“મારી ડાયરીનાં પાનાં” જયારે જયારે કંઈક લખતી સતત પ્રયત્ન કરતી કે હું જે અનુભવ કરુ છુ એ લાગણીઓને મારા શબ્દોમાં જીવંત કરુ વાંચો ખ્યાતિ ઠકકરનો લેખ

“મારી ડાયરીનાં પાનાં”
શબ્દો સામે મારે કયારેય જીતવું નથી અથવા તો મારા શબ્દોનો ઉપયોગ કરીને મારે કોઈને હરાવવા નથી. સતત કંઈક શોધવાનો પ્રયાસ કરતી હું મારી આજુબાજુ જીવી રહેલા લોકો, મારી આજુબાજુની પરિસ્થિતિઓ, નવા વળાંકો લેતી જીંદગીઓ અને લાગણીઓને શબ્દો આપવા લાગી. ઘણીવાર મને એવુ લાગતું કે આ શબ્દો મારી અંદર જીવી રહ્યા છે પરંતુ હું કદાચ ખોટી હતી. શબ્દો મારી અંદર નહી પરંતુ હું શબ્દોમાં જીવવા લાગી હતી. મારા શબ્દો અને મારા વાક્યો કયાંક અને કયાંક મારી અંદરની લાગણીઓ, વિચારો, અને પરિસ્થિતિઓને વાચા આપી રહ્યા હતા. દરેક પરિસ્થિતિને શબ્દોમાં વણર્ન કરવી એ હવે મારી જરૂરિયાત બની ગયી હતી. લાગણીઓ સાથે આવી જતાં આંસુઓ, હાસ્ય, પ્રેમ અને ગુસ્સાનુ પણ સ્થાન શબ્દોએ લઈ લીધુ હતું.

“મારી પરિસ્થિતિ મારા શબ્દોમાં ધબકવા લાગી.”
“મારી આજુબાજુના માણસો મારા શબ્દોમાં શ્વાસ લેવા લાગ્યા.”
“મારી લાગણીઓને મારા શબ્દો પ્રાણ આપવા લાગ્યા.”
જયારે જયારે કંઈક લખતી સતત પ્રયત્ન કરતી કે હું જે અનુભવ કરુ છુ એ લાગણીઓને મારા શબ્દોમાં જીવંત કરુ અને આ વાત માટે હું મરણિયા પ્રયાસો કરવા લાગી કલમ અને કાગળ વચ્ચે ચાલતા એ યુધ્ધમાં મારા વિચારો સતત વાર કરતા કયારેક હું આ યુધ્ધમાં સફળ થઈ જતી અને પરિસ્થિતિમાં પ્રાણ ફૂંકીને હું મારા શબ્દોને જીવંત કરી દેતી હતી તો કયારેક આ યુધ્ધમાં પ્રયત્ન કર્યા પછી પણ હું ખરાબ રીતે હારી જતી હતી. અથાગ પ્રયત્નો કર્યા પછી પણ શબ્દો મારો સાથ ન જ આપતા. હાર પચાવવા કરતાંય લાગણીઓને શબ્દો ન મળવાની પરિસ્થિતિ મારા માટે વધુ અસહ્ય બની જતી. કયારેક શબ્દો મારી લાગણીઓ અને પરિસ્થિતિઓમાં સરળતાથી બંધ બેસી જતા અને મારી ડાયરીનાં પાનાંઓ પર ગોઠવાઈ જતા હતા. અને કયારેક એ મારા દરેક પ્રયત્નોને સરળતાથી મ્હાત આપી દેતા હતા.
જયારે પણ એ જૂના પાનાંઓ વાંચતી હોવું ત્યારે એ પરિસ્થિતિને ફરી મારી આંખો સામે જીવી લેતી હતી.
કયારેક મારા શબ્દો મને સધિયારો આપતા તો કયારેક મારા જ શબ્દો મને દઝાડતા. કોઈ ભૂતકાળની વાત યાદ કરાવીને મને શાંતિનો અહેસાસ કરાવતા મારા શબ્દો તો કયારેક અસહ્ય પીડા અને અપાર દુઃખનો અહેસાસ કરાવી રડાવી પણ લેતા. શબ્દો સાથેનો મારો સંવાદ હંમેશા રસપ્રદ રહ્યો છે. મને મજબૂત બનાવવામાં અને તોડવામાં હંમેશા એ સરખો જ પ્રયત્ન કરતા.
ડાયરીના પાનાંઓ પર કયાંક છૂટાછવાયા લખેલા તો કયાંક પાનાંઓ પર હારબંધ ગોઠવાયેલા એ શબ્દો મને સતત કંઈક કહેતા મારી સાથે વાત કરતા.
“ડાયરીનાં બંધ પાને કોણ જાણે એ શબ્દો કેટલુંય સાચવીને રાખતા.” “મૌનનો એ અસહ્ય ભાર.” “હ્રદયમાં જ ધરબી દીધેલી કેટલીય વાતો.” “ગળામાં જ અટકી ગયેલા કેટલાય ડૂમા.” “હોઠ સુધી ન આવેલા કેટલાય અજાણ્યા હાસ્યો.”
“આંખોને હાથતાળી આપીને ગયેલા કેટલાય આંસુઓ.”

“ડાયરીઓને એ પાનાંઓ વચ્ચે માત્ર શબ્દો જ નહી પણ આખેઆખુ વ્યક્તિત્વ જ જીવી રહ્યું છે.”

ખ્યાતિ ઠકકર
સફર

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!