રા’નવઘણ બનેલા ઉપેન્દ્ર ત્રિવેદીના ભાલે સાક્ષાત્ કાળી દેવચકલી બનીને આવેલા માતા વરૂવડી! સત્યઘટનાનો પ્રસંગ વાંચો ક્લિક કરીને

0

ગુજરાતી ફિલ્મ જગતમાંથી એક માણસને બાદ કરવામાં આવે તો ગુજરાતી ફિલ્મોનું આજે કદાચ અસ્તિત્વ જ હોત કે નહી એ બાબતે શંકા સેવવી પડત!આ અણમોલ રત્ન એટલે – ઉપેન્દ્ર જેઠાલાલ ત્રિવેદી!ગુજરાતી ફિલ્મજગતના ભીષ્મ પિતામહ અને “અભિનય સમ્રાટ”એટલે ઉપેન્દ્ર ત્રિવેદી.એકથી એક ચડિયાતી ઉત્કૃષ્ટ ફિલ્મો આપીને ગુજરાતી પ્રજાને એના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા પ્રત્યે સજાગ કરવામાં ઉપેન્દ્ર ત્રિવેદીનો અમૂલ્ય ફાળો છે.

‘માનવીની ભવાઇ’,’કાદુ મકરાણી’,’હોથલ પદમણી’,’રાણકદેવી-રા’ખેંગાર’,’ગરવો ગરાસીયો’,’રા નવઘણ’ ઇત્યાદિ અનેક સુપરહિટ ફિલ્મો દ્વારા તેમણે પોતાના દમદાર અભિનયનો પરીચય આપ્યો.અવીનાશ વ્યાસ,રમેશ મહેતા,ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહ લતાની ટીમે ગુજરાતીઓને આફરીન પોકારાવી દીધેલા.નાટ્ય,દિગદર્શન,અભિનય અને રાજકારણની બહુવિધ કારકિર્દીમાં તેમણે ઉત્કૃષ્ટ પ્રદાન આપેલું.

દેવી વરૂવડી આવેલા કાળી ચકલી બનીને –

જુનાગઢ-સોરઠની પ્રજામાં કાયમ માટે સ્થાન પામી ચુકેલ જુનાગઢના રાજવી રા’નવઘણની ઝવેરચંદ મેઘાણીએ લખેલી વાર્તા પરથી બે ઐતિહાસિક ફિલ્મો બની છે.એમાં દિનેશ રાવળ દિગ્દર્શિત “રા’નવઘણ” સુપરહિટ રહેલી.૧૯૭૬માં બનેલી આ ફિલ્મમાં સ્નેહ લતાએ નવઘણની માનેલી બહેન જાહલનું,જ્યારે ઉપેન્દ્ર ત્રિવેદીએ રા’નવઘણનું પાત્ર ભજવેલું.અવિનાશ વ્યાસનું ગીત-સંગીત અને કવિશ્રી દાદુદાન ગઢવીના મુખે ગવાયેલા સોરઠી દુહા વિશેષ પ્રભાવ ઉપજાવનારા હતાં.

જુનાગઢ ઉપર પાટણના સોલંકીઓનું લશ્કર ચડેલું ત્યારે બાળક રા’નવઘણને આલીદર બોડીદરના આહિર દંપતીએ પેટના દિકરાનું બલિદાન આપીને સાચવેલો.સમય જતાં નવઘણ જુનાગઢનો રાજવી બને છે અને આહિર દંપતીની દિકરી જાહલના વિવાહ થાય છે.

જાહલ તેમના પતિ સાથે દુકાળ ગાળવા માલ-ઢોર લઇ સિંધમાં જાય છે.સિંધનો રાજવી હમીર સુમરો જાહલ પર નજર બગાડે છે.પરદેશમાં જાહલની રક્ષા કરનારું કોણ હોય વળી?પોતાના પતિ સાંસતીયાને સંદેશો લઇ એ જુનાગઢ નવઘણ પાસે મોકલે છે.નવઘણને કહેજો વહારે આવે,નહીંતર જાહલ જીભ કરડીને મરશે પણ યવનના હાથમાં એનો દેહ નહી અર્પે!

વાવડ મળતા નવઘણ ફોજ લઇને સિંધ પર ચડાઇ કરે છે.રસ્તામાં ફોજને ચારણદેવી વરૂવડી રોકે છે અને કુલડીમાંથી કટક જમાડે છે!લોકકથા કહે છે કે,એ વખતે કચ્છના રણની જગ્યા પર સમંદર હતો.નવઘણના ઘોડા પાણીમાં શી રીતે આગળ વધે?પણ એ વખતે કાળી દેવચકલીના રૂપમાં આઇ વરૂવડી નવઘણની વ્હારે આવે છે.એના ભાલા પર વિરાજે છે અને નવઘણ પોતાની ઘોડી સમંદરમાં નાખે છે.નવઘણની ફોજના માર્ગમાં સર્વત્ર રણ પ્રદેશ બની જાય છે.એ પછી સિંધમાં જઇ નવઘણ સુમરાને હરાવે છે અને જાહલની રક્ષા કરે છે.

અત્યંત પ્રસિધ્ધ ઐતિહાસિક વાર્તાનો ટૂંકસાર કંઇક આ પ્રમાણે છે.રા’નવઘણ ફિલ્મના શુટીંગ સમયે એક રસપ્રદ કિસ્સો બન્યો હતો.

કહેવાય છે કે,ફિલ્મના શૂટીંગ સમયે સમુદ્ર રણમાં ફેરવાય અને નવઘણ રણમાં ઘોડા હાંકે એ સીન વખતે એક અજીબ કિસ્સો બનેલો.રા’નવઘણ ઉર્ફે ઉપેન્દ્ર ત્રિવેદી ઘોડા પર સવાર થાય છે.સમુદ્ર પાર કરવાનો છે.એ વખતે ઉપેન્દ્ર ત્રિવેદીના ભાલા પર કાળી દેવ્ય ચકલી આવીને બેસે છે!અચાનક જ ક્યાંયથી ઉડી આવીને!સહુ હતપ્રભ રહી જાય છે.જાણે સાક્ષાત્ માતા વરૂવડી જ દેવચકલીનું રૂપ લઇને આવેલા હોય તેમ!!

કલાકાર અભિનય પાત્રમાં પોતાનો જોન રેડી દે છે એ જો ખરેખર બનતું હોય તો એ અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીના કિસ્સામાં બનેલું.ઇડરની જન્મભૂમિ પર જન્મેલ આ અભિનેતા મુંબઇ ખાતે ૨૦૧૫માં અવસાન પામ્યાં ત્યારે ગુજરાતની કલા-સંસ્કૃતિ અને ઇતિહાસ રડ્યો હશે!છત્રીના કારખાનામાં એક સમયે મજુરનું કામ કરનાર પણ ઉપેન્દ્ર ત્રિવેદી જ હતાં!

ભારત સરકારે તેમના કામની કદર બદલ “પદ્મ શ્રી”એનાયત કરેલો.ગુજરાતી ફિલ્મોના મહાનાયક એટલે ઉપેન્દ્ર ત્રિવેદી!

લેખક – કૌશલ બારડ

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here