જાતિવાદથી આંતકવાદ સુધી ! વાંચો આર્ટિકલ ક્લિક કરીને

0

જાતિવાદથી આંતકવાદ સુધી !

ચૂંટણીની તારીખ જાહેર થાય અને ગામમાં ચર્ચા શરું થઈ જાય કે આ વખતે પે’લા સમાજને આ વખતે સીટ મળશે ! નેતાઓ ભાષણ કરીને જાય છે પણ ક્યારેય એમ નથી કહેતા કે અમારે ભારતમાં જાતિવાદ ખતમ કરવો છે ! માણસમાં હિન્દુ – મુસ્લિમ, અને હિન્દુમાં પણ વિવિધ જ્ઞાતિઓ અને એ જ્ઞાતિમાં પણ પેટા જ્ઞાતિઓ ! અરે..આ તો હદ થઈ ગઈ ને ? બધા માણસો જ છે ને ? જાતિવાદ આપણા દેશને તોડે છે, હિન્દુમાં પણ કોઈ છોકરા – છોકરીને લગ્ન કરવા હોય તો એમાં નડે છે ! શા માટે આપણો દેશ કાસ્ટલેશ ન થઈ શકે ! સમય સમયનું કામ કરે છે અને સમયની વચ્ચે ન પડવું જોઈએ ! આ વાત આપણે દરેકે સાંભળી અને માની હશે, પણ સમય બદલાય ત્યારે દરેક વ્યક્તિએ અને સમાજે સમજણથી બદલાવું જોઈએ ! આજે ૨૧મી સદીનો સમય ચાલી રહ્યો છે અને આપણે કેટલીક બાબતોમાં ૨૦મી સદીની જેમ વર્તન કરીએ છીએ ! પ્રેમ લગ્ન એટલે કે લવ મેરેજ પર ઘણું લખાય છે અને વંચાય પણ છે, ત્યારે આ બધી બાબતોમાં જાતિવાદ મુખ્ય છે ! જાતિવાદ ફક્ત લવ મેરેજમાં જ નહીં પરંતુ અન્ય કેટલીક બાબતોમાં પણ મુશ્કેલીઓ સર્જે છે ! સૌથી મોટી સમસ્યા છે કે જાતિવાદ ધીમે ધીમે આપણા દેશને તોડી રહ્યો છે અને આ વાતની ખબર આપણા સૌને છે પરંતુ કોઈ આ બાબતને ગંભીરતાથી લેતું જ નથી !

આપણાં દેશમાં સમસ્યા સર્જાય અને ત્યારે જ એ સમસ્યા પર રાજનીતિ શરું થઈ જાય છે ! ઘણીવાર તો એવું લાગે છે કે ભારતીય રાજનીતિ જાતિવાદ પર આધારિત તો નથી ને ? આંતકવાદ અને જાતિવાદમાં મુખ્ય બાબત એજ છે કે બંને સમાજને તોડી નાંખે છે ! વિવિધ રાજકીય પાર્ટી જ્યારે ચૂંટણી આવે છે ત્યારે વિવિધ જ્ઞાતિઓનું લીસ્ટ લઈને બેસી જાય છે અને વિચારે છે કે કઈ જ્ઞાતિની જન સંખ્યા વધારે છે ? એટલે એ પ્રમાણે ટીકીટ આપવી ! એ સમયે જે તે જ્ઞાતિ પણ વિરોધ કરશે કે અમને પણ ટીકીટ આપો અને જે જ્ઞાતિને ટીકીટ મળી છે એ જે તે પક્ષમાં જોડાઈને સમર્થન કરશે અને આ રાજનીતિને આગળ વધારશે !

મુખ્ય વાત જોઈએ તો આવી જ્ઞાતિવાદની રાજનીતિમાં યુવાનો ઓછા જોવા મળે છે એટલે કે યુવાનોના મતે તો સર્વ જ્ઞાતિ એક જ છે ! આપણે શા માટે એવું નથી વિચારતા કે બધા માણસો જ છે તો બધાને સમાન હક્ક મળવો જોઈએ ! આપણે દલિત અને સવર્ણ એમ ભાગ પાડીને આખરે મળ્યું શું ? પશ્ચિમના દેશોની જો વાત કરીએ તો ત્યાં જાતિવાદ નહિવત પ્રમાણમાં છે અને એટલે એ વિશ્વ સત્તા પર બેઠા છે ! આપણે એ વિચારીએ છીએ કે પે’લા ગામનો છોકરો આપણાં ગામની છોકરીને લઈને ભાગી ગયો અને આવી ટીકા ટીપ્પણી માંથી આપણે બહાર આવીશું ત્યાં સુધી કદાચ મોડું થઈ ગયુ હશે ! દુનિયાનો સૌથી યુવા દેશ જો જાતિવાદમાં ડૂબી જશે તો આપણા યુવાનો શું કામ આવશે ? આપણે આપણાં પ્રશ્નો જ્યાં સુધી ઉકેલીશું નહિ ત્યાં તો દેશની સમસ્યા તો ઉકેલવાની વાત જ છોડી દો !

હવે વાત કરીએ સ્ત્રી સાક્ષરતાની, તો જાતિવાદમાં સૌથી વધારે ભોગ બને છે તો એ સ્ત્રીઓ છે ! જો સાસરિયામાં કોઈ છોકરી હેરાન થતી હોય તો એને કહેવામાં આવશે કે મરી જજે પણ પિયર ન આવતી ! તો મુખ્ય સવાલ એજ કે કોઈ છોકરીના સગા પિતા આવું શા માટે કહે ? જવાબ દરેકના હોઠ પર હશે કે સમાજમાં ઈજ્જત ન જાય એટલે ! જો છોકરી સાસરિયામાં હેરાન થતી હોય અને સમાજના ડરથી પિતા એમ ઈચ્છે કે છોકરી ભલે હેરાન થતી તો આ સમાજ શું કામનો ? કોઈ છોકરી ગ્રેજ્યુએટ થઈ જાય અને એના પિતા સમાજમાં ઈજ્જત રહે એ માટે કોઈ અભણ (કે ઓછું ભણેલા) કે ખરાબ સંસ્કાર વાળા છોકરા સાથે લગ્ન કરાવે એ કેટલું યોગ્ય ? જ્યારે છોકરીને કોઈ છોકરો ગમતો હોય છે પણ એ ખુલીને બોલી જ ન શકે ત્યારે ? આવો સમાજ આપણે જ બનાવ્યો છે ! ગાંધીજી પણ આંતરજ્ઞાતિય લગ્નના પક્ષમાં હતાં અને બાબા સાહેબનું સપનું હતું કે આ દેશ માંથી જાતિવાદ ખતમ થાય ! આપણી સરકારે આ બાબતે વિચારવું જોઈએ અમે કોઈ જ્ઞાતિને વોટ બેંક કરતાં એમાં રહેલી કુશળતાને જોવી જોઈએ.

કોઈ દલિત છોકરો બ્રાહ્મણના ઘરે આવે તો એને અલગ ગ્લાસમાં પાણી આપવું જોઈએ અને એનાથી દૂર રહેવું, આવી શિખામણ આપણે ક્યાં સુધી આપણાં બાળકોને આપીશું ? આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો જમાનો છે અને આજના યુવાનો પાસે સ્માર્ટફોન છે અને એનાથી કંઈ પણ થઈ શકે છે ! આપણે આ જાતિવાદના કારણે આપણાં ગુલામ થઈ જઈએ એ પહેલાં એક થવું જ પડશે !

લેખક : પ્રદિપ પ્રજાપતિ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!