“તોડ” – એક એવા પોલીસવાળાની કહાણી જે કરતો હતો બીજાનો તોડ અને ખુદ તોડનો શિકાર બની ગયો…..વાંચો સુંદર ને સમજવા જેવી વાર્તા….

0

પી એસ આઈ રાઠોડ પોતાની ચેમ્બરમાં બેઠા હતા. સવારના દસેક વાગ્યા હતા. બહાર બે કોન્સ્ટેબલ અને એક રાઈટર ખૂણામાં બેઠા હતા. એનાથી દૂર એક ટેબલ પર બે લેડી કોન્સ્ટેબલ બેઠી હતી. પોલીસ સ્ટેશનની બહાર જ આવેલ જગલાની ચાની લારીમાંથી સાહેબ માટે સ્પેશ્યલ કડક અને મોળી ચા આવી ગઈ હતી!! જગલો ચા દેવા આવ્યો હતો. પી એસ આઈ રાઠોડની ચા દેવા જગલો રોજ પોતે આવતો. સાહેબની સ્પેશ્યલ ચા પણ એ પોતેજ બનાવતો.

પી આઈ રાઠોડ ચા પી રહ્યા હતા ને ત્યાજ જગલો બોલ્યો.
“સાબ હમણા એક મહત્વનો કેસ તમારી પાસે આવશે. કેસમા આમ તો ખાસ કશું જ નથી. પણ છે મહત્વનો.. તમારો આજનો દિવસ સુધરી જવાનો છે!!”

“એમ તો પછી ભલે આવતો કેઈસ!! આપણે તો એ માટે જ બેઠા છીએ ને” પીએસ આઈ ધીમે ધીમે ચાની ચુસ્કી લઇ રહ્યા હતા. જગલાની વાત પર એને વિશ્વાસ હતો..
પી એસ આઈ તરીકે એનું પોસ્ટીંગ થયું એને હજુ આઠ માસ જ થયા હતા. અહી અગાઉ ના પી એસ આઈ બારડ હતા એમને જ કીધું હતું રાઠોડને.
“ આ ચા વાળા જગલા પર ભરોસો મુકવા જેવો છે. આમ તો એ પચાસ વટાવી ગયો છે. પણ ઉમરમાં હજુ એ ચાલીશનો જ લાગે છે. આ આખા વિસ્તારની છઠ્ઠી જાણે છે. જગલો તમારું કામ કરી જ દેશે. અને જે આપો એ લઇ પણ રહેશે. વળી તેનો સારામાં સારો પ્લસ પોઈન્ટ એ છે કે એને તમારી સાથે ગાઢ સંબંધો છે એ ગઈ વગાડીને કોઈને કહેવાની ટેવ જ નથી. મારો તો આ પોલીસ સ્ટેશનમાં ચાર વરસનો અનુભવ છે. ઘણા ગૂંચવાડા વાળા કેઈસમાં જગલાની માહિતી મને કામમાં લાગી છે. વળી એના બાપા પણ આ જ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે નિવૃત થયા. એ બહુ ભણી ના શક્યો એટલે આ ચાની લારી કરી દીધી એને.. વળી આ મેઈન બજારનો વિસ્તાર એટલે ધંધો સારો ચાલે છે. હું એને ભલામણ કરતો જાવ છું. આજુ બાજુના વિસ્તારમાં કોઈ પણ કેઈસ આવે અને તમને આરોપી કે ફરીયાદીમાં સાચું કોણ એમાં જયારે જયારે શંકા જાગે ત્યારે જગલાનું માર્ગ દર્શન લેવાનું. એની વાત એકદમ સચોટ હશે. વળી એની સહુથી મોટી ખાસિયત તો તમને કહેવાનું ભૂલી ગયો કે એ કયારેય તમારી પાસે કોઈની ભલામણ લઈને કે કોઈના તોડમાં વચ્ચે નહિ આવે!! જગલાની સલાહથી કોઈ કેઈસમાં કદાચ બે પૈસા આપણને મળે તો પછી યોગ્ય લાગે એ રકમ એને આપી દેવાની. જે આપશો એ લઇ લેશે!!”
જગલાના બે દીકરાઓને પણ ચાની જ લારીઓ હતી. એકની લારી બસ સ્ટેન્ડ પાસે હતી અને બીજાની લારી મેઈન બજારમાં હતી.પણ પોલીસ સ્ટેશનની અડીને આવેલ આ જગલાની લારીએ જેટલો વકરો બીજે ક્યાય થતો નહિ. પોલીસ સ્ટેશનમાં કોઈ કેઈસ આવે એટલે લોકોના ટોળા આવે.ચા ની લારી પાસે ઉભા રહે. બધા ટાઈમપાસ કરવા ચા પીવે.જગલો બધાની વાતો સાંભળે. બોલે કાઈ નહિ પણ બધું જ મગજમાં ઉતરતું જાય. આમ ને આમ એ તમામ માણસોને પારખી ગયેલો.અને થોડા જ દિવસોમાં પી એસ આઈ રાઠોડને પણ ખ્યાલ આવી ગયો કે જગલો છે કામનો. આમ તો આ નવસારી બાજુનું નાનું ય નહિ અને મોટુંય નહિ એવું ગામ હતું. મહારાષ્ટ્રની બોર્ડર નજીક પડે એટલે દારૂના બુટલેગરો આજુબાજુના વિસ્તારમાં ધમધમતા. શરૂઆતમાં તો એ આવ્યા ત્યારે કડક ઓફિસરની છાપ હતી. બળ કરી કરીને તુટી ગયા ત્યારે વિદેશી દારુ પકડવાના માંડ માંડ બે નાના કેઈસ એ કરી શક્યા. સ્ટાફમાં પણ ખાસ મોટી ઓળખાણ નહિ. પેલી વાર નેશનલ હાઈવે આઠ પર પીએસઆઈ રાઠોડે જગલાને બોલાવીને કહેલું.

“ મારે આ વિસ્તારના બુટલેગરોના નામ જોઈએ છે. તમામ ડીટેઈલ્સ સાથે. એ લોકો ક્યારે અને ક્યાં રસ્તે દારૂની હેરફેર કરે છે અને કટિંગ ક્યાં થાય છે એની માહિતી મારે જોઈએ છે. મને બારડે તારા વિષે બધી જ માહિતી આપી છે. બારડ સાથે જેવા સંબંધો હતા એવા જ સંબંધો આપણી બેની વચ્ચે રહેશે. પોલીસ સ્ટેશનમાં આપણે બને ત્યાં સુધી કોઈ વાતો નહિ કરીએ”
“મોટામાં મોટો બુટલેગર તો ગુણુ શેઠ છે. એ દિવસે માલ લાવે છે. એના જ ફાર્મ હાઉસની બાજુમાં આવેલ એક ભંગારના ડેલામાં માલ નું કટિંગ અને ડીલીવરી થાય છે. એનો આ ભંગાર અને કાંટાનો ધંધો તો દેખાવ પુરતો જ છે બાકી એનું સેટિંગ છેક ઉપર સુધી છે. તમે થોડી રાહ જુઓ અઠવાડિયા માં હું તમને જણાવી દઉં ત્યારે બપોરની રેઇડ મારવાની.. મેઈન રોડ પરથી નહીં પણ પાછળ એક વેણ જેવું છે ત્યાંથી રેઇડ પાડો અને નવા આવેલ બે કોન્સટેબલને જ સાથે રાખશો. જુના છે એ બધા ગુણું શેઠના ગુલામ છે. અને ખાસ તો પેલી બે લેડી કોન્સ્ટેબલ છે એ ખતરનાક છે. એ જેટલી દેખાય છે એટલી જ ભોમાં છે. કોઈ એવી ચર્ચા એ બે જણીઓ હોય ત્યારે નહિ જ કરવાની.” જગલો બધી જ વાત પાકા પાયે કરતો હતો. અને ત્રણ દિવસ પછી જ પી એસ આઈ રાઠોડે ત્રણ ટ્રકમાંથી દારુ પકડી પાડ્યો. આમ તો એ ત્રણ ટ્રક મુંબઈ થી ભંગાર લઈને રાજકોટ બાજુ જતા હતા. ભંગારની વચ્ચે દારૂનું પેટીઓ નીકળી. જોકે પકડાઈ ગયા પછી તરત ઉપરથી ફોન આવી ગયા. પી એસ આઈ રાઠોડે હતું એટલું બધું બળ કરીને કડક રહેવાનું હતું એટલું કડક રહ્યા અને પછી એક માસિક મોટી ઓફર સ્વીકારી લીધી. ફક્ત પાંચ પેટીનો એક જ ટ્રકમાંથી કેઈસ નોંધ્યો અને બાકીનો માલ સગેવગે કરાવી નાંખ્યો. બીજે દિવસે છાપામાં ફોટાઓ સાથે હેડલાઈન્સ ફરતી હતી.

“નવા આવેલ પીએસઆઈનો સપાટો!! બુટલેગરો જમીનમાં ઉતરી ગયા!! પ્રજામાં આનંદની લાગણી!!

બસ પછી તો બીજા ચારેક કેસમાં પણ જગલાની સલાહ એટલી ઉપયોગી નીવડી હતી કે પીએસઆઈ રાઠોડને ક્રેડીટની સાથો સાથ સારી એવી ગુલાબી નોટો પણ મળી આવી હતી. જગલા સાથેનું સેટલમેન્ટ રંગ લાવી રહ્યું હતું. પણ કોઈને એની ગંધ સરખી પણ ના આવી.!!

જગલો ચાના કપ લઈને ગયો પછી થોડી જ વારમાં એક ઈનોવા આવી.એમાંથી બે જણાએ એક બાવીસેક વરસના છોકરાને એક છોકરાને ઉતાર્યો અને લઇ ગયા સીધા પોલીસ સ્ટેશનમાં. થોડી વારમાં જ વીસેક માણસોનું ટોળું ભેગું થઇ ગયેલું. અને ચા ની લારીની આજુબાજુ માણસોનો અડ્ડો જામ્યો. એક કોન્સ્ટેબલ આવ્યો અને દરવાજા પાસે આવીને હાથ લાંબા કરીને ત્યાં નજીક ઉભેલા માણસો ઉપર ગાળોની પ્રેકટીશ કરી.એટલે એ માણસો પણ ચાની કેબીન લારી પાસે ટોળે વળ્યા. જગલાએ ચાનું તપેલું ચડાવ્યું અને ટોળે વળેલા લોકોએ વાતચીતનું તપેલું ઉકાળવા માંડ્યું.

“કેદાર શેઠે સરખાઈનો ઝુડ્યો લાગે છે!! વાંહે ભરોળ્યું પડી ગઈ છે છોકરાને!! અને હવે પોલીસ વાળા ઝુડશે એ વધારામાં” એક પાતળી સોટી જેવી કાયા ધરાવતો માણસ બોલ્યો.

“પણ બનાવ તો કાલે સાંજે છ વાગ્યે બન્યો છે અને અત્યારે પોલીસ સ્ટેશન પર કેમ લઇ આવ્યા છે?? આખી રાત છોકરાને ઘરે જ પૂરી રાખ્યો છે.અને ઢોર માર માર્યો છે. મારો ભાઈબંધ તેજસને કેદાર શેઠનું ઘર પડખે પડખે છે એટલે મને ખબર બાકી આપણને આમાં કઈ રસ નહિ” ગલોફામાં ડબલ વિમલ ચડાવેલો એક હદ કરતા વધારે જાડો માણસ બોલતો હતો.”

“ આ બધા શેઠિયા કહેવાય.. એનું બધુય હાલે.. એને કોઈ ના કહે.. બાકી કાયદા પ્રમાણે તમે કોઈને હાથ લગાવી ન શકો!! પોલીસ પણ કોઈની મારઝૂડ ના કરી શકે.. પણ આ ગામનો નથી અને બહારગામનો છે. અને બિચારો મજુરી કરતો હતો. કેદારશેઠને ત્યાં ઉપલા માળે રંગનું કામ કરતો હતો. અને ખોટો આરોપ આવ્યો છે.. બાકી કેદાર શેઠ અને એની પત્નીને આખું ગામ ઓળખે છે” ખાદીધારી અને વધી ગયેલ દાઢી વાળો એક ભાઈ બોલતો હતો.
“ ગુન્હો કબૂલ કરી લીધો હોત તો રાતે જ ફેંસલો થઇ જાત… પણ આ માન્યો નહિ.. એટલે થોડો ચમત્કાર દેખાડવા જ લાવ્યા છે.. હવે સરખાઈનો સલવાય જાવાનો છે.. કેદારશેઠની સાથે સાથે ધારાસભ્યનો ભત્રીજો પણ છે એટલે પોલીસ વાળા પણ સરખાઈના ધીબેડશે..”

લોકો વાતો કરતા રહ્યા. જગલો ચા બનાવતો રહ્યો અને બીજા બે જણા ચા લોકોને આપતા રહ્યા અને પૈસા ઉઘરાવતા રહ્યા. લોકોનું ટોળું વધતું રહ્યું અને નિત નવી વાતો થતી રહી!!

કલાક પછી કેદાર શેઠ અને તેની સાથે આવેલ ધારાસભ્યનો ભત્રીજો જતો રહ્યો. પેલાને કસ્ટડીમાં પૂરી દીધો અને થોડી વારમાં જ પી એસ આઈ રાઠોડની જીપ નીકળી તેની સાથે બે લેડીઝ કોન્સ્ટેબલ હતી. લોકો વાતો કરવા લાગ્યા.
“હવે પેલીનું નિવેદન લેવાશે.. થોડો ઘણો તોડ તો થશે જ પછી જ કલમો લાગશે અને એ કલરકામ કરવા વાળાના ભુક્કા નીકળી જશે” અને પછી ધીમે ધીમે ટોળું વિખેરાયું. એકાદ બે પત્રકારો પણ આંટા મારી ગયા પણ કોન્સ્ટેબલે એને કહી દીધું કે સાહેબ ઘનિષ્ઠ તપાસ કરવા ગયા છે. વિધિવત ફરિયાદ નોંધાશે એટલે તમને સામેથી બોલાવી લઈશું. અને બ્રેકીંગ ન્યુઝ વાળા જતા રહ્યા. લગભગ સાંજના ચારેક વાગ્યે રાઠોડની જીપ પાછી ફરી અને રાતે નવ વાગ્યે હાઇવે પર એક નિર્ધારિત સ્થળે જગલો અને પી એસ આઈ રાઠોડ ભેગા થયા.

“ આમાં હું કઈ નક્કી કરી શકતો નથી. રંગકામ કરવા વાળો નિર્દોષ હોય એમ લાગે છે. અને સામે કુબેર શેઠ અને તેની પત્ની કહે છે કે એ પંકજે એનો હાથ પકડ્યો. એક મહિનાથી એ બંગલાની ઉપર કલરનું કામ કરે છે. વળી કેદાર શેઠનું કહેવું એવું હતું કે એ પહેલેથી થોડા નખરા કરતો હતો અને પછી હદ વટાવી ગયો એટલે ના છૂટકે એને આ કરવું પડ્યું છે. છોકરો ના પાડે છે અને એ પોતાની મજુરી માંગે છે અને શેઠ એને મજુરી નથી આપવા માંગતા. એ આવા આવારા તત્વોને પાઠ ભણાવવા માંગે છે. આખી રાત શેઠે એને બંગલામાં રાખ્યો માર્યો પણ ખરો પણ પેલો પૈસા લીધા વગર જવા તૈયાર નથી” પી એસ આઈ રાઠોડે કહ્યું. અને પછી જગલો શરુ થયો.
“શેઠ અને શેઠાણી ખોટા છે એ સો ટકા ની વાત!! પૈસા ચુકવવા ન પડે એ માટેનું આ નાટક છે.. તમે તો હજુ નવા છો એટલે તમને એ કેદાર શેઠની ખબર ના હોય. એની રૂપાળી પત્ની સાવ લખણખોટીની છે. આ કેદાર શેઠના બીજા લગ્ન છે.એની પહેલી પત્ની ખાનદાન હતી. પણ શેઠને આ જળ કૂકડી વળગી એટલે શેઠે પેલીને લખણું કરાવીને છુટી કરી દીધી અને આને ઘરમાં બેસાડી દીધી. પેલા તો બધા એને કેદારો કહેતા પણ આ આવીને પછી જ એને બધા કેદાર શેઠ કેદાર શેઠ કરે છે. અને પછી એ ધનવાન પણ થઇ ગયા. એ કેમ ધનવાન થયા એમાં તમે સમજી જાવ.. મારે એની બાયડીની વાત કરીને પાપમાં નથી પડવું અને એની કથા કરવા બેસું તો સવાર પડે પણ મેળના આવે. ધારાસભ્યનો ભત્રીજો તો લગભગ ત્યાંજ હોય પણ મહીને બે મહીને ધારાસભ્ય પણ પોતાના મતક્ષેત્રની મુલાકાત લેવા આવે ત્યારે કેદાર શેઠને ત્યાં જ એનો ઉતારો હોય છે!! એટલે એકાદ દિવસની રાહ જુઓ પછી કાયદાકીય રીતે કામ કરવું” જગલાએ બીડી ઓલવતા ઓલવતા કહ્યું.

બીજે દિવસે સવારે પી એસ આઈ રાઠોડ ખુદ જગલાની કેબીને ચા પીવા ઉભા રહ્યા. જગલાને લાગ્યું કે સાહેબ ને કઈ અગત્યની વાત કહેવાની છે અને સાંજ સુધી એ ખમી શકે એમ નથી. એટલે સાહેબ માટે સ્પેશ્યલ ચા બનાવવા લાગ્યો અને સાહેબે પણ વાત શરુ કરી.
“તારી વાત સાચી છે એને મે રાતે રિમાન્ડ ઉપર લીધો. ધોલ થપાટ કરી પણ એ એની વાતને વળગી રહ્યો. પછી મેં એને પ્રેમથી જમાડ્યો અને વિશ્વાસમાં લીધો. એણે મને કહ્યું કે હું ના પાડતો હતો તોય શેઠની પત્ની મારી આગળ નખરા કરતી હતી. મને સામેથી ફોન પણ કરતી હતી. શરૂઆતમાં મેં ના પાડી પણ પછી હું ય એની સાથે વાતો કરવા લાગ્યો. એનું કોલ રેકોર્ડીંગ પણ એના ફોનમાં હતું. મેં એ સાંભળ્યું પણ ખરું. બે ત્રણ વિડીયો પણ છે એમાં શેઠાણી સામેથી જગલાને ઉશ્કેરે છે. એ પણ મેં જોયા. એને વળી ભગવાને એટલી બુદ્ધિ સુઝાડી હશે કે મોબાઈલમાં એણે વળી શુટિંગ કરી લીધું. તારી વાત સાચી છે એ સાવ નિર્દોષ છે!! મજુરીના પૈસા ના દેવા પડે એટલા માટે આ નાટક કર્યું. શેઠને એમ કે પોલીસની બીક બતાવું અને થોડો મારું એટલે આ એના પૈસા લઈને ભાગી જશે .પણ પેલો તો એક નો બે નો થયો અને કીધું કે મને મજુરી નો મળે તો હું તમારા બંગલાની સામે બેસીશ એટલે ના છૂટકે પછી પોલીસ સ્ટેશને લાવ્યા.” પી એસ આઈ રાઠોડ હળવા અવાજે વાત કરી રહ્યા હતા. જગલો બધું સાંભળતો હતો.

“ તો હવે એ પુરાવા આપો કેદાર શેઠને અને એ ધારાસભ્યના ભત્રીજાને અને એ બિચારા રંગ કરવા વાળાને એના મજુરીના પૈસા અપાવી દો. અને તમને જેટલા મળે એટલા તમે લઇ લ્યો. કેસ કરો ડીસમીસ” જગલો બોલતો હતો પણ એની નજર પીએસઆઈ સામે નહોતી એની નજર ઉકળતી ચાની તપેલી પર હતી. અને પીએસઆઈ રાઠોડ પોલીસ સ્ટેશનમાં ચાલ્યાં ગયા

કલાક પછી કેદાર શેઠ અને પેલો કાયમી એનો સાથીદાર ધારાસભ્યનો ભત્રીજો આવ્યો. દુર ઉભેલું ટોળું વળી ચાની લારી નજીક આવ્યું.
“ સમાધાન થઇ જશે એમ લાગે છે. હજુ એફ આઈ આર નથી થઇ.પોલીસ ખાતાનો એક નિયમ છે. કોઈ ફરિયાદની એફ આઈ આર ૪૮ કલાક સુધી ના થાય એટલે સમજી જવાનું કે આ બધું ભીનું સંકેલવાના એંધાણ છે. ઘીના ઠામમાં ઘી પડી જવાનું છે. પણ મકાન રંગવા વાળાને કાઈ મળશે નહિ.શેઠ અને પીએસઆઈ બધું સમજી લેશે.” પેલો ખાદી વાળો અને વધી ગયેલ દાઢી વાળો બોલતો હતો. કેસ ગમે એનો હોય.. ગમે એવો હોય.. આ ખાદી વાળો અને વધી ગયેલ દાઢી વાળો તો લગભગ લગભગ દરેક કેસ વખતે હાજર જ હોય!!

“તમારો જ રૂપિયો ખોટો હોય તો પછી તમે શું કરી શકો??” એક બગાસું ખાતા કહ્યું. બે કલાક સુધી વાતો થતી રહી. જગલો તો ચા ઉકાળતો રહ્યો અને રોકડી કરતો રહ્યો. અને બે કલાક પછી કેદાર શેઠ બહાર નીકળ્યા ધારાસભ્યના ભત્રીજા સાથે.. સાંજના આઠ વાગ્યે પેલો રંગ કરવા વાળો પણ બહાર નીકળી ગયો અને જગલો તો ચાની તપેલી ઉકાળવામાં જ વ્યસ્ત હતો. સાંજના આઠેક વાગ્યે પી એસ આઈ ચાની લારી પાસે આવ્યા. જગલો તપેલી ઉટકીને ચા બનાવવા લાગ્યો અને પી એસ આઈ બોલ્યા.
“પછી પેલું પતાવી દીધું છે. શેઠે અને ભત્રીજાએ થોડી વાઈડાઈ કરી. પણ જેવા મે પુરાવા દેખાડ્યા કે લોકો ચુપ થઇ ગયા. મેં એને વધારે દમદાટી મારી અને કીધું કે હવે આ રંગ વાળો એફ આઈ નોંધાવવાનો છે.અને તમારી અને તમારી પત્ની ની અને આ તમારા સાગરિતની ધર પકડ કરવી પડશે. એમ કહીને મેં રાઈટરને બોલાવ્યો ને ત્યાં શેઠ તો રીતસરના હાથ જોડીને ઉભા રહી ગયા.ત્યાને ત્યાં એને રંગવાળાને પૈસા ચૂકવી દીધા. પેલા એ પણ નિર્ધારિત રકમ કરતા દસ હજાર વધુ માંગ્યા તોય આપી દીધા.પછી મેં પણ મારી રીતે લઇ લીધા. અને એના મોબાઈલમાંથી પેલું બધું ડીલીટ મારી દીધું.મોબાઈલ જ ફોરમેટ મારી દીધો. ક્યાય પ્રૂફ ન રહે એ રીતે.. શેઠ ને બધું જ બતાવી દીધું… અને કેસ સોલ્વ કરી દીધો.રંગકરવા વાળાને મેં કીધું કે હવે તું આ બાજુ ડોકાતો પણ નહીં. ટૂંકમાં શેઠ પાસેથી આપણે ઘણી મોટી રકમ લઇ લીધી છે. અને થોડા દિવસ હવે હું સાવ હલવાનો પણ નથી.ધારાસભ્યના ભત્રીજાને થોડી ખાઈ તો ગઈ છે પણ એ લાચાર હતો.એ કશું કરી શકે એમ તો હતો જ નહિ. પણ કોઈને કોઈ રીતે એ મને સાણસામાં લેવા પ્રયત્ન તો કરશે જ. કદાચ બદલી પણ થાય પણ હવે અફસોસ નથી” પી એસ આઈ રાઠોડ ચાની ચૂસકી લઇ રહ્યા હતા. જગલો હવે લારીમાં બધું સંકેલી રહ્યો હતો.!!

બીજે દિવસે અગિયાર વાગ્યે પેલો રંગ કરવાવાળો અને એની સાથે બીજો એક પોલીસ સ્ટેશનમાં ગયા.જગલો જોતો હતો અને કલાક પછી એ લોકો જતા રહ્યા અને સાંજે પી એસ આઈ રાઠોડ નિર્ધારિત સ્થળે જગલા સામે નેશનલ હાઈવે નંબર આઠ પર બેઠા હતા. આજે એમની પાસે રોયલ સ્ટેગની એક બોટલ હતી. જગલાને અનુભવ હતો કે રાઠોડ સાહેબને ખુબ ટેન્શન હોય ને ત્યારે જ એ ડ્રીંક કરતા એ સિવાય નહિ. ટેબલ પર બાઈટીંગ હતું. જગલો ચા બનાવતો પણ ચા પીતો નહિ એમાં ડ્રીંકની વાત તો ઘણી દૂર હતી. એક ડ્રીંક બનાવીને રાઠોડ એકી શ્વાસે પી ગયા. અને બીજો પેગ બનાવી રહ્યા હતા.આ બાજુ જગલો બીસટોલ સળગાવીને શીંગ ખાઈ રહ્યો હતો. રાઠોડ બોલ્યા.
“ આજ તો જાણે પત્તર જ ખંડાઈ ગઈ સાલી!! જીવનમાં કોઈ દિવસ આવું થયું નથી.. ઘણા લોકોના તોડ કરનાર રાઠોડનો આ પીએસઆઈ રાઠોડનો તોડ થઇ ગયો આજે સાલો” જ્ગલાએ જોયું કે સાહેબને રોયલ સ્ટેગની અસર થઇ છે. એણે પૂછ્યું.
“માંડીને વાત કરો તો ખબર પડે, તમે શું કહો છો એ હું સમજ્યો જ નહિ” રાઠોડ બીજો પેગ પણ ટટકારી ગયા પછી બોલ્યાં.

“સવારે પેલો રંગ કરવાવાળો આવ્યો હતો એની સાથે બીજો પણ એક હતો. આવીને મને એનો મોબાઈલ દેખાડ્યો.પેલા ડીલીટ કરેલા કોલ રેકોર્ડીંગ અને ત્રણ વીડીયો એની પાસે હતા. મારા બેટાએ મને આપતા પહેલા વોટ્સએપથી એના ભાઈ બંધને બધું મોકલાવી દેતો એ પણ રોજે રોજ!! મને કહે કે તમે જે તોડ કર્યો એમાંથી અડધો ભાગ મને મળવો જોઈએ. નહિતર હું આ બધું બહાર પાડી દઉં. ઘડીક તો હું ચક્કર ખાઈ ગયો.વળી કહે કે હું અને મારા ભાઈ બંધ અહી આવ્યા છીએ એની મારા બીજા ભાઈબંધોને પણ ખબર છે એટલે તમે મને મારશો તો મામલો વધુ ગૂંચવાઈ જશે.પછી મેં એને કીધું કે તારે જાહેર કરવા હોય તો કરી દે!! મને શું ફેર પડે છે?? જે આબરૂ જશે એ શેઠની જશે!! હું તો ફરી વખત ફરિયાદ લઇ લઈશ!! થોડી વાર એ ના બોલ્યો અને પછી એનો ભાઈ બંધ જે એની સાથે આવેલ હતો ઈ બોલ્યો. એણે રંગવાળાના ખિસ્સામાંથી જે પેન હતી એ ટેબલ પર ખોલી અને બતાવીને કહ્યું કે આ પેન નથી પણ એક કેમેરો હતો. આ પોલીસ સ્ટેશનમાં તમે જે વાતો અને જે તોડ શેઠ સાથે કર્યો છે એ બધું રેકોર્ડ થઇ ગયું છે અને આ મારા મોબાઈલમાં વિડીયોમાં છે. મારા ભાઈ બંધોની પાસે પણ પહોંચી ગયું છે. અમે તમને સીધી રીતે અડધો ભાગ આપવાનું કહેતા હતા.પણ તમે ના માન્યા.હવે આ બધું મીડિયા પાસે અને સીધું એસ પી સાહેબ પાસે અને રેન્જ ડી આઈ જી પાસે જશે. મારા તો મોતિયા જ મરી ગયા. મેં બધું રેકોર્ડીંગ જોયું.તોડ કરતા અને પૈસા લેતા હું હાથોહાથ આવી ગયો હતો. પછી તો મેં એ બધી જ રકમ એને આપી દીધી અને ઉપરથી બીજા લાખ આપ્યા ત્યારે એ લોકો ગયા.. જીવનમાં આવું ક્યારેય બન્યું નથી.. સાલાઓ પોલીસ વાળાનો તોડ કરી ગયા.. કુદરત સાત ભવે પણ એને નહિ છોડે”” રાઠોડ બબડતા રહ્યા પેગ ઉપર પેગ ખાલી કરતા રહ્યા. જગલા એ બીસટોલનું ઠુંઠું ફેંક્યું અને સાહેબને જીપમાં બેસાર્યા. ડ્રાઈવરે જીપ ગામ બાજુ મારી મૂકી. જગલો ત્યાં થોડી વાર બેઠો રહ્યો. કલાક પછી પેલા બે આવ્યા એક રંગ કરવા વાળો હતો અને બીજો એનો ભાઈ બંધ!!

જગલા એ બીસટોલ સળગાવીને બોલ્યો.
“ સરસ હવે તમે લોકો અત્યારે જ નીકળી જાવ આ બાજુ ડોકાતા પણ નહિ. આજ થી દસ વરસ પહેલા એક રંગવાળા ને આ રીતે જ કેદાર શેઠે ઝપટમાં લીધેલ. એ બિચારો તમારી જેમ જ બહારથી આવેલ મારી હોટેલ પર ચા નાસ્તો કરતો હતો છેલ્લે છેલ્લે શેઠાણીએ આળ નાખ્યું અને વગર મજૂરીએ ભગાડી દીધો એટલું જ નહિ પણ મજુરી તો ના આપી પણ એની અગાઉની કમાણી પર આ લોકો તોડ કરી ગયા હતા. એ વખતે પીએસઆઈ બીજા હતા. એનો રડતો ચહેરો મારી નજર સામેથી ખસતો નહોતો. એમાં મેં સંભાળ્યું કે શેઠના ઉપલા માળે કલર કરવા બહારથી કોઈ કારીગર આવ્યો છે. આ આજુબાજુ ના કોઈ કારીગર એને ત્યાં ભૂલે ચુકે પણ ના જાય.. મને પેલી વાત યાદ આવી ગઈ અને મેં તને ચેતવી દીધેલો. શેઠાણીની તમામ હરકતના પુરાવા એકઠા કરાવી લીધા હતા. બધું જ સ્ક્રીપ્ટ પ્રમાણે થયું હતું. એક કાંકરે ઘણા પક્ષીઓ મરી રહ્યા હતા. પી એસ આઈ પણ લાલચુ બની રહ્યા હતા. ઘણા સમયથી એ મારી રકમ ઓછી કરી રહ્યા હતા. હું એમને બાતમીઓ આપતો એ મોટો તોડ કરી પણ નાંખે પણ મને સાવ નજીવી રકમ આપતા હતા. બસ આ વખતે સરખાઈના ઝપટે ચડાવી દીધા છે. હમણા તો એ કશો જ ચાળો નહિ કરે અને ધારાસભ્યનો ભત્રીજો એમની બદલી કરાવી નાંખશે એકાદ મહિનામાં એટલે હવે એ આમેય મારા કામના રહ્યા નથી. સહુ સહુની લાલચે મરે એમાં હું શું કરી શકું??” કહીને જગલા એ બીસટોલ સળગાવી.

અડધી રકમ જગલાને આપી ને પેલો રંગ કરવાવાળો વાળો અને એનો સાથીદાર ચાલતા થયા. જગલો પણ પોતાનો હિસ્સો લઈને ચાલતો થયો!!

આ જીવન છે રોજ બીજાના તોડ કરવા વાળાનો તોડ પણ કોઈક કરી જાય એવું પણ બને!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨ , “હાશ” શિવમ પાર્ક સોસાયટી ,સ્ટેશન રોડ,મુ.પો ઢસા ગામ તા .ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here