ફિલ્મ રીવ્યુ – “રેવા”

0

મને ફિલ્મની બાબતમાં કશી ગતાગમ પડતી નથી. ક્યારેક ફિલ્મ જોવાની, મજા લેવાની અને પછી એને ભૂલી જવાની. પણ શુક્રવારે જોયેલી ગુજરાતી ફિલ્મ “રેવા”એ મને રીતસરનો અંદરથી ઢંઢોળ્યો છે. મારી જાત સાથે સંવાદ સાધવાનો-અંતરયાત્રા કરવાનો એક નવો રાહ બતાવ્યો છે.

ધ્રુવ ભટ્ટ દ્વારા લખાયેલી નવલકથા “તત્વમસી” પરથી બનેલી આ ફિલ્મ હૃદયમાં ઉતરી ગઈ. બાળકને પિતાના ખોળામાં મુકતા પહેલા માં એને ચોખ્ખું કરે છે એમ પરમ પિતા પરમાત્માના ખોળામાં મુકતા પહેલા માં રેવા (નર્મદા) એના બાળકને કેવું શુદ્ધ કરે છે એની અદભૂત પ્રસ્તુતિ આ ફિલ્મમાં થયેલી છે.

માં નર્મદાની પરિક્રમાને કેન્દ્રમાં રાખીને નર્મદાના કાંઠા પરના લોકજીવન પર લખાયેલ “તત્વમસી”ના અત્યંત ગહન વિષયને અતિ હળવાશથી પડદા પર રજુ કરનાર સમગ્ર ટીમ અભિનંદનની અધિકારી છે. ગુજરાતીમાં આવો વિષય લઈને તમામ પ્રકારના દર્શકોને પસંદ પડે એવી રીતે ફિલ્મ બનાવવી એ કાબિલે દાદ છે. ફિલ્મના નાના-મોટા દરેક પાત્રોએ અભિનયના ઓજસ દ્વારા ધ્રુવદાદાના પાત્રોને પડદા પર જીવંત કર્યા છે.

ફિલ્મમાં હાસ્ય પણ છે અને રુદન પણ છે, સ્વાર્થ પણ છે અને પરમાર્થ પણ છે, પ્રેમ પણ છે અને પરમેશ્વર પણ છે, સૌંદર્ય પણ છે અને સંગીત પણ છે, અંધશ્રદ્ધા પણ છે અને શ્રદ્ધા પણ છે, લોભ પણ છે અને ત્યાગ પણ છે, બંધન પણ છે અને મુક્તિ પણ છે એમ કહોને કે એક જ ફિલ્મમાં ઘણું બધું છે. હા, પ્રભુ સિવાય કોઈ ક્યારેય પૂર્ણ નથી હોતું એટલે ફિલ્મ તો ક્યાંથી પૂર્ણ હોય !

ગુજરાતીઓને વળતરમાં વધુ રસ હોય એટલે આપને કહું કે આ ફિલ્મ ટિકિટ પાછળ ખર્ચેલા નાણાંનું વળતર જરૂર આપશે. જો કે દરેકના રસ અને રુચિ અલગ અલગ હોય પણ મને એવું લાગે છે કે ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં માં નર્મદાનું સૌંદર્ય તમને જરૂરથી ટાઢક આપશે.

એકવાર જરૂરથી જોવા જેવું ફિલ્મ.

|| નમામી દેવી નર્મદે ||

  • શૈલેષભાઈ સગપરીયા.
આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.