શિયાળાની ઠંડીમાં આ 10 લાડુ રાખશે તમને હેલ્ધી અને ફિટ, આજે જ કરો ટ્રાય!

10 જાતના સ્વાદિષ્ટ લાડુ, ઠંડીમાં રાખશે હેલ્ધી અને ફિટ

ઠંડીએ રંગ પકડ્યો છે તો હવે શરીરને સાચવવાનો પણ સમય પણ આવી ગયો છે. શિયાળો એટલે હેલ્ધી વસ્તુઓ ખાવાની મદમસ્ત મોસમ. તો આવો આજે માણી લઈએ એવી વસ્તુઓની મજા જે ખાવાની પડે છે એકદમ મજા. આ વાનગીઓ તમારા મોમાં લાવી દેશે પાણી. આજે શીખી લઈએ શિયાળા સ્પેશિયલ જાત-જાતના લાડુની વાનગીઓ. તો ગૃહિણીઓ થઈ જાઓ તૈયાર અને લાગી જાઓ આ વાનગીઓ બનાવવામાં.

1. કેળાના લાડુ

સામગ્રી
એક કપ કાચા કેળાની મોળી કાતરી, અડધો કપ બૂરું ખાંડ, પા કપ ઘી, એક ચમચી ઈલાયચી, જાયફળ સ્વાદ અનુસાર
રીત
સૌપ્રથમ કાચા કેળાની મોળી વેફર અથવા કાતરીને ઘીમાં તળી લો. હવે તેને મિક્સરમાં વાટી લો. આ રીતે તૈયાર થયેલ ભૂકામાં બૂરું ખાંડ, ઘી, ઈલાયચી, જાયફળ ઉમેરીને તેને લાડુનો આકાર આપો. ઉપવાસના દિવસોમાં આ વાનગીનો ઉપયોગ કરી શકાય છે.

2. માવા-તલના લાડુ

સામગ્રી

-પાંચસો ગ્રામ માવો, એલચી, અઢીસો ગ્રામ સફેદ તલ, પિસ્તાં, સાડા સાતસો ગ્રામ દળેલી ખાંડ

રીત

તલને લોખંડની પેણીમાં શેકવા. શેકાઈ જાય એટલે સહેજ અધકચરા વાટવા. એક તપેલીમાં જરા ઘી મૂકી માવાને જરા શેકવો પછી અંદર  શેકેલા તલ નાખવા. ખાંડ, એલચી તથા કાપેલા પિસ્તાં નાખી બરાબર હલાવી તેના લાડુ બનાવવા. આ માવા-તલના લાડુ ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

3. ખજૂર લાડુ

સામગ્રી

-અડધો કિલો બી વગરનાં ખજૂર, એક ટીસ્પૂન ઘી, ચાર ટીસ્પૂન બદામની કતરણ, ચાર ટીસ્પૂન કાજુની કતરણ, ચાર ટીસ્પૂન રવો, ચાર ટીસ્પૂન પિસ્તાંની કતરણ, એક ચપટી ગ્રીન એલાયચી પાઉડર, ત્રણ ટીસ્પૂન બૂરું ખાંડ, અડધો કપ નારિયેળનું છીણ

રીત

એક નોનસ્ટિક કડાઈમાં ઘી ગરમ કરી બદામ, કાજુ, પિસ્તાં અને રવાને 6થી 8 મિનિટ સુધી ધીમા તાપે શેકી લો. ત્યારબાદ તેમાં ખજૂર નાખી સરખી રીતે મિક્સ કરી લો. હવે તેમાં ગ્રીન એલાયચી પાઉડર, બૂરું ખાંડ અને નારિયેળનું છીણ નાખી સરખી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી ઠંડું થવા દો. મિશ્રણ સહેજ ઠંડું થાય એટલે તેના નાના નાના લાડુ બનાવી સર્વ કરો.

4. આંબળા અને આદુંના લાડુ
સામગ્રી
-સવા ગ્રામ આંબળાનું છીણ, બે ટીસ્પૂન આદુનું છીણ, સાઇઠ ગ્રામ ખાંડ, એક ટીસ્પૂન ડ્રાયફ્રૂટનો ભૂકો, ચાંદીનો વરખ, સજાવટ માટે
રીત
સૌપ્રથમ એક મોટી કડાઇમાં આંબળા અને આદુનું છીણ નાખો. પછી તેમાં ખાંડ નાંખી પાંચ મિનિટ સુધી ચડવા દો. તેમાં ડ્રાયફ્રૂટનો ભૂકો નાખો. મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે ગેસ બંધ કરી તેને થાળીમાં કાઢી બે મિનિટ સુધી રહેવા દો. હવે હથેળી ઘી વાળી કરી તેના લાડુ વાળો. લાડુની ઉપર ચાંદીનો વરખ લગાવી સર્વ કરો.

5. ગાજરના લાડુ

સામગ્રી

-એક કિલો ગાજર, પાંચસો ગ્રામ દળેલી ખાંડ, બે ટીસ્પૂન મિલ્ક પાઉઢર, એક ટીસ્પૂન કોપરાનું છીણ, એક ટીસ્પૂન એલચીનો પાઉડર, ઘી પ્રમાણસર

રીત

ગાજરને છોલી, વચ્ચેનો સફેદ ભાગ કાઢી તેની પાતળી ચિપ્સ કરી, તાપમાં સૂકવી દેવી. સૂકાઈ જાય એટલે તેનો મિક્સરમાં ભૂકો કરવો. એક તપેલીમાં ઘી મૂકી, ગરમ કરવું. તેમાં ગાજરનો ભૂકો સાંતળવો. પછી તેમાં ખસખસ અને કોપરાનું છીણ નાંખી, થોડી વાર રાખી નીચે ઉતારી લેવું. સાધારણ ઠંડું થાય એટલે તેમાં એલચીનો ભૂકો, મિલ્ક પાઉડર, દળેલી ખાંડ અને ગરમ ઘી નાખી લાડુ વાળવા.

6. શિંગોડાના લાડુ
સામગ્રી
-દોઢસો ગ્રામ શિંગોડાનો લોટ, સો ગ્રામ મોરૈયાનો લોટ, અઢી ચમચી ઝીણા સમારેલા કાજુ, બે ચમચી ઝીણી સમારેલી બદામ, દોઢ ચમચી ઝીણા સમારેલાં પિસ્તાં, પોણો કપ ઓગાળેલું ઘી, દોઢ ચમચી ગુંદર, એક ચમચી એલચીનો ભૂકો, પા કપ હૂંફાળું દૂધ, એક ચમચી કિશમિશ, બે કપ દળેલી સાકર
રીત
એક પેનમાં મોરૈયા અને શિંગોડાના લોટને જુદા-જુદા સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકી લો અને અલગ રાખો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. ત્યારબાદ એમાં ગુંદર ઉમેરી એને તળી લો. બહાર કાઢી એને ક્રશ કરો અને અલગ રાખો. હવે ગરમ ઘીમાં શેકેલા બંને લોટ ઉમેરી સાંતળો. સુગંધ આવવા લાગે અને ઘી છૂટે એટલે ગેસ બંધ કરો. શેકેલા લોટને એક મોટા બોલમાં કાઢી એમાં ગુંદર, દળેલી સાકર, દૂધ, કાજુ, બદામ, કિશમિશ અને પિસ્તાં ઉમેરો. એલચીનો ભૂકો ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણમાંથી 15થી 16 નાના-નાના લાડુ વાળો અને સર્વ કરો.

7. મેથીના લાડુ
સામગ્રી
-અઢીસો ગ્રામ મેથી, અઢીસો ગ્રામ ગોળ (નરમ), બસો ગ્રામ અડદનો લોટ, છસો ગ્રામ ઘી, દોઢ સો ગ્રામ ચણાનો લોટ, સો ગ્રામ ઘઉંનો લોટ, પચાસ ગ્રામ સૂંઠ, પચીસ ગ્રામ ખસખસ, પચાસ ગ્રામ બદામ, પચાસ ગ્રામ ચારોળી, પાંચસો ગ્રામ ખાંડ-દળેલી (બૂરું), એલચી, દૂધ
રીત
મેથીને કાચી, ઝીણી દળાવવી. નરમ ગોળ ભેળવી બે-ત્રણ દિવસ દાબી રાખવી. અડદના લોટને 1 ચમચો ઘી અને 1 ચમચો દૂધ નાંખી ધાબો દેવો. પછી ચાળી રવાદાર ભૂકો બનાવી ઘીમાં બદામી રંગનો શેકી લેવો. ચણાના લોટમાં પણ ધાબો દઈ, ચાળી, ઘીમાં બદામી રંગનો શેકવો. ઘઉંના લોટને ધાબો દીધા વગર ઘીમાં બદામી રંગનો શેકવો. પછી ત્રણે લોટ ભેગા કરી, તેમાં ગોળવાળી મેથી મિક્સ કરવી. ગોળની ગાંગડી બરાબર ભાંગી નાંખવી. પછી તેમાં ખાંડેલી સૂંઠ, સાધારણ શેકેલી ખસખસ, કોપરાને છીણી, શેકી તેનું ખમણ બદામ–ચારોળીનો મોટો ભૂકો, એલચીનો ભૂકો અને દળેલી ખાંડ નાંખી બરાબર બધું ભેગું કરવું. ઘીને ગરમ કરી અંદર નાંખીને તેના લાડુ વાળવા અથવા થાળીમાં લગાડી ઠારી દેવું. ઉપર ચાંદીના વરખ લગાડવા, પછી કટકા કાપવાં.

8. કોપરાના લાડુ

સામગ્રી

-ચારસો ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક, એક ચમચી સમારેલી કિશમિશ, એક ચમચી બદામના ટુકડા, ચાર કપ છીણેલું કોપરું, અડચી ચમચી એલચીનો ભૂકો

રીત

સૌ પ્રથમ એક તપેલી ગરમ કરી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક રેડો. એ સાઈડ પરથી છૂટું પડે ત્યાં સુધી હલાવતાં રહો. ગેસ પરથી ઉતારી ઠંડું કરો. તેમાં કિસમિસ, બદામનાં ટુકડા અને એલચી પાવડર મિક્સ કરો. એ મિશ્રણના નાના નાના ભાગ કરી લાડુ વાળો. એક પ્લેટમાં છીણેલું કોપરું લઈ તેમાં લાડુ રગદોળી પીરસો.

9. પંચધારી લાડુ
સામગ્રી
-અઢીસો ગ્રામ રવો, પાંચસો ગ્રામ માવો, સાડા ત્રણસો ગ્રામ ખાંડ, હસો ગ્રામ ઘી, પચાસ ગ્રામ બદામ, પિસ્તાં, બે ચમચી ઈલાયચી પાઉડર
રીત
માવાને મોટા કાણાવાળી ચાયણીથી મસળીને ચાળી લો. ઘી ગરમ કરી રવાને ધીમા તાપે શેકી લો. થોડો સોનેરી થાય કે માવો નાખીને 2-3 મિનિટ શેકીને ઉતારી લો. તેને ઠંડુ કરો. ખાંડની ચાસણી બનાવી લો. તેને થોડી ઠંડી કરી રવો, માવો, ઈલાયચી અને સૂકા મેવા કતરીને નાખી દો. આ મિશ્રણમાંથી મધ્યમ આકારના લાડુ બનાવો.

10. શિંગના લાડુ

સામગ્રી

-પાંચસો ગ્રામ મોળી શેકેલી શીંગ, અઢીસો ગ્રામ દળેલી ખાંડ, બસો ગ્રામ ચોખ્ખું ઘી

રીત

સૌ પ્રથમ મોળી શિંગને છોલી નાખવી. મિક્સરમાં એને ક્રશ કરવી ભૂકો કરવો. તેલ નીકળે એટલું ક્રશ કરવું નહીં થોડું કરકરું રાખવું. એક થાળીમાં કાઢી લેવું. તેમાં ખાંડ નાખવી. અને ઘી સાધારણ ગરમ કરીને તેમાં મિક્સ કરવું. આ ત્રણેય પોલા હાથે હલાવીને નાના-નાના લાડુ વાળવા. આમાં ખજૂરના કટકા, શિંગોડાનો લોટ, સૂંઠ અને તલ કોપરું પણ નાખી શકાય.

Source

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!