર-અઢાર વર્ષની વયના ગાળાની મુગ્ધાવસ્થાના કિશોર-કિશોરીઓ જ હતાં, જે સ્વપ્ના સાકાર કરવાની ધૂનમાં બે માળ ચડીને અહીં ભણવા આવતાં હતાં. પણ આજે એમાં ઘણા હતભાગીઓ ફરી નીચે ઉતરીને ઘરભેળા થવાના ન હતા! આર્કેડમાં આગ ભભૂકી. બિલ્ડીંગ પાસેના ટ્રાન્સફોર્મરમાંથી કોઈ કારણસર તણખાં ઝર્યાં. તક્ષશિલાની બિલ્ડીઁગ કોમર્શિયલ હતી. એમાં તો દૂધ-દહીંથી માંડીને કોચિંગ ક્લાસીસ સુધીના બધાં ધંધા ચાલતા. ફાયર સેફ્ટીની સુવિધા તો આપણે હજુ પણ કારણ વગરની લાગે છે! અહીં એવી કોઈ સેફ્ટી હતી નહી.

સુરત તુજ રડતી સુરત –

આગ ભભૂકી. જોતજોતામાં બિલ્ડીંગના આખા એક ભાગને ઝપટમાં લઈ લીધો. સીડીઓ જરાય સલામત ના રહેવા દીધી. હવે ઉપર ભણી રહેલાં બાળકોને ખબર પડી, પણ ભાગવું શી રીતે? કાળઝાળ અગને બધી દિશાઓ પર ખંભાતી અધમણિયાં લટકાવી દીધાં હતાં. બાળકો ગૂંગળાવા લાગ્યાં. જ્વાળાઓ દજાડી રહી. ઉંચી ધૂમ્રસેર ગગનને આંબી રહી. ચોતરફ હો-હા થઈ રહી. લોક ઉમટી પડ્યું. કિકીયારીઓ થવા લાગી. ફાયરબ્રિગેડને તેડવા કોલ ગયો. પણ નઘરોળી તંત્રને જાગતા વાર લાગી. પોણી કલાક વીતી ગઈ ફાયરબ્રિગેડના ટેન્કરો પહોઁચ્યાં ત્યાં સુધીમાં…પછી બચ્યું શું હતું? લગભગ ૧૪ બાળકો ઉપર જ આગમાં ભડધું થઈ ગયાં. અમુકે જીવ પર આવીને છેક ચોથા માળની ટોચેથી નીચે ભૂસકા ખાધા. ચાર બાળકો જોરદાર પછડાટને લીધે મૃત્યુ પામ્યાં. ઉપર મોત ને નીચે મોત! લોક ઉભું રહ્યું. ફાયરબ્રિગેડ પાસે ચોથે માળે પહોંચવાની સીડી નહોતી! વીડીઓ ઉતરતા રહ્યાં પણ ત્વરીત માનવ સાંકળ બનાવીને બાળકોને ઝીલી લેવાની પેરવી ના સૂઝી. આમેય આપણે ત્યાં હોહા કરનારા વધારે હોય છે, હાથ નાખનારા બહુ ઓછાં!

એક જણ નીકળ્યો –

બિલ્ડીંગની નજીક જઈને ઉપરથી રીતસર ઈશ્વરને જીવ સોંપીને ભૂસકા મારતા બાળકોને ઝીલી લેવામાં પણ લોકો ઉણા ઉતર્યા તો ભડભડ બળતી બિલ્ડીંગમાં અંદર જવાની તો હિંમત જ કોની થાય? પણ એક જણ નીકળ્યો જેણે ટોળામાંથી બહાર નીકળીને એક ન ભૂલાય તેવું પરાક્રમ કરી દેખાડ્યું. કેતન નારણભાઈ જોરવાડીયા નામધારી એ યુવક ભભૂકતા દેતવામાં રસ્તો કરી અંદર ગયો. જાન પર ગમે ત્યારે ખતરો આવી શકે તેમ હતો. પરવા ન કરી એણે!

અંદર જઈ એણે બે બાળકોને હેમખેમ બહાર લાવ્યાં. જ્યારે બંબાવાળાઓ બહાર ઉભા હતા, ટીકટોકીયાઓ ‘ગેંગેફેંફે’ કરતા હતા ત્યારે આ યુવાને અંદર જઈને કંઈક કર્યું. એવું કર્યું જે તેની જીંદગી ધન્ય બનાવવા માટે પૂરતું હતું. માત્ર રાડો નાખવાથી કામ નથી થતું, થોડી હાથપગને કાસડી પણ આપવાની થાય છે. કેતન જોરવાડીયાને અનેક આશિષ મળ્યા હશે, અંતરના ઉંડાણથી!

બાકી ફાયરબ્રિગેડ, અધકચરા બિલ્ડરો, કોચિંગ સેન્ટરના માલિકો, નગરપાલિકાના તાગડધિન્ના સહિત આપણા સૌનો સહિયારો સાથ છે વીસેક જેટલાં જીવને જીવતા જલાવવામાં એ તો નાછૂટકે માનવું રહ્યું. ફાયર સેફ્ટીની વાત બાબતે યુરોપ-અમેરિકા સહિતના દેશો સજાગ છે એટલી સજાગતા આપણામાં છે નહી. ક્યાંય ભીત પર લટકાવેલા અગ્નિશામક બાળલાઓને પણ આપણે જગ્યા ખોટી કરતા ભંગારથી વધારે કંઈ સમજતા નથી. ફાયર સેફ્ટીની સુવિધા ન હોય તેવી બિલ્ડીંગોને મંજૂરી મળી જાય છે. મહાનગરપાલિકાઓ, મુનસીટાપલીઓ જ્યારે આગ સલામતીનું ચેકીંગ કરે છે એ માત્ર ઔપચારિકતાથી વધારે કશું હોતું નથી. આ બધી બેદરકારીઓ આજે એકહારે છાપરે ચડીને પોકારી ઉઠી! ભોગ બન્યાં નિર્દોષો…!

ભગવાન મૃતકોના આત્માને શાંતિ અર્પે, એમના પરિવાર માથે જે વાદળ ફાટ્યું છે એ આઘાતમાં સ્વજનોને ટકી રહેવાની શક્તિ આપે અને દવાખાનાને બિછાને પડેલાં બાળકોને જલ્દી સાજાનરવાં કરે એણી પ્રાર્થના…! અને હા, સુરતવાસીઓએ દવાખાને જઈને સાંજે જે રક્તદાનની હોડ લગાવી એ પણ કદી ભૂલાય તેમ નથી.

॥ ૐ શાંતિ ૐ ॥

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here