શું તમે જાણો છો કેવી રીતે શરુ થયું “નોબેલ પ્રાઈઝ” ઇનામ આપવાનું ???

0

ઇ.સ.1888ની આ ઘટના છે. ડાઇનામાઇટની શોધ કરનારા આલ્ફ્રેડ નોબેલના ભાઇનું અવસાન થયુ. સમાચારપત્ર વાળાએ ભૂલથી આલ્ફ્રેડ નોબેલનું મૃત્યુ થયુ છે એવા સમાચાર છાપ્યા. સમાચારનું મથાળુ હતુ “મોતના સોદાગરની ધરતી પરથી વિદાય.” અને એમા લખેલ હતુ ‘અગાઉ ક્યારેય નહોતા મરતા એટલી ઝડપથી લોકોને મારવા માટેનો રસ્તો શોધીને તેના દ્વારા ધનવાન બનેલા માણસનું ગઇકાલે મૃત્યુ થયુ’. આ શબ્દો વાંચતાની સાથે જ આલ્ફ્રેડ નોબેલનું ચિત ચકરાવે ચડ્યુ. ‘શું દુનિયા મને મારા મૃત્યુ બાદ મોતના સોદાગર તરિકે ઓળખશે? લોકોને મારી મારીને હું ધનવાન બન્યો છુ એ વાત આ જગત યાદ રાખવાનું છે? હું એવું બિલકુલ નથી ઇચ્છતો કે મારા મૃત્યુ બાદ દુનિયા મને આ રીતે ઓળખે. મારે દુનિયાને મારો પરિચય ‘મોતના સોદાગર’ તરીકે નહી કંઇક જુદી રીતે જ આપવો છે.’

આ માણસે બહુ વિચાર કરીને 7 વર્ષના મનોમંથન બાદ 27મી નવેમ્બર 1895ના રોજ એક વસિયત તૈયાર કર્યુ અને પોતાની તમામ સંપતિ દાનમાં આપીને એક ટ્રસ્ટની રચના કરી. દાનની બધી જ રકમમાંથી એક ભંડોળ ઉભુ કર્યુ અને એ ભંડોળ પરના વ્યાજની આવકમાંથી પ્રતિ વર્ષ વિશ્વનું સૌથી મોટુ ઇનામ આપવાની વ્યવસ્થા કરાવી. જગત માટે અને માનવતા માટે કંઇક કરનાર અને જુદા જુદા પાંચ મહત્વના ક્ષેત્રમાં (પાછળથી અર્થશાસ્ત્રને ઉમેરવામાં આવ્યુ છે એટલે અત્યારે 6 ક્ષેત્રમા આ પુરસ્કાર અપાય છે) વિશિષ્ટ યોગદાન આપનાર લોકોને આ ઇનામ આપવાની શરુઆત થઇ જેના પરિણામે એ માણસની ખરેખર વિદાય થયા પછી દુનિયા એને મોતના સોદાગર તરિકે નહી પરંતું નોબેલ પ્રાઇઝ ના સ્થાપક તરિકે ઓળખે છે.

ડો. આલ્ફ્રેડ નોબેલના ભાઇના અવસાન બાદ ફેંચ સમાચાર પત્ર ‘ઇરોનિયસ’ માં ભૂલથી એમના ભાઇને બદલે ડો. આલ્ફ્રેડના મૃત્યંના સમાચાર પ્રસિધ્ધ થયા અને આ જગતને ‘નોબેલ પારિતોષિક’ની ભેટ મળી. આ ઘટના બની ત્યારે 21મી ઓકટોબર 1833ના રોજ જ્ન્મેલા ડો. આલ્ફ્રેડ નોબેલ 55 વર્ષના હતા. સાત વર્ષ સુધી આ બાબતે ઉંડાણપૂર્વકની વિચારણાના અંતે 1895માં એમણે એક વસિયત તૈયાર કરાવ્યુ અને પોતાની તમામ સંપતિમાંથી વેરાઓ બાદ કર્યા પછીની 94% રકમનું એક ભંડોળ ઉભુ કર્યુ જે તે સમયે 3,12,25000 સ્વીડીસ ક્રોનર( લગભગ 23 કરોડ પાંત્રીસ લાખ રૂપિયા)નું હતુ.

આ ભંડોળનું વર્તમાન મૂલ્ય 1,70,20,00,000/- સ્વીડીશ ક્રોનર( લગભગ 1237 કરોડ રૂપિયા) જેટલુ થાય છે અને આ ભંડોળના વ્યાજની જે રકમ મળે એમાંથી દર વર્ષે લોકકલ્યાણ માટે વિશિષ્ટ યોગદાન આપનાર લોકો અને સંસ્થાને સન્માનિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે. પુરસ્કારની રકમ દર વર્ષે બદલાતી રહે છે. તાજેતરમાં જ 2017ના વર્ષ માટેના નોબેલ પારિતોષિક વિજેતાઓના નામ જાહેર થવા લાગ્યા છે. આ વર્ષે પ્રત્યેક ક્ષેત્રમાં પુરસ્કાર પેટે 90,00,000/- સ્વીડીશ ક્રોનર એટલે લગભગ 7,25,00,000/- સાત કરોડ અને 25 લાખ જેવી માતબાર રકમ આપવામાં આવશે.

આલ્ફ્રેડ નોબેલના સમકાલીન અને આલ્ફ્રેડ નોબેલ કરતા પણ વધુ ધનવાન અનેક માણસો એ વખતે આપણા ભારતમાં વસતા હશે. આવા અનેક ભારતીયો પૈકી કોઇ એકનું નામ પણ આપણને યાદ છે ? આપણા જ દેશમાં જન્મેલા આપણા દેશવાસીનું નામ આપણને યાદ નથી અને બીજી બાજુ સ્વીડનના આલ્ફ્રેડ નોબેલ સાથે આપણને સ્નાન સુતકનો પણ સંબંધ નથી અને આમ છતા આપણે ભારતીયો એમને યાદ કરીએ છીએ. અરે માત્ર ભારતિય જ શા માટે વિશ્વના તમામ દેશના લોકો એને યાદ કરે છે.

જગત એમને જ યાદ કરે છે જે જગતને કંઇક આપે છે. જે માત્ર પોતાના માટે જ જીવે એનું મરણ થાય છે પણ જે બીજા માટે જીવે છે એનું સ્મરણ થાય છે.

લેખક : શૈલેશ સગપરીયા.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here