માત્ર વિચારવામાં અને વાંક કાઢવામાં જ જીંદગી પુરી ન થઇ જાય એની તકેદારી રાખવી

કરીયાણાની દુકાન પર એક યુવક ખરીદી કરવા માટે આવ્યો હતો. યુવાને એમના ખીસ્સામાંથી ખરીદવાની વસ્તુઓની યાદી કાઢી. લાંબી યાદી જોઇને દુકાનદાર રાજી થયો કે આજે સવાર-સવારમાં જ કોઇ મોટો ગ્રાહક મળી ગયો. આજનો દિવસ સુધરી જશે. યુવક યાદી મુજબની વસ્તુનું નામ બોલતો જાય અને દુકાનદાર તે વસ્તુ યુવાનને બતાવતો જાય. યુવાન દરેક વખતે દુકાનદારે આપેલી વસ્તુ હાથમાં લઇને થોડીવાર ધ્યાનથી જુએ અને પછી મોઢુ બગાડે.

દુકાનદારને થયુ કે દરેક વસ્તુંમાં આ આવુ કેમ કરે છે ? એણે યુવાનને પુછ્યુ, “ ભાઇ, શું થયુ ? વસ્તુઓ જોઇને કેમ મોઢુ બગાડો છો ? મારી દુકાનમાં હું નબળો માલ રાખતો જ નથી. ભાવ બીજા કરતા થોડા ઉંચા લઉં છું પણ ગુણવત્તા સાથે ક્યારેય કોઇ પ્રકારની બાંધછોડ કરતો નથી. યુવાને તો દુકાનદારના મોઢે જ ચોપડી દીધુ ‘ આ તે કંઇ સારી ગુણવત્તાવાળી વસ્તું કહેવાય ? તમે મને ઓળખતા નથી એટલે આવી વસ્તુઓ બતાવો છો. હું ક્યારેય ક્વોલીટીમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતો. આવી વસ્તુઓ ચાલે જ નહી. બીજી વસ્તુઓ હોય તો બતાવો.’ દુકાનદારે બીજી કેટલીક વસ્તુઓ બતાવી પણ યુવાન દરેક વસ્તુમાં કંઇકને કંઇક ખામી કાઢીને આ નહી ચાલે એમ કહે.

એક બહેન પણ એના નાના બાળકને લઇને ખરીદી કરવા માટે આવેલા. દુકાનદાર પેલા યુવાન સાથે વ્યસ્ત હતો એટલે બહેન રાહ જોઇને ઉભા હતા અને બંને વચ્ચેની વાત સાંભળતા હતા. થોડીવાર પછી નાનો બાળક કંટાળ્યો એટલે એ રડવા લાગ્યો. બહેને દુકાનદારને કહ્યુ, “ ભાઇ મારો છોકરો રડે છે. મને આટલી વસ્તુઓ ફટાફટ આપી દો એટલે હું ઘરે જાવ આ ભાઇને જે જોઇતું હોય એ પછી નીરાંતે આપજો.”

દુકાનદારે બહેનના હાથમાંથી લીસ્ટ લઇને લીસ્ટ મુજબની વસ્તુ કાઢવાની શરુ કરી એટલે પેલો યુવાન ત્યાંથી જતો રહ્યો. બહેને દુકાનદારને કહ્યુ, “ ભાઇ, આ માણસ સાંજ સુધી તમારી દુકાને ઉભો હોતને તોય એક વસ્તું પણ ખરીદવાનો નહોતો. તમે ગમે તેવી સારી વસ્તુઓ બતાવત તો પણ એ તમારી વસ્તુઓમાં ખામીઓ જ કાઢવાનો હતો.” દુકાનદારે બહેનને પુછ્યુ, “ તમે એમને ઓળખો છો? “ બહેને કહ્યુ, “ હા, બહુ જ સારી રીતે ઓળખુ છું. એ મને જોવા માટે આવેલો. મારે બે સંતાન છે અને એ હજુ જોવાનું જ કામ કર્યા રાખે છે.”

માત્ર વિચારવામાં અને વાંક કાઢવામાં જ જીંદગી પુરી ન થઇ જાય એની તકેદારી રાખવી. કોઇપણ કાર્યમાં ઉંડાણપૂર્વકના વિચારની આવશ્યકતા છે જ પણ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેનારા સફળ થાય છે અને સતત વિચાર કરનારાઓ વિચારતા જ રહી જાય છે.

Writer : Shailesh Sagpariya Sir

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!