માં ખોડિયારના પ્રાગટ્ય અને વાહન મગર વિશે, આ રસપ્રદ ઘટના જાણવા જેવી છે….

જાનબાઇને પગમાં ઠેસ વાગવાને કારણે ખોડાતાં ચાલતાં હતાં તેથી સૌ બોલ્યા કે ખોડલ આવી. બસ, આ દિવસથી જાનબાઇ મા ખોડિયારના નામે ઓળખાવા લાગ્યાં. મગર ત્યારથી જાનબાઇનું વાહન બન્યો.

ખોડિયાર માતાનું પ્રાગટ્ય : ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામળ નામનો એક ચારણ રહેતો હતો. જે માલધારીનો વ્યવસાય કરી ગુજરાન ચલાવતો હતો. આ ચારણપુત્ર પર માતા સરસ્વતીની કૃપા અપરંપાર હતી. એને જીભે સરસ્વતી હોવાથી વલ્લભીપુરના રાજા શિલાદિત્યનો માનીતો હતો. તેને દરબારમાં સૌ કોઇ મામળદેવ તરીકે ઓળખતા હતા. તેમનાં પત્ની દેવળબા પણ અત્યંત ધાર્મિક અને પરગજુ સ્વભાવનાં હતાં. ઘરે ખૂબ જ લક્ષ્મીનો વાસ હતો પણ આ સુખી સંસારમાં શેરમાટીની ખોટ હતી. વલ્લભીપુરના રાજદરબારમાં મામળદેવની વધતી જતી લોકચાહનાથી અનેક ઇર્ષાળુઓને મામળદેવ હવે આંખના કણાની જેમ ખૂંચવા લાગ્યા. ઇર્ષાળુ લોકોએ એકદિવસ રાજાના મનમાં એવી વાત ઠસાવી કે મામળદેવ નિ:સંતાન છે. તેનું મોં જોવાથી અપશુનક થાય અને આપણું રાજપાઠ એક દિવસ ચાલ્યું જાય તો નવાઇ નહીં.

રાજા શિલાદિત્ય ઇર્ષાળુ લોકોની વાતમાં આવી ગયા. એકવાર રાજાએ મામળને કહ્યું કે ભાઇ મારે વાંઝિયાનું મોઢું નથી જોવું માટે તું અહીંયાં આવીશ નહીં. મામળ તો ખૂબ જ દુ:ખી થયો. લોકો પણ મામળને વાંઝિયા મહેણંુ મારવા લાગ્યા. મામળ દુ:ખી હૃદયે ઘરે આવીને સઘળી વાત પોતાની પત્નીને કરે છે. મામળને હવે જિંદગી ઝેર જેવી લાગવા લાગી. તેમણે ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા કરશે. ઘણી જ આરાધના કરવા છતાંય ભગવાન શિવ પ્રસન્ન ન થતાં મામળે પોતાનું મસ્તક તલવારથી ઉતારવા જતા હતા કે ત્યાં જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું કે: પાતાળલોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે.


મામળદેવ ખુશ થઇને ઘરે ગયા અને પોતાની પત્નીને સઘળી વાત કરી. તેમની પત્નીએ ભગવાન શિવના કહેવા પ્રમાણે મહા સુદ આઠમને રવિવારના શુભદિને આઠ ખાલી પારણાં રાખ્યાં. જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયાં અને બાળક સ્વરૂપ ધારણ કર્યું. મામળદેવને ત્યાં અવતરેલ કન્યાનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઇ, હોલબાઇ, સાંસાઇ અને સાત બહેનોમાં સૌથી મોટી બહેન ભવગતી જગદંબા જાનબાઇ (ખોડિયાર)અને ભાઇ મેરલદેવના જન્મના સમાચાર સાંભળતાં રોહિશાળા ગામમાં આનંદ છવાઇ ગયો.

જાનબાઇ ખોડિયાર નામે પૂજાયાં: એકવાર જાનબાઇના એકના અેક ભાઇ મેરલદેવને ખેતરમાં ઝેરી સાપે ડંખ માર્યો. ઝેર એવું હતું કે ઊતરવાનું નામ જ નહોતું લેતું. સાતેય બહેનોના જીવ અધ્ધર થઇ ગયા. મેરલદેવને ઝેર ચડતું જતું હતું. આવા સમયે બધા જ જુદા જુદા ઉપાયને અજમાવતા હતા. પણ એક સાધુએ કહ્યું કે આ ઝેર પાતાળમાં નાગલોક પાસે રહેલા અમૃત જળથી ઊતરી શકે, પણ જો અા જળને સૂર્યાસ્ત પહેલાં લાવવામાં આવે તો જ આ મેરલદેવનું જીવન શક્ય છે. બસ આટલું જ સાંભળતાં જ જાનબાઇ મેરલદેવનો જીવ બચાવવા માટે પાતાળલોકમાં જવા નીકળી ગયાં. જ્યારે જાનબાઇ પાતાળલોકમાંથી અમૃત કળશ લઇને આવતાં હતાં ત્યારે ઉતાવળને લીધે તેમના પગમાં ઠેસ વાગી, કારણ કે સૂર્યાસ્ત પહેલાં કળશનું અમૃત મેરલદેવ સુધી પહોંચાડવાનું હતું. પગમાં ઇજાને કારણે જાનબાઇ ચાલી શકતાં ન હતાં તેથી તેમણે મગરની મદદ લીધી. તે મગર પર બેસીને મેરલદેવ સુધી પહોંચ્યાં અને મેરલદેવનો જીવ બચાવ્યો ત્યારે તો બધાના જીવમાં જાણે જીવ આવ્યો અને જાનબાઇ પગમાં ઠેસને કારણે ખોડાતાં ચાલતાં હતાં તેથી સૌ બોલ્યા કે ખોડલ આવી. બસ, આ દિવસથી જાનબાઇ મા ખોડિયારના નામે ઓળખાવા લાગ્યાં. ત્યારથી મગર જાનબાઇનું વાહન બન્યો. મગરને સોનાની વાળી નાકમાં પહેરાવી આશીર્વાદ આપ્યા અને મા ખોડિયારે કહ્યું કે આજથી તું મારું વાહન ગણાઇશ.
રા’નવઘણનો જીવ બચાવ્યો: રાજા રા’નવઘણ જ્યારે તેમની બહેનોને બચાવવા માટે યુદ્ધ માટે જતા હતા ત્યારે ખોડિયારમાના મંદિરની નજીક 200 મીટરની ઊંચાઇએથી તેમણે ઘોડાને કૂદાવ્યો હતો. છતાં પણ મા ખોડિયારની કૃપાથી રા’નવઘણને કોઇ પ્રકારની ઇજા નહોતી થઇ. રા’નવઘણને મા ખોડલ પર અપાર શ્રદ્ધા હતી. તેઓ વારંવાર તેમના રસાલા સાથે અથવા ઘોડા પર બેસીને પાંચ-સાત ગાઉ દૂર માતાનાં દર્શને જતા. રા’નવઘણના માતા સોમલદેને ખોડિયાર માતા ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી અને તેમના આશીર્વાદથી જ રા’નવઘણનો જન્મ થયો હતો.


જગપ્રસિદ્ધ ખોડિયાર ધામો:
રાજપરા : ભાવનગર જિલ્લામાં સિહોર તાલુકાના રાજપરા (ખોડિયાર) ગામમાં આવેલું ખોડિયાર મંદિર ખૂબ જ પ્રચલિત છે. આ ખોડિયારધામ ભાવનગરથી 17 કિ.મી. તથા સિહોરથી 4 કિ.મી.ના અંતરે આવેલું છે. માતાજીના મંદિરની સામે જ તાંતણિયો ધરો આવેલો છે. તેને કારણે જ આ મંદિર તાંતણિયા ધૂરાવાળા ખોડિયાર તરીકે પ્રસિદ્ધ છે.
માટેલ: રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં ખોડિયાર માનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. ઊંચી ભેખડો ઉપર માતાજીનું મંદિર આવેલું છે. અહીં માતાજીનું જૂનું સ્થાનક છે. તેમાં ચાર મૂર્તિઓ છે જે આવડ, ખોડિયાર, હોલબાઇ અને બીજબાઇની છે. અહીં એક પીલુડીનું વૃક્ષ આવેલું છે જેની નીચે ખોડિયારમાના બહેન જોગડ, તોગડ અને સાંસાઇના પાળિયા છે.
ગળધરા: અમરેલી જિલ્લાના ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.ના અંતરે શેત્રુજી નદીને કાંઠે ખોડિયાર માનું મંદિર આવેલું છે. અહીં શેત્રુજી નદીની વચ્ચે ખૂબ જ ઊંડો પાણીનો ધરો આવેલો છે. તેને ગળધરો કહેવાય છે. ત્યાં ધરાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણના ઝાડની નીચે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. રાજા રા’નવઘણ ગળધરા ખોડિયાર માતાજીનાં દર્શન કરવા આવતો હતો. કાગવડ, ભાયાવદરમાં પણ ખોડિયાર માતાનાં મંદિર આવેલાં છે. જે માઇભક્તો માટે આસ્થાનાં પરમધામ સમાં છે.માં ખોડિયારના પ્રાગટ્ય અને વાહન મગર વિશે, આ રસપ્રદ ઘટના જાણવા જેવી

Article By Sunil

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!