ગુજરાત પોલીસ ઓફિસરની જાંબાજ દિલાવરી! પોલીસ શું છે એનો દાખલો બેસાડી દીધો આ યુવાને, વાંચો સ્ટોરી

0

ઉનાળાનો તપતો બપોર અને ચારેબાજુ વાહનોના હોર્નો,ઉડતી રજોટ અને માણસોનો કોલાહલ.ચોકમાં ટ્રાફીક ચક્કાજામ થઇ ગયો હતો અને ગરમી કહે મારું કામ!દુકાનદારોની હાકલો,રેકડીવાળાઓની હટ્ટીયાપટ્ટી અને રીક્ષાવાળાઓના યાવતચંદ્રોદિવાકરો જેવા સતત વાગતા હોર્નોની ભરમાર!

દુકાનો આગળ વાહનો આડેધડ પાર્ક થયેલા હતાં.વધુમાં રીક્ષાવાળા ચક્કાજામ કરી રહ્યાં હતાં.ભારતીય પ્રજા બધું શીખી પણ શિસ્ત ન શીખી!

આખરે સીટી પોલિસનું એક વાહન આવ્યું.પોલીસ હોર્ન ઉપર હોર્ન વગાડવા માંડી.વાહનો તરત આઘાપાછા થાવા માંડ્યાં.ટ્રાફીક જામ ઓછરતો લાગ્યો.કોઇક ડારો-ડફારો આપે તો જ સખણા રહેવું એ તો આપણો સ્વભાવ છે!

ગાડીમાંથી એક નવલોહિયો યુવાન ઉતર્યો.પોલીસના લિબાસમાં શોભતા એ યુવાનનું પ્રભાવશાળી મુખ અને નાનકડી પણ તેજદાર મૂછો અને કમ્મરે લટકાવેલી પિસ્તોલ.યુવાનની મુખછાપ છાડી ખાતી હતી કે,તે ક્ષત્રિય જ હોવો જોઇએ!

ચોકની વચ્ચે એક ૬૦-૭૦ વર્ષના વૃધ્ધ માજી જૂનાં કપડા વેંચી રહ્યાં હતાં.નીચે જમીન પર પથારો કર્યો હતો.એ યુવાન પોલીસ અફસર માજી પાસે આવ્યો અને વૃધ્ધા સામે જોઇ બોલ્યો :

“માજી!આમ રસ્તા વચ્ચે પથારો ન કરો.વાહનોને અડચણ થાય છે.”આટલું કહીને ખિસ્સામાં હાથ નાખી એણે ત્રણ આંકડાની નોટ કાઢી અને માજીના હાથમાં આપતા એ ફરી બોલ્યો,

“લ્યો આ.આવા તડકામાં શીદ ખોટા હેરાન થાઓ છો?જાઓ,ઘરે જઇને આરામ કરો!” આ ઘટનામાં વાકાંનેર પોલીસ સાથે જોડાયેલી છે.આ દિલાવર,જાંબાજ પોલીસ અફસર એટલે રામદેવસિંહ જાડેજા(આર.પી.જાડેજા)!વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના તેઓ PSI છે.આવા નવલોહીયા જ ગુજરાતની-દેશની તાસીર ફેરવી શકશે.પોલીસ એ પ્રજાની સેવક છે અને એની ડાઉન થયેલી ઇમેજ પ્રજામાં ફરી બેસાડી શકશે.

તનતોડ મહેનત કરીને એક્ઝામ આપી ડ્યુટી પર આવેલા આવા લોકો જ જાણી શકે કે,લોકોની સેવા કેમ થાય!લેખક – કૌશલ બારડ
Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

રા’નવઘણ બનેલા ઉપેન્દ્ર ત્રિવેદીના ભાલે સાક્ષાત્ કાળી દેવચકલી બનીને આવેલા માતા વરૂવડી! સત્યઘટનાનો પ્રસંગ વાંચો

ગુજરાતી ફિલ્મ જગતમાંથી એક માણસને બાદ કરવામાં આવે તો ગુજરાતી ફિલ્મોનું આજે કદાચ અસ્તિત્વ જ હોત કે નહી એ બાબતે શંકા સેવવી પડત!આ અણમોલ રત્ન એટલે – ઉપેન્દ્ર જેઠાલાલ ત્રિવેદી!ગુજરાતી ફિલ્મજગતના ભીષ્મ પિતામહ અને “અભિનય સમ્રાટ”એટલે ઉપેન્દ્ર ત્રિવેદી.એકથી એક ચડિયાતી ઉત્કૃષ્ટ ફિલ્મો આપીને ગુજરાતી પ્રજાને એના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા પ્રત્યે સજાગ કરવામાં ઉપેન્દ્ર ત્રિવેદીનો અમૂલ્ય ફાળો છે.

‘માનવીની ભવાઇ’,’કાદુ મકરાણી’,’હોથલ પદમણી’,’રાણકદેવી-રા’ખેંગાર’,’ગરવો ગરાસીયો’,’રા નવઘણ’ ઇત્યાદિ અનેક સુપરહિટ ફિલ્મો દ્વારા તેમણે પોતાના દમદાર અભિનયનો પરીચય આપ્યો.અવીનાશ વ્યાસ,રમેશ મહેતા,ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહ લતાની ટીમે ગુજરાતીઓને આફરીન પોકારાવી દીધેલા.નાટ્ય,દિગદર્શન,અભિનય અને રાજકારણની બહુવિધ કારકિર્દીમાં તેમણે ઉત્કૃષ્ટ પ્રદાન આપેલું.

દેવી વરૂવડી આવેલા કાળી ચકલી બનીને –

જુનાગઢ-સોરઠની પ્રજામાં કાયમ માટે સ્થાન પામી ચુકેલ જુનાગઢના રાજવી રા’નવઘણની ઝવેરચંદ મેઘાણીએ લખેલી વાર્તા પરથી બે ઐતિહાસિક ફિલ્મો બની છે.એમાં દિનેશ રાવળ દિગ્દર્શિત “રા’નવઘણ” સુપરહિટ રહેલી.૧૯૭૬માં બનેલી આ ફિલ્મમાં સ્નેહ લતાએ નવઘણની માનેલી બહેન જાહલનું,જ્યારે ઉપેન્દ્ર ત્રિવેદીએ રા’નવઘણનું પાત્ર ભજવેલું.અવિનાશ વ્યાસનું ગીત-સંગીત અને કવિશ્રી દાદુદાન ગઢવીના મુખે ગવાયેલા સોરઠી દુહા વિશેષ પ્રભાવ ઉપજાવનારા હતાં.

જુનાગઢ ઉપર પાટણના સોલંકીઓનું લશ્કર ચડેલું ત્યારે બાળક રા’નવઘણને આલીદર બોડીદરના આહિર દંપતીએ પેટના દિકરાનું બલિદાન આપીને સાચવેલો.સમય જતાં નવઘણ જુનાગઢનો રાજવી બને છે અને આહિર દંપતીની દિકરી જાહલના વિવાહ થાય છે.

જાહલ તેમના પતિ સાથે દુકાળ ગાળવા માલ-ઢોર લઇ સિંધમાં જાય છે.સિંધનો રાજવી હમીર સુમરો જાહલ પર નજર બગાડે છે.પરદેશમાં જાહલની રક્ષા કરનારું કોણ હોય વળી?પોતાના પતિ સાંસતીયાને સંદેશો લઇ એ જુનાગઢ નવઘણ પાસે મોકલે છે.નવઘણને કહેજો વહારે આવે,નહીંતર જાહલ જીભ કરડીને મરશે પણ યવનના હાથમાં એનો દેહ નહી અર્પે!

વાવડ મળતા નવઘણ ફોજ લઇને સિંધ પર ચડાઇ કરે છે.રસ્તામાં ફોજને ચારણદેવી વરૂવડી રોકે છે અને કુલડીમાંથી કટક જમાડે છે!લોકકથા કહે છે કે,એ વખતે કચ્છના રણની જગ્યા પર સમંદર હતો.નવઘણના ઘોડા પાણીમાં શી રીતે આગળ વધે?પણ એ વખતે કાળી દેવચકલીના રૂપમાં આઇ વરૂવડી નવઘણની વ્હારે આવે છે.એના ભાલા પર વિરાજે છે અને નવઘણ પોતાની ઘોડી સમંદરમાં નાખે છે.નવઘણની ફોજના માર્ગમાં સર્વત્ર રણ પ્રદેશ બની જાય છે.એ પછી સિંધમાં જઇ નવઘણ સુમરાને હરાવે છે અને જાહલની રક્ષા કરે છે.

અત્યંત પ્રસિધ્ધ ઐતિહાસિક વાર્તાનો ટૂંકસાર કંઇક આ પ્રમાણે છે.રા’નવઘણ ફિલ્મના શુટીંગ સમયે એક રસપ્રદ કિસ્સો બન્યો હતો.

કહેવાય છે કે,ફિલ્મના શૂટીંગ સમયે સમુદ્ર રણમાં ફેરવાય અને નવઘણ રણમાં ઘોડા હાંકે એ સીન વખતે એક અજીબ કિસ્સો બનેલો.રા’નવઘણ ઉર્ફે ઉપેન્દ્ર ત્રિવેદી ઘોડા પર સવાર થાય છે.સમુદ્ર પાર કરવાનો છે.એ વખતે ઉપેન્દ્ર ત્રિવેદીના ભાલા પર કાળી દેવ્ય ચકલી આવીને બેસે છે!અચાનક જ ક્યાંયથી ઉડી આવીને!સહુ હતપ્રભ રહી જાય છે.જાણે સાક્ષાત્ માતા વરૂવડી જ દેવચકલીનું રૂપ લઇને આવેલા હોય તેમ!!

કલાકાર અભિનય પાત્રમાં પોતાનો જોન રેડી દે છે એ જો ખરેખર બનતું હોય તો એ અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીના કિસ્સામાં બનેલું.ઇડરની જન્મભૂમિ પર જન્મેલ આ અભિનેતા મુંબઇ ખાતે ૨૦૧૫માં અવસાન પામ્યાં ત્યારે ગુજરાતની કલા-સંસ્કૃતિ અને ઇતિહાસ રડ્યો હશે!છત્રીના કારખાનામાં એક સમયે મજુરનું કામ કરનાર પણ ઉપેન્દ્ર ત્રિવેદી જ હતાં!

ભારત સરકારે તેમના કામની કદર બદલ “પદ્મ શ્રી”એનાયત કરેલો.ગુજરાતી ફિલ્મોના મહાનાયક એટલે ઉપેન્દ્ર ત્રિવેદી!

લેખક – કૌશલ બારડ
Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here