કાર્તિકી પૂનમના દિવસે ચંદ્ર જાણે સોમનાથના શિખર પર બેસી જાય છે! થોકેથોક માણસો ઉમટે છે મેળામાં – વાંચો આર્ટિકલ

0

ગિરનારની પરિક્રમા પૂર્ણ કરીને શ્રધ્ધાળુઓ જ્યારે પરત ફરે છે ત્યારે અચૂકપણે સોમનાથના દર્શન કરવા જાય છે. લોકોનું માનવું છે કે, પરિક્રમા કર્યા બાદ સોમનાથ મહાદેવના દર્શન થઈ જાય એટલે ભયોભયો! દિવાળીની મોસમ પૂર્ણ થઈ ગઈ હોય છે, ખેતરમાં શિયાળુ પાક વાવી દીધો હોય છે ત્યારે દિકરાને વાવેલા પાકમાં પાણી વાળવાનું કહીને બાપ પરકમ્મા કરવા નીકળી જાય છે કાં તો બાપ ઘેર રહે તો દિકરો નીકળી જાય; ઘરે બાયો ખમતીધર હોય તો બાપ-દિકરો બંને નીકળી જાય કાં ઘર આખું નીકળી જાય. કાઠિયાવાડની આ પરંપરા ઘણાં વર્ષોથી ચાલી આવે છે. ગિરનારની પરકમ્મ ને સોમનાથનો મેળો થઈ જાય એટલે ફેરો સફળ જ માનવો! સોરઠ ધરા ન સંચર્યો, ન ચડ્યો ગઢ ગિરનાર;
ન નાહ્યો દામો-રેવતી, એનો એળે ગ્યો અવતાર!

દેવદિવાળીથી લઈને કાર્તિકી પૂનમ સુધી સોમનાથમાં મેળો જામે. હિરણ નદીને કાંઠેના વિશાળ મેદાનમાં હવે તો સુવિધાઓ પણ બહુ સારી એવી થઈ ગઈ છે. ઠંડીની હજી શરૂઆત હોય, અંગેઅંગમાં ટાઢક ભરી દેતાં મદમસ્ત પવનો વા’તા હોય એ વખતે કાઠિયાવાડનું લોક મેળો કરવા નીકળી પડે. કો’ક થોકબંધ ખરીદી કરે, કો’કના ખીસ્સામાં પાંચકોય ના હોય. મેળો ખરીદી કરવા માટે તો ઠીક, મ્હાલવા માટે હોય છે! અહીં કોણ રાંક ને કોણ રાય?

દેવદિવાળીને દિ’ સમીસાંજે ઢોલ-નગારાં, આતશબાજીઓની હારમાળાથી મેળાની શરૂઆત થાય તે છેક પૂનમની રાત સુધી. ગુજરાતના નામી મેળાઓમાં સોમનાથનો આ પાંચ દિવસીય મેળો આવે. લોક થોકેથોકે ઉમટે. અહીં ખાણીપીણીની અનેક દુકાનો હોય; વળી સાંસ્કૃતિક વારસાને દેખાડતી કુટીરો પણ હોય, જેમાં ભાતભાતની પાઘડીઓ, તલવારો-ખંજરો-ભાલા-શિરસ્ત્રાણ, પુરાણા રમકડાં, ભારતના પ્રખ્યાત મંદિરોના ચિત્રો વગેરે પણ મુકાયેલા હોય. આ પ્રકારનું સાંસ્કૃતિક કલાપ્રદર્શન જોઈને ગુજરાતની અસ્મિતાની પણ ઝાંખી થઈ જાય! કલાકારો આવે, કસ્બીઓ આવે, નીતનવા ખેલ પણ જામે.

સોમનાથ મંદિરથી હિરણના આ કાંઠાનું મેદાન મહજ એકાદ-દોઢ કિલોમીટર છેટું, વેરાવળ-ભાવનગર હાઈ-વેને અડીને આવેલું છે.

કાર્તિકી પૂનમના દિવસે રાતે બાર વાગ્યે ભગવાન શિવની મહાઆરતી થાય. ભવ્ય પૂજાવિધીઓ આરંભાય. જોવાજેવું એ છે કે, એ વખતે પૂનમનો સોળે કળાએ ખીલેલો ચંદ્રમા મંદિરના શિખરની બરાબર ઉપર આવે. જાણે ધૂર્જટિએ મસ્તિષ્ક પર સોમદેવને ધારણ કર્યાં છે એવું જ દ્રશ્ય સર્જાય! એ વખતનો નજારો ખરેખર અનુપમ હોય છે. સોમનાથનું શિખર ચંદ્રમાના અજવાળે દેદિપ્યમાન રીતે દીપી ઉઠે. એ શિખર જોતાં જ આવેગ કહો કે જે કહો તે પણ એવો ભાવ પેદા થઈ જાય કે, શું કરી લીધું ગરજનના મહેમૂદે કે ખલાઉદ્દીનના ઉલુઘે? ઔરંગઝેબે સોમનાથથી પૂજા બંધ કરાવી હતી એનો હુકમ પણ ક્યાં ચાલ્યો ગયો? કાસીમ હો, તુઘલખ હોય, ઝફર હોય કે બેગડો હોય; જ્યાં સુધી પ્રજાના હ્રદયમાં પુરાણોના શિવ ધબૂકે છે ને ક્ષયથી ઉધ્ધાર પામેલો ચંદ્ર આકાશે પ્રકાશે છે ત્યાં સુધી સોમના નાથનું શિખર હરેક પૂનમે આવું જ પ્રજ્વલિત રહેશે.

કાર્તક મહિનાની પૂનમના દિવસે સોમનાથમાં ઉજવાતો ઉત્સવ આજ-કાલનો નથી, એ અનુષ્ઠાન-પૂજા ઘણાં પ્રાચીન વખતથી થાય છે. પાટણપતિ મહારાજા ભીમદેવ સોલંકીએ આ પૂનમે જ અહીં ગ્રામદાન કરેલ, ને ગુર્જરેશ્વર મહારાજ કુમારપાલે મંદિરનો જીર્ણોધ્ધાર કરીને આ પૂનમે જ મહાપૂજા કરી હતી. મહર્ષિ હેમચંદ્ર પણ સોમનાથમાં ઉજવાતાં ઉત્સવનો ઉલ્લેખ કરે છે. મિરાતે-સિકંદરીમાં સોમનાથમાં ઉજવાતાં ઉત્સવો વિશે કહેવાયું છે.

તો આવો, મહાલો આ પંચ દિવસીય મેળામાં અને કરો મહાદેવના દર્શન! મેળા છે તો મજા છે, દેવ છે દિ’ વળે છે! શિવમ્ શરણમ્ ગચ્છામિ!

[ આ વર્ષે ૧૯ નવેમ્બરના રોજ સાંજે મેળાનો પ્રારંભ થયો છે તે ૨૩ નવેમ્બર સુધી ચાલવાનો છે. ]

Author: કૌશલ બારડ GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here