મારા ઘરે અજવાળા કરીશ !! – સાસુનો પત્ર વાંચીને રિસામણે આવેલી વહુ પાછી સાસરીમાં અજવાળા કરવા પહોંચી જાય છે…દરેક સાસુ વહુએ વાંચવા સમજવા જેવી વાર્તા…

0

મારા ઘરે અજવાળા કરીશ !!

  • મારી લાડકી વહુ,
  • કુશળ મંગળ હશો !!

વહુ દીકરા, મને તો એમ કે તું પિયર થોડા દિવસ માટે રોકવા જ ગઈ છે. પરંતુ હજી ગઇકાલે સાંજે જ મને તપને કહ્યું કે , મમ્મી, પ્રિયા હવે આ ઘરમાં આવવા નથી માંગતી. આ સાંભળી હું આખી રાત સૂઈ નથી શકી. આજ સુધી મે તને કશું નથી કહ્યું. જેમ તમે લોકો રહો તેમાં હું ખૂબ ખુશ થતી. તું હોંશિયાર છે દીકરી. તને મારા કરતાં પણ ઘણું બધુ એડવાન્સ આવડે છે. હું તો ખુશ છુ કે મને તારા જેવી વહુ મળી જે દીકરી બનીને આ ઘરને સંભાળી રહી છે. આજે તું નથી તો આ ઘર પણ સાવ સૂનૂ છે. આવીજા બેટા.

બેટા, સ્ત્રી કોઈપણ પરિસ્થિર્તિમાં લાચાર જ હોય છે. હું સમજુ છુ તને. હું પણ એક સ્ત્રી જ છુ. આખરે સ્ત્રી ક્યાં સુધી સહન કરી શકે ? મે આજસુધી તને કશું જ નથી કહ્યું હું એકદમ મૌન રહી. તું પણ કહેતી હતી મને યાદ છે ? કે, “ મમ્મી તમે આ ઘરમાં સૌથી ઓછું બોલો છો. “
પણ શું કરું બોલીને ? લગ્ન પહેલા પિયરમાં દીકરીની જાત એટ્લે દબાઈને રહેવાનુ. આ તો હવે થોડો સ્ત્રીઓ સ્વનિર્ભર થઈ છે એટ્લે જમાનો બદલાયો છે. સ્ત્રી પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાયો છે. પરંતુ હું જ્યારે નાણાઈ હતી ત્યારે દીકરીને તો પારકા ઘરે જવાનું છે. દીકરી તો ઘરની આબરૂ કહેવાય એવું સમજી કયારેય દીકરીઓને ઘરની બહાર નીકળવાની છૂટ ન હતી. શું વાર ને તહેવાર દીકરી માટે તો કોઈ જ મહત્વનુ ન રહેતું.. જો કોઈ કામમાં ભૂલ થાય તો તરત જ ઘરના કોઈ વડીલ બોલે, આને હજી કામ નથી કરતાં આવડ્યું…પારકા ઘરે જવાનું છે. આવશે લબાચા પાછા. ને દબાવમાં ને અભાવમાં દીકરીને પારકા ઘરે મોકલી દેવામાં આવે. જે દીકરીને ઘરની બહાર જ કાઢવામાં નથી આવી. જે દીકરીને ઘરની ચાર દિવાલોમાં આબરૂ સાચવવા કેદ રાખવામા આવી. જે પારકી વ્યક્તિને પણ જોઈને પરેવાની જેમ ફફડી ઊઠે છે. એ દીકરી પારકા ઘરે કેમ રહી શકે ?

આમ ને આમ મારા લગ્ન થયા. હું પહેલેથી જ દબાયેલી એટ્લે લગ્ન પછી પણ તારા સાસરાના ખરાબ સ્વભાવમાં હું દબાઈ ગઈ…કેમકે મને તો પિયર હોય કે સાસરું બંને જગ્યાએ કોઈ જાજો ફેર નહોતો પડ્યો…મારી પ્રકૃતિ, મારા સપના, મારા વિચારોને દબાવી દેવામાં આવ્યા હતા. ક્યાંક સમાજના રિવાજોમાં..તો ક્યાંક ઘરની આબરૂમાં….બસ……હું દીકરી બની કેમ જન્મી એ વિચારે ક્યારેક રડી પણ લેતી. હું મારા મનની પીડા મનમાં જ સમાવી મારા ઘરમાં પરોવાઈ ગઈ. ક્યારેક માર સહન કરતી રહી. તો ક્યારેક અપમાન..ક્યારેક સ્ત્રીની વેદના, વિડંબના સાચી હોવા છ્તા સાસરું અને પિયરના બે ઘર વચ્ચે જૂઠના આવરણમાં ઢાંકી દેવામાં આવે છે.
પરંતુ દીકરા આમ તું હિમ્મત હારી જઈને તારા પિયર જતી રહી….એ તો સારી વાત ન કહેવાય…હું માનું છુ કે તપન તારા પર વધારે હાવી થઈ જ ગયો હશે…આખરે એ એના પિતા પર જ ગયો છે ને….નાનપણથી એને એ તો જોયું છે. પછી એ શું બીજું શિખશે. જ્યારે જ્યારે પતિ પત્નીમાં આવો અણબનાવ બને ત્યારે પરિવાર ખંડિત થઈ જતો હોય છે. હું નથી ઇચ્છતી કે મારો પરિવાર ખંડિત થાય. બેટા તું પણ વિચાર, તાલી એક હાથે નથી પડતી.

અરે, તું એવું ન સમજતી કે હું તને પણ દોષ આપી રહી છુ. તું મારી પરફેક્ટ વહુ છે. પરંતુ તું આમ મને કશું કહ્યા વગર સાવ ચૂપચાપ તારા પિયર જતી રહી..એ મને થોડું ખૂંચ્યું. બતા તમારા બંનેના બગીચાનું ફૂલ આરોહી છે. એ કુમળા ફૂલ વિષે તો વિચાર કરો. શું એને તમારા બંનેમાંથી કોઈ એક વગર રહેતા ફાવશે ?

હું માનું છુ કે દરેક વાતની એક સીમા હોય છે. પ્રેમ, દયા, ક્ષમા અને ક્રોધ. પ્લીઝ હવે તું સમજ દીકરા. જો તમે બંને આમ જ જીવન જીવશો તો પછી આરોહીનું ભવિષ્ય શું હશે ? ક્યાંક એવું ના બની બેસે કે એના ભવિષ્યનો દિપક અંધકારમાં વિલીન થઈ જાય. લગ્ન જીવન હોય છે જ એવું. એમાં એક સમય આવો પ્રશ્ન આવી જ જાય છે. પણ સમય સમયનું કામ કરે છે. જેવો સમય વીતી જશે એટ્લે બધુ જ ઠીક થઈ જતું હોય છે. પણ હા, આ સમયમાં કડવા ધૂંટ તો એક સ્ત્રીએ જ પીવા પડે છે. આ સૃષ્ટિને બચાવવા માટે જેમ દેવોના દેવ મહાદેવે પણ ઝેરના ઘૂટડા પીવા પડ્યા હતા..એમ આપણે પણ આપણા પરિવારને બચાવવા માટે ક્યારેય ઝેર પીવું જ પડતું હોય છે.
બેટા, જીવનના આવા નિર્ણયથી આખું જીવન પ્રભાવિત થઈ જાય છે. હું પણ આખી જિંદગી મૌન જ રહી છુ. મને પણ મારા પતિમાં હજારો દોષ જોવા મળતા હતા. અમારી તો જોડી પણ કેટલી ક્જોડી છે. હું અને એ બંનેમાં પૂરા પંદર વર્ષનો ફેર છે. એ પંદર વર્ષ મોટા ને હું પંદર વર્ષ નાની. તો મને પણ થોડી નહી વધારે તકલીફ પડી..પણ આપણે રહ્યા દીકરીની જાત. પારકા ગહરે પણ રહેતા શીખવું જોઈએ. ક્યાંક મૌન બનીને તો ક્યાંક પોતાના હક્ક માટે. હું કેમ પાછા ડગ ભરું ? હું મારા હક્ક માટે લડી, મારા સન્માન માટે લડી ત્યારે મને આટલી ઉંમરે શાંતિ મળી. હું ઈચ્છું કે તું પણ લડ..આમ પાછળ ડગ ન ભર, હું હંમેશા તારી સાથે છુ.

s. આ બધા જ શબ્દો લગ્નજીવન માટે જ બન્યા છે. તું પણ બની જા શકુંતલા, રંભા ….મારા દીકરાને તારા સૌંદર્યમાં વશ કરી દે. આખરે સ્ત્રી પાસે એ તો ભગવાને આપેલી દેન છે. ને બચાવી લે તારા જીવનને….હું મારી દીકરી અને મારા દીકરાનું જીવન આમ બરબાદ નહી થવા દવ…હું બધી જ રીતે તને મદદ કરીશ. મને ખબર છે તું તપનને અનહદ પ્રેમ કરે છે. તું એક દિવસ પણ એને છોડીને એક દિવસ પણ ક્યારેય નથી ગઈ..તો આજે તારા પ્રેમને શું થયું બેટા ? એક ભૂલ માફ કરી દે પ્લીઝ…તપનને પણ તારા વગર નહી જ ગમતું હોય..એ પણ તારા ગયા પછી એક દિવસ પણ તમારા બેડરૂમમાં નથી સૂતો…એનું જીવન તારા વગર સૂનું સૂનું થઈ ગયું છે. તું આવીજા પાછી ને એના જીવનની પાનખરમાં વસંત બની જા.

વહુ દીકરા તું સ્ત્રીત્વમાં આવીને નિર્ણય ન કાર. આ મૌન રૂપી દીવાલને તોડી નાખ. તું તારી શરતો મૂક તપન સામે અને આવી જા આ ઘરમાં પાછી…હું તપનને કહું છું જો તું હા પાડે તો ..એ જ તને લેવા આવશે.. તારે એકલાએ નહી આવવું પડે..હું તારા માન સન્માન માટે તને પૂરો સાથ આપીશ… આ ઘરની તું લક્ષ્મી છે..ને મને મારા દિવાળી જેવા તહેવારના દિવસે આમ મારા જ ઘરની લક્ષ્મી નારાજ થાય તે ન ગમે.. હવે હું અહીંયા વિરામ લઉં છુ…મારી લાડુ..જો તને આ સાસુમાં એક માના દર્શન થાય તો આવી જા ને એક માના ઘરને પ્રકાશના અજવાળાની જેમ પ્રજ્વલલિત કર.

તું સાચવજે! સમયસર જમી લે જે…અને અહીયાની તું ચિંતા ન કર…હું બધુ જ સંભાળી લઇશ…તારા માનસન્માનમાં હું ઠેસ નહી પહોચવા દવ..હું મારા માટે નથી લડી પણ, મારી વહુ ના અધિકાર માટે લડી શકું છુ…હું તારી રાહ જોવું છું.

જય શ્રી ક્રુષ્ણ !!

પોતાની સાસુનો પત્ર વાંચતાં જ પ્રિયાની આંખ ભરાઈ આવે છે ને ક્યાંક તો તેની પણ ભૂલ છે એવું તેને લાગ્યું..પ્રિયાને આજે પહેલીવાર તેની અંદર રહેલા ઇગોના દર્શન થયા ને તેની સાસુ એક સાસુ હોવા છતાં કોઈ જ સાસુપણું નહી….કોઈ જઅભિમાન નહી….ને પોતાના ઘરની આબરૂ સાચવવા માટે એ આજે પણ ઝેરના ઘૂટ તો પીતા જ હશે !!
આજે પ્રિયાને એની સાસુ જેવુ બનવાનું મન થયું..જો મારા સાસુ મને એમના ઇગોને એકબાજુ મૂકી આમ પત્ર લખી શકે છે એક મા બનીને તો હું દીકરી બનીને સામેથી મારા જ ઘરે જતાં કેમ ખચકાવ ? આ વિચાર આવ્યો ને પ્રિયા કોઈને પણ કહેવા ન રહી ને આરોહીને તેડી ઘરની બહાર આવી ને ઓટોમાં બેસી પહોંચી જાય છે એના સાસરે……રસ્તામાં દિવાળીના દિવડા જોવે છે તો એ પણ લેતી જાય છે..કે હું મારા ઘરે જઈને આજે અજવાળા કરીશ મારા પ્રેમના પ્રકાશથી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here