પ્રેમ ઘણી યાદો છોડીને જાય છે. જ્યારે એક યાદ તાજી થાય અને તમારી પ્રિય વ્યક્તિ તમારી સાથે હોય ત્યારે એ સમય અદ્દભુત હોય છે. વાંચો પ્રદિપ પ્રજાપતિ લિખિત આ સુંદર લવસ્ટોરી !

0

એક છોકરીએ મારો હાથ પકડ્યો અને મને ગુલાબ આપ્યું ! એણે કહ્યું, તને ખબર છે ને આનો મતલબ ? હું બોલું ત્યાં તો મમ્મીનો અવાજ આવ્યો, ગોકુલ બેટા ઉઠી જા હવે, આઠ વાગ્યા ! મેં કહ્યું, હમમમમમ….! બાલ્કનીમાં બિલાડીઓ ઝઘડતી હતી અને નીચે બિચારા કુતરાઓ ટોળું વળીને ઉભા હતાં. આ દરરોજનું હતું. હું ઉઠ્યો અને તરત બાથરૂમમાં જઈને ફ્રેશ થયો. હું છું આળસુ પણ એકવાર પથારી માંથી ઉભા થયા બાદ જ્યાં સુધી તૈયાર ન થાઉં ત્યાં સુધી ચેન ન પડે ! મમ્મીનો પાછો અવાજ આવ્યો, બેટા ગોકુલ તૈયાર થયો કે નહીં ? મેં કહ્યું, હા મમ્મી તૈયાર જ છું ! મમ્મીએ કહ્યું, તો જલ્દી આવીને નાસ્તો કરી લે ! આપણે આજે સરિતા માસીને ત્યાં પણ જવાનું છે. હું નાસ્તો કરતો હતો અને મારા પપ્પા મારી સામે જોઇ રહ્યા હતાં ! મેં કહ્યું, મમ્મી, પપ્પાને કે ને જ્યારે હું નાસ્તો કરતો હોઉં ત્યારે પેલા કૂતરા જાણે બિલાડીની સામે જુએ એમ મારી સામે ન જુએ ! પપ્પાએ કહ્યું, એ તારી સામે નહીં, તારા વાળની સામે જોઉં છું ! ક્યારે કપાવ્યા હતાં ? મેં કહ્યું, ત્રણ મહિનાથઈ ગયા ! પપ્પાએ કહ્યું, તો લાગે છે કે મુંબઈમાં ત્રણ મહિનાથી બધા વાળંદોની હડતાળ છે ! મેં મમ્મીની સામે જોતા કહ્યું, મમ્મી પેલા થોડીક દાઢી રાખતો હતો તોય પપ્પાને પ્રોબ્લેમ હતો અને આજે થોડાંક વાળ સાથે પ્રોબ્લેમ છે ! મમ્મીએ કહ્યું, હવે તમારા બંનેના નાટક બંધ થઈ ગયા હોય તો હું કંઈ બોલું ? મમ્મીએ કહ્યું, આવતીકાલે સરિતા માસીની દીકરીની સગાઈ છે અને હજુ આપણે ખંભાતમાં જ છીએ ! મેં કહ્યું, મમ્મી હું કાર સાફ કરું અને ત્યાં સુધી તમે તૈયાર થઈને બહાર આવી જાઓ ! મમ્મીએ કહ્યું, મારો ગોકુલ કેટલો ડાહ્યો છે ! આમ હું બહાર કાર સાફ કરવા માટે ગયો.

હું મૂળ ખંભાતનો અને છેલ્લા બે વર્ષથી મુંબઈમાં એચ.આર મેનેજર તરીકે એક પ્રાઈવેટ કંપનીમાં જોબ કરું છું. લાઈફમાં મારો કોઈ ગોલ નહીં પણ સારું એવું કમાવું છું એટલે એક જ કંપનીમાં સ્થિર હતો. પપ્પા બેગ લઈને બહાર આવ્યા અને મેં કારની ડિક્કીમાં બધા બેગ મુક્યા ! મમ્મી અને પપ્પા કારમાં બેઠા અને મેં કાર હંકારી ! પપ્પા કહેવા લાગ્યા, ગોકુલ ધીમે ધીમે જવા દેજે. મેં ધ્યાન ન આપ્યું, ખંભાતની શેરીઓમાં કાર ચલાવવાની પણ એક અલગ જ મજા હતી. હલવાસનની સુંગધ જાણે ફેફસામાં તાજી હવા ભરતી હતી, મેં કાર થોભાવી અને મમ્મીને કહ્યું, મમ્મી માસી માટે હલવાસન લીધુ ? મમ્મીએ કહ્યું, હા બેટા, કાલે જ લીધુ ! મેં કહ્યું, તોય હું મારા અમદાવાદના મિત્રો માટે લઈ લઉં. હું કાર માંથી ઉતર્યો અને તરત જ હલવાસનની દુકાન પર ગયો અને કહ્યું, ઓ છોટુભાઈ કેમ છો ? છોટુભાઈ હલવાસનની દુકાન પર વર્ષોથી કામ કરતાં હતાં. એમણે કહ્યું, કેમ છો ગોકુલભાઈ ? મેં કહ્યું, એ બધુ છોડો, પૂજા ક્યાં છે એ બોલો ? છોટુભાઈએ કહ્યું, પૂજા અને એનો પરિવાર તો ગાંધીનગર જતો રહ્યો ! હું વિચારમાં પડી ગયો અને નિરાશ થઈને કહ્યું, સારું હવે બે કિલો હલવાસન આપો. હું હલવાસન લઇને કારમાં બેઠો.

હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે પૂજાના પપ્પાએ હલવાસનની દુકાન ખોલી હતી. હું અને પૂજા સ્કૂલમાં સાથે ભણતાં હતાં ! પૂજા મારી માટે દરરોજ હલવાસન લઈ આવતી અને અમે બધા મિત્રો સાથે મળીને હલવાસનનો આનંદ માણતા ! બારમાં ધોરણના વેકેશનમાં પૂજાએ મારા માટે એક પત્ર લખેલો અને એ પત્રમાં પૂજાએ મારા માટે એની લાગણીઓ વ્યક્ત કરી હતી ! પૂજા ભણવામાં ખૂબ જ હોશિયાર હતી, આથી તે આગળ ભણવા અમદાવાદ જતી રહી અને આજે પણ એ પત્ર મારી પાસે છે ! હું જ્યારે પણ ખંભાત આવું ત્યારે હલવાસનના બહાને આ દુકાન પર આવીને છોટુભાઈ સાથે વાત કરું ! પપ્પાએ કહ્યું, અમદાવાદ પહોંચીને પહેલા તારે વાળ કપાવજે. હું બોલ્યો, મમ્મી….! મમ્મીએ કહ્યું, તમે ઘરે આ વાત કરો તો બરાબર પણ અહીંયા તો ગોકુલને છોડો. સેટેલાઇટમાં મારા માસીનું ઘર હતું અને અમે ત્યાં પહોંચ્યા. માસીએ દરવાજો ખોલતાં જ કહ્યું, અરે મારો ગોકુલ આટલો મોટો થઈ ગયો ! હું કંઈ ન બોલ્યો અને ઘર માંથી માસીની છોકરી અવની આવીને મને ભેટી પડી ! અવનીએ કહ્યું, ભાઈ બહુ ટાઈમે આવ્યો હો ! મારે કોઈ સગી બહેન નહોતી અને અવનીને કોઈ સગો ભાઈ નહોતો, એટલે હું અને અવની સગા ભાઈ-બહેનની માફક જ ઝઘડતા ! મેં અવનીને કહ્યુ, આજે તો મારે તારા હાથનું જ જમવું છે. અવનીએ કહ્યુ, અત્યારે નહી સાંજે બનાવીશ ! મેં કહ્યુ, સારું. બપોરે જમ્યા બાદ અવનીએ કહ્યુ, પૂજા સાથે કોઈ કોન્ટેકટ થયો કે નહીં ? હું નિરાશા સાથે બોલ્યો, ના…!
અવનીએ કહ્યુ, ભાઈ તને એક મસ્ત વાત કહું ? મે કહ્યુ, હા બોલ. અવનીએ કહ્યુ, આજે તને ખબર પડી જશે. મે કહ્યુ, હા, હશે !

મેં કહ્યુ, મમ્મી હું થોડીવાર માટે સુઈ જવું છું ! મમ્મીએ કહ્યુ, સારું બેટા. હું બે કલાક સુધી સૂતો. હું જેવો ઉઠ્યો અને ત્યારે અવનીએ કહ્યુ, ભાઈ મારે પાર્લર જવું છું તો તું કાર લઇને મારી સાથે આવીશ ? મેં કહ્યુ, એમાં થોડી પૂછવાનું હોય ? હું અવની સાથે પાર્લરમાં ગયો અને જ્યારે આવ્યો ત્યારે રાત થઈ ચૂકી હતી. અવનીની કેટલીક ફ્રેન્ડ્સ ઘરે આવી હતી અને તેમાંથી એક છોકરીએ કહ્યુ, તમે જ ગોકુલ છો ને ? મેં કહ્યુ, હા, પણ તમે ! એ છોકરીએ કહ્યુ, ઉપરના રૂમમાં કોઈ તમને બોલાવતું હતું ! મેં કહ્યુ, સારું. હું વિચારતો જ હતો કે મમ્મી મને સગાઈ માટે પાછી કોઈક છોકરી બતાવશે અને શિખામણ આપશે. હું બુમો પાડતો પાડતો ગયો, મમ્મી…મમ્મી…!ઉપરનો એક બેડરૂમ ખુલ્લો હતો અને એ રૂમ હંમેશા બંધ જ રહેતો અને આજે એ રૂમને ખુલ્લો જોઈને હું થોડો વિચારમાં પડી ગયો ! હું એ રૂમ તરફ આગળ વધ્યો, રૂમમાં મને દૂરથી કોઈ દેખાતું નહોતું. હું રૂમની અંદર ગયો અને ત્યારે જ કોઈકે અચાનક રૂમનો દરવાજો બંધ કરી દીધો ! હું જેવો પાછળ ફરીને જોઉં ત્યાં તો કોઈકના હાથ મારા મોઢા પર આવીને ચોંટી ગયા ! હું થોડી ડરી ગયો પણ આ હાથની સુંગધ અને પકડ જાણીતી લાગતી હતી ! મેં ધીમેથી હાથ હટાવ્યા અને કહ્યુ, તું પૂજા જ હોઈ શકે અથવા પૂજા તારું ભૂત હોઈ શકે ! ત્યારે જ એક મધુરો અવાજ આવ્યો, ગોકુલ તું મને હજુ નથી ભુલ્યો ! જાણે કોઈ દઝાડીને ટાઢક આપે એવો જ મને અહેસાસ થતો હતો. પૂજા મારી તરફ ફરી અને એની આંખ આંસુથી ભરેલી હતી અને એ બોલી, ગાંડા તને હજી એટલો જ પ્રેમ કરું છું. તારી મેં કેટલી રાહ જોઈ એની તને ખબર પણ છે ? મેં કહ્યુ, હું તારી પાછળ કેટલો ભાગ્યો એની તને પણ ખબર નહી હોય ! હું એકદમ શાંત થઈ ગયો હતો અને હું અને પૂજા બન્ને મૌન હતાં.

અવનીનો મેસેજ આવ્યો, હવે આ રૂમ સવારે પાંચ વાગ્યે જ ખુલશે ! હું ચોંકી ગયો અને ત્યારે જ બીજો મેસેજ આવ્યો, મેં માસીને એમ કીધુ છે કે ગોકુલ એના મિત્રની ઘરે ગયો છે અને એ સવારે આવશે ! મે પૂજાને કહ્યું, આ તારો જ પ્લાન છે ને ? પૂજાએ કહ્યુ, અવની અને મારો બન્નેનો ! મેં કહ્યુ, યાર તું હજી બદલાઈ નથી અને પહેલા જેવા જ નાટકો કરે છે અને મારી બેનનું તારે ન માનવાનું હોય, આમ હું ચિંતામાં પૂજા સામે બોલતો હતો અને પૂજા અચાનક મારી નજીક આવી અને મને બાથ ભરી લીધી ! હું કુવાના પાણીની જેમ શાંત થઈ ગયો. વર્ષોથી બળતું હૈયું જાણે આજે શાંત થયું હોય એવો અહેસાસ થતો હતો. પૂજાએ કહ્યુ, ગોકુલ શાંત રે…! પૂજાએ બાલ્કનીનો દરવાજો ખોલ્યો અને લાઈટ ઑફ કરી દીધી. બાલ્કનીમાં એક સોફો હતો, હું અને પૂજા એ સોફા પર બેઠા. અમે કંઈ ન બોલ્યા, શાંત વાતાવરણમાં ચંદ્રની શીતળતામાં પૂજાએ પોતાનું માથું મારા ખભા પર ધર્યું ! બન્ને શાંત હતાં.

પૂજાને કહ્યું, હવે હું તને ક્યાંય નહીં જવા દઉં. પૂજાએ સ્મિત આપ્યું અને એના સ્મિતને જોઈને હું મારી જાતને રોકી ન શક્યો અને પૂજાને ભેટી પડ્યો ! પૂજાએ મને જકડી રાખ્યો હતો, હું કંઈ જ ન બોલ્યો. અમે એકબીજાનો હાથ પકડીને બેઠા અને થોડીવાર બાદ પૂજા બોલી, ગોકુલ, પાંચ વાગી ગયા છે ! અમારો પ્રેમ સમયની સીમા પણ પાર કરી ગયો હોય એવું લાગતું હતું ! મેં અવનીને મેસેજ કર્યો અને અવનીએ આવીને દરવાજો ખોલ્યો, હું નીચે ગયો અને ફટાફટ તૈયાર થઈ ગયો ! પૂજા મારા રૂમમાં આવી અને કહ્યું, ગોકુલ તારી માટે કપડાં લાવી છું, જો તું પહેરીને બહેનની સગાઈમાં આવીશ તો મને ગમશે. હું તૈયાર થઈને નીચે ગયો અને મમ્મીએ કહ્યું, બેટા આ નવા કપડાં ક્યાંથી લાવ્યો ? હું કંઈ બોલું એ પહેલા પૂજા આવીને બોલી, મેં લઈ આપ્યા છે આંટી ! મમ્મી પૂજાને એક મિનિટ સુધી તો જોઈ રહી અને કહ્યું,

અરે..પૂજા…તું અહીંયા ! પપ્પા અને મમ્મી બંને પૂજાને જોઈને ખુશ હતાં અને મેં પણ હિંમત કરીને મમ્મી-પપ્પાને કહ્યું, મમ્મી, પપ્પા, મને આ છોકરી ગમે છે ! મમ્મીએ કહ્યું, બેટા સાચે ? પપ્પા કંઈ જ ન બોલ્યા અને પૂજાએ કહ્યું, પણ મારા ઘરના લોકોને તમારે જ મનાવવા પડશે ! ત્યારે પપ્પાએ કહ્યું, એ મનનિયો શેનો ના માને ! મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયા અને હું મમ્મીને ભેટી પડ્યો. મમ્મીએ કહ્યું, બેટા તું ખુશ છે, એજ અમારી સૌથી મોટી ખુશી છે, અમે દરરોજ ભગવાનની પૂજા કરીએ છીએ અને ભગવાને સાક્ષાત પૂજા જ આપી દીધી !

જીવનમાં સૌથી મોટી સમસ્યાનું સમાધાન થયાનો આનંદ હતો અને અવનીની સગાઈ પણ એના પસંદના છોકરા સાથે થવાની હતી, એનો પણ રાજીપો હતો. સગાઈ ચાલુ થઈ અને પૂજાએ મને કોણી મારીને કહ્યું, એક વાત પૂછું ? તે તારા મિત્રોને હલવાસન આપ્યું કે નહીં ! હું આશ્ચર્યમાં મુકાઈ ગયો અને મેં કહ્યું, તને ક્યાંથી ખબર ? પૂજાએ કહ્યું, મને તો છોટુભાઈએ કહ્યુ..! હું મનમાં બોલ્યો, ઓહહ…છોટુભાઈ તો તમે ખલનાયક હતાં, હવે તમારો વારો !

લેખક : પ્રદિપ પ્રજાપતિ

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here