નવા વર્ષમાં જો તમે આ 9 બાબતો ધ્યાનમાં રાખશો તો કદી દુઃખી નહિ થાવ એની ગેરંટી

વિક્રમ સંવત 2074નું વર્ષ શરુ થઇ ચૂક્યું છે. નવા વર્ષે અપનાવવા જેવી નવ બાબતો આપની સાથે શેર કરું છું. આપણે સૌ ડિઝિટલ યુગમાં જીવી રહ્યા છીએ ત્યારે આ નવ બાબતોનો અમલ આપણને અને બીજાને ઉપયોગી અને આનંદદાયક બની રહેશે.


1. કોઈ વ્યક્તિને કોલ કરો ત્યારે સીધી વાત ચાલુ ના કરી દો સામેવાળો માણસ વાત કરી શકે એવી સ્થિતિમાં છે કે કેમ એ પૂછો અને એને અનુકૂળતા હોય તો વાત આગળ વધારો. મોટા ભાગના તો ફોન રિસીવ કર્યો નથી કે સીધા ચોંટી જ પડે.


2. તમારી સાથે 2 મિનિટ વાત કરવી છે એમ કહીને 20 મિનિટ ના ચોંટી જાવ. તમે નવરા હોઈ શકો પણ સામેવાળો માણસ વ્યસ્ત હોય. લાંબી વાત કરવી જરૂરી હોય તો પહેલેથી જ કહી દો કે આટલો સમય વાત કરવી છે.

3. કોઈને કોલ કરો અને ફોન ના ઉપાડે તો વારંવાર ફોન કરવામાં ચોંટી ના પડાય. એ કોઈ કામમાં હોય એટલે ફોન નહિ ઉપાડતા હોય અથવા તમારી સાથે અત્યારે વાત કરવામાં એને રસ નહી હોય. અતિ અગત્યનું કામ ના હોય તો તુરંત બીજીવાર કોલ ના કરો.

4. વોટ્સએપ ગ્રુપ બનાવીને મનફાવે એને એડ ના કરો. જેને એડ કરવા ઈચ્છો છો એને કમસેકમ પૂછો તો ખરા કે આ હેતુ માટે આ ગ્રુપ બનાવ્યું છે તો આપને એમાં એડ કરીએ ?

 5. જો તમે કોઈ વોટ્સએપ ગ્રુપના સભ્ય હોય એ ગ્રુપનો ઉદેશ જાણો અને એ સિવાયના ફાલતુ મેસેજ ગ્રુપમાં ના કરો. જે હેતુ માટે ગ્રુપ બનાવ્યું હોય એ હેતુને લગતા ઓછા અને અર્થવગરના મેસેજ વધુ થતા હોય છે.


6. માત્ર ચીલાચાલુ મેસેજ, ફોટો કે વીડિયો – ઓડિયો મોકલી બીજાનો ટાઈમ ના બગાડો. તમારા આવા બકવાસ મેસેજ લોકો જોયા વગર સીધા જ ડિલીટ કરી દેતા હોય છે.

7. કોઈપણ મેસેજ ફોરવર્ડ કરતી વખતે સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરો. “આપણા રાષ્ટગીતને ફલાણો એવોર્ડ મળ્યો” જેવા ઉપજાવી કાઢેલા મેસેજ આગળ મોકલતા પહેલા ગૂગલમાં સર્ચ કરીને ખાતરી કરી લેવી.
8. કોઈ વ્યક્તિને મેસેજ મોકલનાર તમે એક જ નથી એટલે માપમાં મેસેજ મોકલવા. ભોજન ભલે સ્વાદિષ્ટ હોય પણ માપ બહાર જાય તો નકામું.


9. સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરો અને મોજ કરો પણ કાલ્પનિક જગત અને વાસ્તવિક જગત વચ્ચેનો તફાવત સમજો. પારકાને પોતાના બનાવવાની દોડમાં પોતાના પારકા ના થઇ જાય એ જોજો.

લેખક: શૈલેષ સગપરિયા

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!